પગ ગુમાવ્યા બાદ નવજીવન શરૂ કરી પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતી દેશનું નામ રોશન કર્યું
વાત જમ્મુ કશ્મીરની. 14 ઓક્ટોબર 2002માં એલઓસી પર એક ધડાકાભેર વિસ્ફોટ થયો. આ હુમલામાં આર્મીના જવાનનો પગ તેના શરીરથી અલગ થયો હતો. કોઈ પણ વ્યક્તિ માટે આ પળ જીવનનો અંતિમ પળ સાબિત થઈ શકી હોત, પરંતુ હોકાતો સેમા એટલે (આર્મીના એ સુબેદાર)એ તેને જીવનની અંતિમ પળના બદલે પોતાના નવજીવનની શરુઆત કરી.
એ દિવસે તેમણે પણ નહીં વિચાર્યું હોય કે એક સૈનિક પેરાઓલમ્પિકમાં ભારત માટે મેડલ જીતશે અને વિશ્વમાં નંબર વન રેન્કિંગ મેળવી ઇતિહાસ રચશે. એટલે જેણે એક સમયે હાથમાં બંદૂક લઈને દેશની સરહદની રક્ષા કરી હતી તે જ હોકાતો સેમા પુરુષોની F57 શોટપુટની સ્પર્ધામાં દુનિયાના પ્રથમ નંબરના ખેલાડી છે.
2024 પેરિસ પેરાલમ્પિકમાં તેણે બ્રોન્ઝ જીત્યો હતો. તેઓ પ્રથમ પેરાલમ્પિયન બન્યા જેને ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ સેવા માટે વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં હોકતોએ સુબેદારથી માંડીને વર્લ્ડ નંબર 1 'પેરા શોટ પુત એથ્લીટ' બનવા સુધીની સાહસિક સફર વિશે જણાવ્યું હતું.
'બોર્ડર' ફિલ્મ જોયા બાદ સેનામાં જવાનો નિર્ણય

મૂળ નાગાલેન્ડના રહેવાસી હોકાતો સેમા બાળપણથી જ સેનાના યુનિફોર્મથી પ્રભાવિત હતા. 'બોર્ડર' ફિલ્મ જોઈને તેમણે પોતાનું જીવન સેનાને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ કારગિલ યુદ્ધ થયું અને તેમનો આ જુસ્સો વધારે મજબૂત બની ગયો હતો. વર્ષ 2000માં તેમણે ભારતીય સેનાની અસમ રેજિમેન્ટ જોઈન કરતા પ્રથમ પોસ્ટિંગ જમ્મુ-કશ્મીરમાં મળી, પરંતુ વિધાતાએ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું.
એક વિસ્ફોટે જીવન બદલ્યું
એલઓસીના ઓપરેશન દરમિયાન અચાનક જ વિસ્ફોટક ભરેલી સુરંગમાં વિસ્ફોટ થતા તેમણે તેમનો એક પગ ગુમાવી દીધો હતો. ગંભીર હાલતમાં તેમને શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઇમરજન્સી સર્જરી થઈ હતી. ત્યારબાદ પુણે ખાતે આર્ટિફિશિયલ લીંબ સેન્ટરમાં તેમની સારવાર શરૂ કરવામાં આવું અને આર્ટિફિશિયલ પગ લગાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર પછી રિયલ જીવનના પડકારની શરૂઆત થઈ હતી.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે 'શરુઆતમાં એવું લાગતું હતું કે શરીર ચાલવાનું ભૂલી ગયું છે. ડગલેપગલે ચાલવામાં પડતી મુશ્કેલીથી મન તૂટી જતું હતું. પરંતુ હોસ્પિટલમાં અન્ય ઘાયલ સૈનિકોને સંઘર્ષ કરતા જોઈને હિંમત મળતી હતી. લગભગ દોઢ મહિના બાદ તેમણે ફરી પોતાના પગ પર ઊભા રહેવાનું શીખી લીધું હતું. ગંભીર ઇજાના લીધે તેઓ હથિયાર લઈને ઓપરેશનમાં ભાગ લઇ શકે તેમ નહોતા.
સેનાની ઈચ્છા હોત તો તેમની સેવા ત્યાં જ પૂર્ણ થઈ ગઈ હોત પરંતુ ભારતીય સેનાએ તેમને નવી જવાબદારી સોંપી હતી. બાદમાં તેઓ વહીવટી કાર્યોમાં પરત ફર્યા અને પશ્ચિમ બંગાળ અને શિલોંગમાં અનેક વર્ષો સુધી સેવા કરતા રહ્યા, પરંતુ તો પણ ખેલાડી બનવાનું સપનું તેમના મનમાં તે સમયે જીવંત હતું.
14 વર્ષ બાદ જીવને નવી તક આપી
વર્ષો સુધી રાહ જોયા બાદ તેમણે પુણેના એક મિત્ર સાથે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને તેમની ફિટનેસ જોઈને હોસ્પિટલના અધિકારીઓએ સલાહ આપી કે તેઓ પેરા ઓલમ્પિકમાં તેમનો હાથ અજમાવી જુએ ત્યાર બાદ તેમની મુલાકાત સેનાના પેરા એથ્લીટ કાર્યક્રમમા જોડાયેલા અધિકારીઓ સાથે થઈ, જ્યાં તેમને શોટપૂટ અજમાવવાની સલાહ આપવામાં આવી હતી. ત્યાંથી જ તેમના જીવને વળાંક લીધો હતો.
પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ જીત્યા

