શ્રીલેખા યાજ્ઞિક
ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે તાપ આકરો બનવા લાગશે. ગરમીના દિવસોમાં શરીરને તાજગી સભર રાખવું કસોટી સમાન છે. વારંવાર ઠંડા પીણાં, ઘરે બનાવેલો બરફનો ગોળો કે પછી રસદાર ફળોનું સેવન કરવું જરૂરી બની જાય છે. અનેક વખત ગરમીમાં નાના-મોટા પ્રત્યેકને લૂ લાગી જતી હોય છે. જેને કારણે શરીરમાં નબળાઈ, પાણીની અછત, નસકોરી ફૂટવી, ચક્કર આવવા, ઉલટી-પિત્તની સમસ્યા સર્જાય છે. તેનાથી બચવું હોય તો એક સરળ ઉપાય છે.
કાચી ડુંગળીનું સેવન ગરમીમાં ખાસ કરવું જોઈએ. કાચી ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. તેનું મુખ્ય કારણ ડુંગળીમાં રહેલી સલ્ફરની માત્રા. કાચી ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં પ્રવાહીની માત્રા જળવાઈ રહે છે. શરીરનું તાપમાન જળવાઈ રહે છે. ડુંગળીમાં રહેલું ક્વેરસેટિન ફેંફસાના કૅન્સરની કોશિકાને વધતાં રોકવામાં મદદ કરે છે.
ડુંગળીનું સેવન વર્ષભર કરવામાં આવે તો ધીમે ધીમે શરીરનું તાપમાન કોઈપણ સંજોગોમાં સમાન રહે છે. ડુંગળી એક એવું શાક છે, જેનું સેવન સંપૂર્ણ વર્ષભર કરી શકાય છે. ડુંગળીનું સેવન વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે કાચી ડુંગળીની પાતળાં પતીકાં બનાવીને સલાડ તરીકે, ડુંગળી-ટામેટાંનું કચુંબર કે રાઈતું બનાવીને ખાઈ શકાય છે. ડુંગળી-કાચી કેરીનું છીણ બનાવીને કે ઝીણાં ટુકડા કરીને તૈયાર કરવામાં આવતું કચુંબર ઉનાળામાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
ડુંગળીનો ઉપયોગ વિવિધ શાક કે કઠોળ બનાવતી વખતે કરી શકાય છે. ડુંગળીના પરાઠા, ડુંગળીનું ચણાના લોટવાળું શાક બનાવીને ખાઈ શકાય છે. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન કરવાથી વિશેષ લાભ થાય છે. કેમ કે ડુંગળીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો, વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડુંગળીને વિવિધ રીતે ખાઈ શકાય છે. કાચી, તેની ગ્રેવી બનાવીને, પુલાવ કે બિરયાનીમાં તેને તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. જે ‘બરિસ્તા’ના નામે ઓળખાય છે.
તેથી જ વડીલો સદાય કહેતાં કે ગરમીમાં લૂથી બચવું હોય તો એક કાચી ડુંગળી સવારના ભોજનમાં અવશ્ય ખાવી જોઈએ. કાચી ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં સલ્ફર તથા એલિસિન નામક સત્ત્વ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. જેને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરમાં રહેલી ગરમીની માત્રા નિયંત્રિત રહે છે.
ડુંગળીનું સેવન કરવાથી શરીરને થતાં વિવિધ લાભ:
શરીરના સોજા ઘટાડવામાં મદદરૂપ : ડુંગળીમાં સોજાને નિયંત્રણમાં રાખે તેવા ગુણો છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોવાથી ડુંગળીનું સેવન કરવાથી સોજાને કારણે શરીરમાં થતા કળતરથી રાહત મળે છે. ક્વેરસેટિન નામક ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ડુંગળીમાં હોવાથી શરીરના વિવિધ અંગો ઉપર રહેતાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. શરીરમાં સોજા બનાવતાં વાત-પિત્ત-કફની માત્રા ઘટાડવામાં મદદ કરે છે.
પાચન સુધારવામાં ગુણકારી : ગરમીમાં પાચનશક્તિને સુધારવી હોય તો ડુંગળીનું સેવન કરવું જોઈએ. તેનું મુખ્ય કારણ ડુંગળીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. ગેસ, અપચો, એસિડિટીથી રાહત મળે છે.
