એટલાન્ટિક મહાસાગરમાં ક્રુઝ જહાજમાં હંટાવાયરસ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે, અહેવાલ મુજબ હજુ ત્રણ લોકો ચેપગ્રસ્ત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ રવિવારે ચિંતા વ્યક્ત કરી હતી.
MV હોન્ડિયસ ક્રુઝ જહાજનું સંચાલન કરી રહેલી ઓશનવાઇડ એક્સપિડિશન્સ કંપનીએ માહિતી આપી છે કે જહાજ હાલ આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા એક ટાપુ રાષ્ટ્ર કેપ વર્દેની રાજધાની પ્રેયામાં લંગરાયેલું છે, ત્રણેય મૃતકો ક્રુઝના મુસાફરો હતાં.
ચેપગ્રસ્તોને તાત્કાલિક તબીબી સંભાળની જરૂર:
અહેવાલ મુજબ કેપ વર્દેના વહીવટીતંત્રએ મુસાફરોની તબીબી સંભાળ મેળવવા માટે નીચે ઉતરવાની મંજૂરી નથી આપી, પરંતુ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જહાજની મુલાકાત લીધી છે. અધિકારીઓએ બે ચેપગ્રસ્ત ક્રૂ મેમ્બર્સનું મૂલ્યાંકન કર્યું છે, આહેવાલ મુજબ ચેપગ્રસ્ત ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક તબીબી સંભાળની જરૂર છે.
ઓશનવાઇડ એક્સપિડિશન્સના જણાવ્યા મુજબ જહાજમાં 170 મુસાફરો અને એક ડૉક્ટર સહિત 71 ક્રૂ મેમ્બર્સ છે. કંપનીના જણાવ્યા મુજબ તે હાલમાં મુસાફરો અને ક્રૂના સ્વાસ્થ્ય અને સલામતી પર ધ્યાન આપી રહ્યા છે.
WHOએ તપાસ શરુ કરી:
WHO એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે, જેમાં વધુ લેબોરેટરી ટેસ્ટ અને રોગચાળા સંબંધી તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરો અને ક્રૂને તબીબી સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વાયરસનું સિક્વન્સિંગ પણ ચાલુ છે.
શું છે હંટાવાયરસ?
હંટાવાયરસને કારણે હંટાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ નામની ગંભીર અને જીવલેણ શ્વસનતંત્ર સંબંધિત બિમારી થઇ શકે છે.
સેન્ટર્સ ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ઉંદરોના મળ-મૂત્ર અને લાળના સંપર્કમાં આવવાથી માણસને હંટાવાયરસનો ચેપ લાગી શકે છે.
હંટાવાયરસનો એક પ્રકાર, એન્ડીઝ વાયરસ, એક માણસથી બીજા માણસમાં સંક્રમિત થઈ શકે છે, પરંતુ તે દુર્લભ છે. એન્ડીઝ વાયરસ ચિલી અને આર્જેન્ટિનામાં જોવા મળ્યો હતો, આ ક્રુઝ જહાજ જહાજનું ઉદ્ભવ સ્થાન હતું. એમવી હોન્ડિયસ લગભગ સાત અઠવાડિયા પહેલા આર્જેન્ટિનાના ઉશુઆયાથી રવાના થયું હતું. મરીનટ્રાફિકના ડેટા મુજબ જહાજ પહેલા એન્ટાર્કટિકા અને ત્યાર બાદ બ્રિટિશ વિદેશી પ્રદેશ સેન્ટ હેલેનામાં રોકાયું હતું, ત્યાર બાદ રવિવારે કેપ વર્દેની રાજધાની પ્રેયામાં રોકાયું હતું.