ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક્ઝામ હૉલ અને હોસ્ટેલનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી
મુંબઈ: પરીક્ષામાં ચૅટજીપીટીનો કથિત રીતે ઉપયોગ કરતાં ઝડપાયા બાદ આઈઆઈટી બૉમ્બેના સ્ટુડન્ટ સાહિલ વાકોડેએ આત્મહત્યા કર્યાના પ્રકરણમાં તેને મૃત્યુ સુધી દોરી જનારા ઘટનાક્રમને સમજવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પછી એક્ઝામ હૉલ અને હોસ્ટેલના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી.
આઈઆઈટી બૉમ્બે ફૅકલ્ટી ફૉરમના પ્રમુખ રાજકુમાર પંતે જણાવ્યું હતું કે બાવીસ વર્ષના સાહિલે તાજેતરમાં કોઈ પણ ફરિયાદ ઈન્સ્ટિટ્યૂટના એસસી/એસટી સેલમાં કરી નહોતી. સાહિલની આત્મહત્યાની ઘટના બાદ ભારે વિવાદ ચગ્યો હોવાથી મંગળવારે આરપીઆઈના કાર્યરોએ પ્રવેશદ્વાર પાસે દેખાવો કર્યા હતા. પોલીસે દેખાવ કરનારા કાર્યકરોને તાબામાં લીધા હતા.
ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગમાં બીજા વર્ષના બી.ટેકના વિદ્યાર્થી સાહિલનો મૃતદેહ 18 સપ્ટેમ્બરની સાંજે પવઈ કૅમ્પસમાં આવેલી હોસ્ટેલમાંની તેની રૂમમાં સીલિંગ ફૅન સાથે લટકેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
સાહિલના મૃત્યુ પછી આઈઆઈટી બૉમ્બે દ્વારા સીલિંગ ફૅનની જગ્યાએ દીવાલ પર લગાવવામાં આવતા પંખા ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. કૅમ્પસમાં આવા પંખા લાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
સાહિલના મૃત્યુનું પ્રકરણ બહુ ગાજતાં 19 સપ્ટેમ્બરે આ ઘટનાની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ સાહિલ પરીક્ષામાં ચૅટજીપીટીનો ઉપયોગ કરતાં પકડાયા પછી પ્રોફેસરે અન્ય વિદ્યાર્થીઓથી દૂર લઈ ગયા પછી તેની સાથે શું કર્યું તેની તપાસ ચાલી રહી છે.
ફૂટેજમાં દેખાય છે કે સાહિલ એક્ઝામ હૉલમાંથી બહાર નીકળ્યા પછી હોસ્ટેલમાંની તેની રૂમમાં ગયો હતો. પછી તે રૂમ બહાર નીકળ્યો નહોતો અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ઘટનાના ચાર દિવસ બાદ પોલીસ ઘટનાક્રમ જાણવા માટે કૅમ્પસમાં વિવિધ સ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)