લૂથી બચાવે છે : લૂથી બચવામાં કાચી ડુંગળીનું સેવન અથવા તો નાની ડુંગળી ખિસ્સામાં રાખવાથી લૂથી બચી શકાય છે. ડુંગળીમાં ઍન્ટિ- કાર્સિનોજેનિક, ઍૅન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. જે શરીરને લૂથી બચાવવાની સાથે શરીરને તાજગીસભર બનાવી રાખવામાં મદદ કરે છે. અનેક લોકો ગરમીથી બચવા ડુંગળી તથા કડવા લીમડાનો રસ શરીર ઉપર લગાવીને ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે.
ગરમીમાં ઈલેક્ટ્રોલાઈટની સમતુલા જાળવી રાખવામાં લાભકારી : ગરમીને કારણે વ્યક્તિને અઢળક પરસેવો થતો હોય છે. જેને કારણે શરીરમાંથી પાણી ઘટવા લાગે છે. યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થાય છે. ડુંગળીમાં કુદરતી ઠંડક મળે તેવાં ગુણો સમાયેલાં હોય છે. જે શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર શરીરને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે. રસદાર ડુંગળીમાં પોટેશિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે શરીરની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી : ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે. આવા સંજોગોમાં હૃદયને શરીરનું તાપમાન જાળવી રાખવામાં વધુ મહેનત કરવી પડતી હોય છે. ડુંગળીમાં સલ્ફર નામક કમ્પાઉન્ડની માત્રા વધુ હોય છે. જેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળતાથી થાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ડુંગળીનું સેવન લાભકારક ગણાય છે.
ત્વચા તથા વાળ માટે ગુણકારી : કાચી ડુંગળીનું સેવન કરવાથી ત્વચા તથા વાળના આરોગ્યમાં સુધારો જોવા મળે છે. જેમ કે ડુંગળીમાં રહેલી સલ્ફરની માત્રા ત્વચાને ચમકદાર બનાવે છે. વાળની મજબૂતાઈ જાળવી રાખવામાં કાચી ડુંગળીનો રસ માથામાં લગાવવાથી ફાયદો થાય છે. વાળ ખરતાં હોય અથવા વાળમાં ખોડો વારંવાર થતો હોય તો કાચી ડુંગળીનો રસ માથામાં લગાવવાથી અચૂક ફાયદો થાય છે. હવે તો મોટી મોટી કંપનીઓ વાળની સમસ્યાથી રાહત મેળવવા ડુંગળીનો શેમ્પૂ વેચવા લાગી છે.
ડાયાબિટીસમાં ડુંગળી ગુણકારી : કાચી ડુંગળીનું સેવન ડાયાબિટીસની સમસ્યામાં લાભકારી ગણાય છે. કેમ કે ડુંગળીનું સેવન કરવાથી લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર જાળવી રાખવામાં મદદ મળે છે. શરીરની શક્તિ વધારવાની સાથે કાચી ડુંગળીનું સેવન પેશાબની સમસ્યામાં ગુણકારી ગણાય છે. ડુંગળીના રસનું સેવન નવશેકા પાણી સાથે કરવાથી પેશાબ અટકી અટકીને આવતો હોય તેમાં રાહત મળે છે.
ડુંગળી વિશેની કેટલીક અજબ-ગજબ વાતો
ડુંગળીનો ઉપયોગ વિનિમય તરીકે : મધ્ય યુગમાં ડુંગળીનો ઉપયોગ વસ્તુઓ તથા સેવાના વિનિમય માટે નાણાં તરીકે કરવામાં આવતો. ઉધાર વસ્તુનો વિનિમય કરવા માટે ડુંગળીનો અચૂક ઉપયોગ કરવામાં આવતો.
ગંભીર બીમારીમાં ઉપયોગી ઉપચાર : અમેરિકી સરકાર દ્વારા પ્રકાશિત થયેલાં એક સંશોધન દ્વારા મળેલી જાણકારી અનુસાર ડુંગળીમાં ક્વેરસેટિન નામક સમૃદ્ધ સ્ત્રોત છે. ક્વેરસેટિન ફેંફસાના કૅન્સરની કોશિકાઓને વધતી રોકે છે. ડુંગળીનું સેવન મોતિયાબિંદુની તકલીફમાં ઉપયોગી ઉપચાર ગણાય છે.
