Fri Jul 24 2026

Logo

જીમ ટ્રેનરની કાળી કરતૂત; ઉદ્યોગપતિની પત્ની સાથે દોસ્તી કરી ફોટા પાડ્યા, પતિ પાસે રૂ. 5 લાખની ખંડણી માંગી

2026-04-15 12:49:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.  જીમમાં જતી પાલની  મહિલાને જીમ ટ્રેનર દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. જે બાદ તેના ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મહિલાના પતિ પાસે રૂ.5 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એસઓજીએ સગરામપુરાના જીમ ટ્રેનર શબ્બીર  ટૂંકવાલાની ધરપકડ કરી હતી.

શું છે મામલો

પાલ ખાતે રહેતા વેપારીએ એક જીમ ટ્રેનર શબ્બીર અજગર ટૂંકવાલા (ઉ.વ.42) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની સાત વર્ષ પહેલા સિટીલાઈટ ખાતે જીમમાં જતી હતી. ત્યારે આ જીમમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતા શબ્બીરે જીમ એક્ટીવીટીના બહાને વેપારીની પત્નીની નજીક્તા કેળવી તેણીની સાથે મિત્રતા કરી હતી. તેની  પત્નીને લોભ લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.

આ અંગે વેપારીને જાણ થઈ જતા તેણે આરોપી શબ્બીરનો સંપર્ક કર્યો હતો. આરોપી શબ્બીર ટૂંકાવાલાએ વેપારીની પત્નીના ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી  5 લાખની ખંડણીની માંગી હતી. સમાજમાં ઈજ્જત જવાના ડરે તેણે આરોપીનો સંપર્ક કર્યો હતો. જીમ ટ્રેનર શબ્બીરે પહેલા પૈસા આપો નહીંતર ફોટા અને વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. બદનામીના ડરે તેમણે 50 હજાર આપ્યા હતા. જે બાદ પણ પૈસા માંગવામાં આવતાં પોલીસનો સંપર્ક કર્યો હતો.

થોડા દિવસ પહેલા સુરત એસઓજી પોલીસે જીમ માલિકો સાથે બેઠક કરી હતી. જેમાં જીમમાં મહિલાઓ અને યુવતીઓ સાથે ટ્રેનિંગ દરમિયાન જો ખોટી હરકત કરવાની ફરિયાદ મળશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી. પતિએ આ બાદ સુરત એસઓજીનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોતાં ટ્રેનર સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.