Fri Apr 17 2026

Logo

યુપી-બિહારવાસી રહેજો સાવધાન, 72 કલાકમાં ગુજરાત સહિત 12 રાજ્યમાં આંધી-વરસાદનું એલર્ટ

2026-04-06 08:33:00
Author: MayurKumar Patel
Article Image

AI Image


અમદાવાદ/નવી દિલ્હીઃ એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે. 

ગુજરાતમાં  7 એપ્રિલે ફરી માવઠાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.