પાળેલાં શ્વાનને ડુંગળી કદી ન ખવડાવવી : પાળેલાં શ્વાનને ડુંગળી ખવડાવવાથી તેને ઍનિમિયાની તકલીફ થઈ શકે છે. શ્વાનની રક્તકોશિકાને પ્રભાવીત કરે છે. ક્યારેક જાનલેવા બની શકે છે. શ્વાનને શરીરમાં નબળાઈ, ઉલ્ટી કે ભૂખ ન લાગવા જેવાં લક્ષણો દેખાવા લાગે છે.
વિશ્ર્વની સૌથી મોટી ડુંગળી : ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ મુજબ દુનિયાની સૌથી મોટી ડુંગળી બ્રિટેનની હૈરોગેટ કે ટોની ગ્લોવરને ઉગાડી હતી. ગ્લોવરે 8.5 કિલોગ્રામની એક મોટી ડુંગળીનો પાક લઈને 2014માં વિશ્ર્વ રેકાર્ડ બનાવ્યો હતો.
ડુંગળી શક્તિવર્ધક ગણાય છે : પ્રાચીન યૂનાની વિદ્યા મુજબ ડુંગળીનું સેવન કરવાથી વ્યક્તિમાં શક્તિનો સંચાર થાય છે.તેથી જ યુદ્ધ પહેલાં તથા યુદ્ધ દરમિયાન સૈનિકોને ડુંગળી ખવડાવવામાં આવતી હતી. કેમ કે ડુંગળીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે.જે સૈનિકોનીરોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
પ્રાચીન ઉત્પત્તિ : પુરાતત્ત્વવિદો દ્વારા કરેલી નોંધ મુજબ ડુંગળીની ઉત્પત્તિ 5 હજાર ઈસા વર્ષ પૂર્વ થઈ હતી. કાંસ્ય યુગની વસતીમાં ડુંગળીના અવશેષો મળી આવ્યા હતા.
મિસ્ત્રવાસી ડુંગળીની પૂજા કરતા હતા : પ્રાચીન મિસ્ત્રવાસી ડુંગળીની પૂજા કરતા હતા. ડુંગળીમાં રચાયેલાં સ્વકેન્દ્રિત ચક્રો જીવનચક્રના પ્રતીક ગણવામાં આવતાં. તેમનું દૃઢ માનવું હતું કે ડુંગળીમાં જાદુઈ શક્તિ સમાયેલી હોય છે. જે પરલોકમાં દેવતાઓને પ્રસન્ન કરવામાં સહાયક બનતી. તેથી જ શાસકોના શબની સાથે અસલી માટી કે લાકડીથી બનાવેલી ડુંગળી રાખવામાં આવતી.
ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. કેમ કે તેનું સેવન કરવાથી સાદા ભોજનમાં મીઠાશ ભરાઈ જાય છે. શરીરને ઓછા ખર્ચે શક્તિવર્ધક બનાવે છે. જેથી સરકાર દ્વારા તેના ભાવ ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. આજે પણ ભારતમાં અનેક પરિવારો સવારનું શિરામણ હોય કે રાત્રિનું વાળું કરતી વખતે બાજરીના, જુવારના કે મકાઈના રોટલા સાથે ડુંગળી-લીલા મરચાંનો ઉપયોગ કરે છે.
ભારતમાં ડુંગળીની ખેતી સૌથી વધુ મહારાષ્ટ્રમાં થાય છે. વર્ષમાં બે વખત ડુંગળીનો પાક મળે છે. એક નવેમ્બરમાં બીજો મે માસની શરૂઆતમાં. ભારતમાંથી ડુંગળીની નિકાસ પાકિસ્તાન શ્રીલંકા, બાંગ્લાદેશ વગેરે દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં કુલ 287 હજાર હૅક્ટરમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. 2450 હજાર ટન ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
લચ્છા ડુંગળીનો સલાડ
2 નંગ ડુંગળી, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ, ચપટી લાલ મરચાંનો પાઉડર, 1 નાની ચમચી કોથમીર, 1 નાની ચમચી ફુદીનાના પાન.
બનાવવાની રીત : ડુંગળીને એક સરખી પાતળી લાંબી કાપી લેવી. તેમાં સ્વાદાનુસાર સંચળ, કોથમીર, ફુદીનાના પાન ઝીણાં કાપેલાં, લીંબુનો રસ તથા મરચાંનો પાઉડર ભેળવવો. બરાબર ભેળવીને ગરમાગરમ રોટલી, બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાવાનો આનંદ અલગ ને જરા હટકે મળે છે.