Thu Apr 30 2026

Logo

દિલ્હીમાં અચાનક હવામાન પલટાયું, કરા સાથે વરસાદ થતા ગરમીમાંથી રાહત

2026-04-30 18:33:39
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હી શહેર અને NCR માં ગુરૂવારે બપોર પછીના સમયમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ પડ્યો થયો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર સુધીમાં દિલ્હીના અનેક એવા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. ભારે વરસાદ અને કરા પડવાને કારણે તાપમાન એકાએક નીચું ઊતર્યું છે. દિલ્હીમાં એપ્રિલ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. 

ગરમીમાંથી રાહત-ઠંડક પ્રસરી

દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમી, બફારા અને લૂ પર અચાનક બ્રેક લાગી હતી. ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર ભારે પવન સાથે વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. વાતાવરણ ઠંડું બની ગયું હતું. દિલ્હીવાસીઓને ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી હતી.કરા પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હીની ગુરૂવારની સવાર સામાન્ય દિવસો કરતા વધારે ઠંડી રહી હતી. ચોમાસું સીઝન ચાલી રહી હોય એવો અહેસાસ થયો હતો. બપોરના સમયે અચાનક વરસાદ પડ્યો હતો. આ કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

રસ્તા પર પાણી-પાણી

કરા પડવાને કારણ રસ્તા પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.ઈસ્ટ દિલ્હીથી લઈને ગાઝિયાબાદ સુધી કરા પડ્યા હતા. નોઈડામાં પણ હવામાનનો મિજાજ બદલાયો હતો.વરસાદ પડતા દિલ્હીનું હવામાન ખુશનુમા થઈ ગયું હતું.બપોરના સમયે ભારે પવન ફૂંકાતા ધુળની ડમરી ઉડી હતી.દિવસે પણ લાઈટ ચાલું રાખવી પડે એવું વરસાદી અંધારૂ જોવા મળ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, મે મહિના સુધી દિલ્હીના આકાશમાં વાદળ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડશે. 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે.એ પછીના સમયે તાપમાન 40 ડિગ્રી સુધી વધી શકે છે. 

મોટાભાગના વિસ્તારમાં તાપમાન ગબડ્યું

દિલ્હીના સફદરગંજ વિસ્તારમાં ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. આ એક દિવસનો તાપમાનનો રેકોર્ડ છે. પાલમ, લોધીરોડ, રીજ, અયાનગર જેવા વિસ્તારમાં તાપમાનનો પારો 25 ડિગ્રીથી નીચે રહ્યો હતો. નોડાઈ અને ગ્રેટર નોઈડામાં વાતાવરણમાં ગુરૂવારે અચાનક પલટો આવ્યો હતો. સવારે થોડો તડકો નીકળ્યો હતો પણ બપોરે ચોમાસું માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસેલા વરસાદથી ગરમીના દિવસોમાં જાણે રાહતનો અહેસાસ થયો હોય એવી ઠંડક પ્રસરી હતી.વિઝિબિલિટી ઝીરો થઈ જતા દિવસે પણ વાહનોની લાઈટ ચાલું રાખવી પડે એવી સ્થિતિ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજ સુધી દિલ્હીના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઠંડક રહેશે. 

યલો એલર્ટ જાહેર

હવામાન ખાતાએ કરા પડવાની પેટર્નને ધ્યાને લેતા યલો એલર્ટ જાહેર કર્યું છે. ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે.દેશના અન્ય ભાગમાં પણ આની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને મેદાની વિસ્તારમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. તાપની તીવ્રતા ઘટી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 60 કિમી સુધી પહોંચી શકે એવી પૂરી શક્યતા છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા,કર્ણાટક જેવા રાજ્યોમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળે એવા અણાસર છે.  બીજી તરફ એક મે મહિનાના શરૂઆતના પાંચ દિવસ બાદ ફરી વાતવરણમાં પલટો જોવા મળે એવી સંભાવના છે.