અમદાવાદઃ ગુજરાતના યુવાનોના હૃદય નબળા પડી રહ્યા છે. આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે એક અભ્યાસમાં ચોંકાવારી વિગત સામે આવી હતી. જે મુજબ ગુજરાતમાં 30 ટકા હૃદયરોગની ઈમરજન્સી 40 વર્ષથી ઓછી વયના યુવાનોમાં સામે આવી હતી. જેના પરથી ગુજરાતમાં હૃદયરોગની ઇમરજન્સી હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતી સીમિત રહી ન હોવાનું સાબિત થાય છે.
વર્ષ 2026માં અત્યાર સુધીમાં, EMRI 108એ હૃદયરોગ સંબંધિત કટોકટીના 71,088 દર્દીઓને સેવા પૂરી પાડી છે—જે પાછલા વર્ષોની સરખામણીએ નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 108 પર આવેલા કોલ્સના વિશ્લેષણ મુજબ, દર 10માંથી ત્રણ કિસ્સા 40 વર્ષ કે તેથી ઓછી વયના દર્દીઓના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તાજેતરમાં 30 વર્ષ સુધીના દર્દીઓમાં હાર્ટ એટેક તરફ દોરી જતા પરિબળો પર હાથ ધરાયેલા એક મોટા અભ્યાસમાં રસપ્રદ તારણો સામે આવ્યા હતા.
હાર્ટ એટેકના કારણો
હાર્ટ એટેક સાથે દાખલ થયેલા 30 વર્ષથી ઓછી વયના દર્દીઓના તમાકુનું સેવન, BMI, ખાવાની આદતો, ઊંઘવાની રીત વગેરે જેવા પરિબળોની સરખામણી સમાન સ્થિતિ ધરાવતા અન્ય વય જૂથના દર્દીઓ સાથે કરવામાં આવી હતી. આ પરિણામોમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
અભ્યાસ અનુસાર, હાર્ટ એટેકના 53 ટકા દર્દીઓમાં કોઈને કોઈ સ્વરૂપે તમાકુ સેવન કરતા હતા. 51 ટકા દર્દીઓએ જણાવ્યું કે તેઓ દિવસમાં 30 મિનિટથી પણ ઓછી શારીરિક કસરત કરતા હતા. 49 ટકા લોકો નિયમિતપણે બહારનું ખાતા હતા અથવા તેમના જમવાનો સમય અનિયમિત હતો. 47 ટકા લોકો નસકોરાં બોલાવવાની સમસ્યા ધરાવતા હતા.31 ટકા દર્દીઓમાં પારિવારિક હિસ્ટ્રી હતી. 28 ટકા લોકોએ માનસિક તણાવની વાત સ્વીકારી હતી. 31 ટકા લોકોએ અસામાન્ય કે ભારે શારીરિક શ્રમ કર્યો હતો. 24 લોકોને નાની ઉંમરે વાળ સફેદ થવા અને ટાલ પડવાની સમસ્યા હતી, જ્યારે 14 ટકા લોકોમાં આલ્કોહોલ સેવનનો ઇતિહાસ હતો.
આ અભ્યાસમાં જ્યારે સમાન વયજૂથના સામાન્ય લોકો અને મોટી ઉંમરના હૃદયરોગના દર્દીઓ સાથે સરખામણી કરવામાં આવી, ત્યારે જોખમી પરિબળોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે, મોટી ઉંમરના હાર્ટ એટેકના દર્દીઓમાં તમાકુનું સેવન 37 ટકા હતું, પરંતુ 56 ટકા દર્દીઓમાં રક્તવાહિનીઓ સાંકડી થવાની સમસ્યા હતી. મોટી ઉંમરના દર્દીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ 19 ટકા જોવા મળ્યું, જ્યારે યુવાનોમાં તે 9 ટકા હતું. મોટી ઉંમરના દર્દીઓમાં બહારનું ખાવાનું પ્રમાણ માત્ર 5 ટકા હતું અને માનસિક તણાવ 10 ટકા હતો, જેની સરખામણીએ 30 વર્ષ કે તેથી નાની વયના જૂથમાં તણાવનું પ્રમાણ 28 ટકા હતું.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં દર્દીઓની સરેરાશ ઉંમર ઘટી ગઈ છે. તેમણે કહ્યું, કામના સ્થળે વધતા તણાવથી લઈને પ્રદૂષણ જેવા પર્યાવરણીય પરિબળો હૃદયરોગના બોજને વધારવામાં ફાળો આપી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં સોશિયલ મીડિયા પર અચાનક થતાં મોતના વાયરલ થયેલા વીડિયોને કારણે લોકોમાં આવેલી જાગૃતિએ ઘણા લોકોને પોતાના હૃદયનું ધ્યાન રાખવા પ્રેરિત કર્યા છે. આ વર્ષે અમે 20 થી 30 વર્ષની વચ્ચેની ઉંમરના દર્દીઓ પણ જોયા છે. યુવાનો હવે હૃદયની સંભાળ માટે આધેડ વય સુધી રાહ જોઈ શકે તેમ નથી, તેમણે અત્યારથી જ શરૂઆત કરવી પડશે. સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને પરિવારમાં હૃદયરોગનો ઇતિહાસ આ જોખમમાં વધુ વધારો કરી શકે છે.