Mon Oct 05 2026

Logo

'હનુમાનઅંશે' કરી દમદાર કમાણી, ક્લેક્શન પહોંચ્યું 300 કરોડને પાર

2026-09-20 15:10:05
Author: Mumbai Samachar Team
'હનુમાનઅંશે' કરી દમદાર કમાણી, ક્લેક્શન પહોંચ્યું 300 કરોડને પાર

Hanuman Ansh (2026)


ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલ સિનેમાઘરોની સાથે-સાથે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ નફો કરનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. હવે ફિલ્મે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ભક્તિ ફિલ્મનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ‘હનુમાન અંશ’ની વાર્તા બાબા નીમ કરોલીના જીવનથી પ્રેરિત હોવાનું જણાવવામાં આવ્યું છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની વાર્તા ઉપરાંત તેના ગીતો પણ સિનેમાઘરોમાં લોકપ્રિય થઈ રહ્યા છે.

‘હનુમાન અંશ’નું 44મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર શરૂઆતમાં ધીમી કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ત્રીજા અઠવાડિયાથી ફિલ્મના કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો અને ત્યારબાદ તેની કમાણી અટકી નહોતી.

એક આંકડા અનુસાર, ફિલ્મે પહેલા અઠવાડિયામાં 1.08 કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયામાં 0.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ત્રીજા અઠવાડિયામાં 10.40 કરોડ, ચોથા અઠવાડિયામાં 61 કરોડ અને પાંચમા અઠવાડિયામાં 90.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. છઠ્ઠા અઠવાડિયામાં ફિલ્મે 80.25 કરોડ રૂપિયા કમાવ્યા હતા. સાતમા અઠવાડિયાના 43મા દિવસે ફિલ્મે 5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અહેવાલ મુજબ, 45મા દિવસે ફિલ્મનું કલેક્શન 9.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કુલ કલેક્શન 257.88 કરોડ રૂપિયા થયું હતું.

‘હનુમાન અંશ’એ ‘મહાવતાર નરસિમ્હા’નો રેકોર્ડ તોડ્યો

એક અહેવાલ અનુસાર, ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર ‘મહાવતાર નરસિમ્હા' નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ‘મહાવતાર નરસિમ્હા’નું નેટ કલેક્શન 247.96 કરોડ રૂપિયા રહ્યું હતું. ‘હનુમાન અંશ’ એ 44 દિવસમાં ભારતમાં 253.56 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને આ આંકડો પાર કર્યો છે. આ સાથે ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ભક્તિ ફિલ્મ બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

‘હનુમાન અંશ’ માત્ર ભક્તિ ફિલ્મોના રેકોર્ડ સુધી જ સીમિત રહી નથી. ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે. અહેવાલ મુજબ, ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 44 દિવસમાં 329 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ ફિલ્મ 2026 ની ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરવામાં ત્રીજા સ્થાને પહોંચી છે.