નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ને અલવિદા કહીને ભાજપનો ખેસ પહેરનાર હરભજનસિંહે હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં અરજી કરીને પોતાની સુરક્ષા જે પંજાબની ભગવંત માન સરકારે દૂર કરી હતી એ મામલાને પડકાર્યો છે. પંજાબ પોલીસ હરભજનસિંહને સુરક્ષા પૂરી પાડતી હતી. પણ આમ આદમી પાર્ટી છોડી દેતા પંજાબની માન સરકારે પોલીસ કર્મીઓને એમના ઘર પાસેથી હટાવી દીધા હતા. આ પગલું લીધા બાદ હરભજનસિંહે પોતાના પરિવાર પર જોખમનો ઉલ્લેખ કરી સુરક્ષા આપવાની માગ કરી છે.
હાઈ કોર્ટમાં અરજી કરી છે
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જનારા રાજ્યસભા સાંસદ તથા પૂર્વ સિનિયર ક્રિકેટર હરભજનસિંહે હાઈ કોર્ટમાં અરજી કરી છે, જેમાં એવી પંજાબ સરકારને એ સ્પષ્ટ કરવા માગ કરી છે કે, એમની સુરક્ષા શા માટે હટાવવામાં આવી? આ સિક્યોરિટી હટાવ્યા બાદ પોતાના પરિવાર પર જોખમનો ઉલ્લેખ કરીને સુરક્ષા ફરી આપવા માટેની માગ કરી છે.
આ મામલાને ગંભીરતાથી લઈને હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને સંબંધીત એજન્સીઓને નોટિસ ફટકારી છે. આ કેસની સુનાવણી આગામી તારીખ 12 મે ના રોજ થશે. હરભજનસિંહે જ્યારે આમ આદમી પાર્ટી છોડી એ પછી આ મામલો સામે આવ્યો છે. ખાસ કરીને જ્યારે પંજાબની માન સરકારે એમની સુરક્ષા હટાવી એ પછી કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવી હતી.
CRPFને જવાબદારી સોંપાઈ
જલંઘરના છોટી બારાદરીમાં આવેલા એમના નિવાસ સ્થાને પંજાબ પોલીસની ટીમની ડ્યૂટી રહેતી હતી. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ એમની સુરક્ષામાંથી 9થી 10 પોલીસ કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના સમર્થકો તથા કાર્યકર્તાઓએ હરભજનસિંહ તથા અશોક મિત્તલના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમની દિવાલ પર ગદ્દાર લખી દેવામાં આવ્યું હતું.
આ પરિસ્થિતિ બાદ રવિવારથી એમના ઘરની સરક્ષા માટે CRPFના જવાનોને કેન્દ્ર તરફથી જવાબદારી મળી હતી. એક ટીમ એમના ઘરે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢાએ સાત અન્ય રાજ્યસભા સાંસદ સાથે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ અનેક પ્રકારના વાદ વિવાદ સર્જાયા છે.