હોકતોએ અમુક જ મહિનાની ટ્રેનિંગ લઈને 2017ના રાષ્ટ્રીય પેરા રમતમાં ભાગ લીધો હતો. તેમની સામે એશિયન ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓ હતા. પરંતુ અનુભવની કમી આત્મવિશ્વાસ પર ભારે ન પડી અને તેમને પહેલી જ વારમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ત્યારબાદ ચીનમાં પહેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ જીત્યા અને આમ મોરોક્કો, જાપાન, ફ્રાન્સ અને દુનિયાભરના દેશોમાં ભારતનો ઝંડો ફરકાવ્યો હતો. આજે 25થી વધારે ઇન્ટરનેશનલ મેડલ તેમના નામે છે.
સેનાને સફળતાનો ફાળો આપ્યો

હોકાતો સેમાના મતે જો ભારતીય આર્મીનો સાથ-સહકાર ન હોત તો તેઓ આ સફળતા પ્રાપ્ત કરી શક્યા ના હોત. તેમણે જણાવ્યું કે 'સેનાએ તેમને વિશ્વસ્તરીય ટ્રેનિંગ અને અને દરેક જરૂરી સુવિધાઓ આપી હતી. તેમના પરિવારે પણ સહકાર આપ્યો તેના કારણે જ તેઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી શક્ય હતા. તેમની પત્ની અને ત્રણ બાળકો હંમેશાં તેમની હિમ્મત બન્યા હતા.
દુનિયાના નંબર વન પેરા શોટ પૂટ એથ્લીટ બન્યા બાદ પણ તેમના અંદરનો સૈનિક આજે પણ જીવંત છે, જે ક્યારેક દેશની સીમાની રક્ષા કરતો હતો. ફર્ક એટલો જ છે કે પહેલા તે દુશમન સાથે લડતા હતા, આજે પોતાની મર્યાદાથી લડે છે. તેમણે બતાવ્યું કે જીવન ક્યારેય દુર્ઘટનાથી સમાપ્ત થતું નથી. ક્યારેક તે જ દુર્ઘટના માણસને લક્ષ્ય કરતા વધુ આગળ પહોંચાડી દે છે. કદાચ એટલે જ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સન્માન થયું ત્યારે તાળીઓ તેમના પદ માટે નહીં પરંતુ તેમની હિંમત માટે વગાડવામાં આવી હતી.