... અને આવા જ રાજકારણને લીધે ‘યુનિફોર્મ સિવિલ કૉડ’ની સારી ભાવના હાસ્યાસ્પદ બની ગઈ છે અને બધા પક્ષ મૌન રહીને આ ખેલ જોઈ રહ્યા છે
કવર સ્ટોરી - વિજય વ્યાસ
ગુજરાત કેબિનેટે સમાન નાગરિક સંહિતા એટલે કે ‘યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી); ને મંજૂરી આપી દીધી. ગુજરાત સરકાર 25 માર્ચે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા, 2026 બિલ રજૂ કરવાની છે. વિધાનસભામાં ભાજપ પાસે જંગી બહુમતી છે એ જોતાં આ બિલ જંગી બહુમતીથી પસાર થશે તેમાં શંકા નથી. રાજ્યપાલ ભાજપના છે અને રાષ્ટ્રપતિ પણ ભાજપનાં છે એ જોતાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના અમલ આડે કોઈ અવરોધ નથી. હા, સવાલ માત્ર સમયનો જ છે. અત્યારે દેશમાં ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પસાર કરનારું એક માત્ર રાજ્ય છે ને બીજું કોઈ રાજ્ય યુસીસીના અમલની ઉતાવળમાં નથી તેથી ગુજરાત દેશમાં યુસીસીનો ખરડો પસાર કરનારુ બીજું અને યુસીસીનો અમલ કરનારું ત્રીજું રાજ્ય બની જશે એવું લાગે છે.
ઉત્તરાખંડ સિવાય અત્યારે ગોવામાં સમાન સિવિલ કોડનો અમલ થાય છે. ગોવાનો સમાન સિવિલ કોડ અગાઉના પોર્ટુગીઝ શાસનની દેન હતી તેથી ગોવા ભારતમાં ભળ્યું પછી યુસીસીનો કાયદો બન્યો નથી. ગોવામાં અગાઉના યુસીસીનો અમલ ચાલુ રહ્યો તેનું કારણ એ છે કે ત્યાં હિંદુઓ બહુમતીમાં છે અને ખ્રિસ્તીઓની વસતિ નોંધપાત્ર છે, જ્યારે મુસલમાનો નગણ્ય છે.
સમાન સિવિલ કોડનો વિરોધ મુસલમાનો કરે છે કેમ કે મુસ્લિમ પુરુષોને ચાર પત્ની રાખવાના અભરખા છે ને દીકરીઓને સંપત્તિમાં ભાગ નથી આપવો. હિંદુ તથા ખ્રિસ્તીઓ સમાન સિવિલ કોડના તરફદાર હોવાથી મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન કૉંગ્રેસની સરકાર હોવા છતાં ગોવામાં સમાન સિવિલ કોડ સામે હોહા ના થઈ. બાકી મુસ્લિમોની થોડીક પણ વસતિ હોત તો યુસીસી સામે ગણગણાટ થયો હોત ને કૉંગ્રેસ સરકારોએ મુસ્લિમોને રાજી રાખવા યુસીસી નાબૂદ કરી દીધો હોત. ઓછી મુસ્લિમ વસતિના કારણે ત્યાં યુસીસી ટકી ગયો.
ખેર, આપણે ગોવાની વાત બાજુ પર મૂકીએ ને ગુજરાતની વાત પર પરત આવીએ. ગુજરાત કેબિનેટે મંજૂર કરેલા યુસીસી બિલમાં તમામ જોગવાઈ ઉત્તરાખંડના કાયદા જેવી જ છે એ જોતાં ગુજરાતનું બિલ ઉત્તરાખંડના યુસીસીની ડીટ્ટો કોપી છે.
ઉત્તરાખંડની જેમ ગુજરાતના યુસીસીમાં પણ તમામ ધર્મનાં લોકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ, ખાધા-ખોરાકી અને દત્તક લેવાની બાબતોમાં એકસરખા નિયમો લાગુ પડશે. ભારતમાં અમલી મુસ્લિમ પર્સન લો મુસ્લિમ મહિલાઓ માટે અન્યાયકારક છે કેમ કે તેમાં મહિલાઓને સંપત્તિમાં હિસ્સો સહિતના અધિકાર નથી, જ્યારે હિંદુ, શીખ, ખ્રિસ્તી વગેરે અન્ય ધર્મની મહિલાઓને આ અધિકાર છે.
ગુજરાતના યુસીસીમાં મુસ્લિમ મહિલાઓને પણ બીજા ધર્મની મહિલાઓ માટેના કાયદા જ લાગુ પડશે તેથી આ અન્યાય દૂર થશે.
ગુજરાતના હિંદુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ સહિતના તમામ ધર્મનાં લોકો માટે લગ્ન અને લિવ-ઈન રીલેશનશિપ બંનેની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. લગ્ન જ નહીં, પણ લિવ-ઈન રીલેશનમાં પણ પોતાની ઓળખ કે ધર્મ છૂપાવનાર માટે 10 વર્ષ, સુધીની જેલની સજા હોવાથી ‘લવ જિહાદ’ ને રોકવાની પણ જોગવાઈ છે. કોઈ પણ પુરુષ એક પત્ની હોવા છતાં બીજી પત્ની નહીં રાખી શકે ને ધર્મની આડમાં પત્નીને છૂટી નહીં કરી શકે કેમ કે છૂટાછેડા કોર્ટ મારફતે જ થશે.
મુસ્લિમોમાં સ્ત્રીએ તલાક પછી ફરી એ જ પુરુષ સાથે લગ્ન કરવાં માટે હલાલા, ઈદ્દત વગેરે વાહિયાત નિયમો પાળવા પડે છે. મતલબ કે, બીજા પુરુષ સાથે શરીર સંબંધ બાંધવા પડે છે. સ્ત્રી માટે આવા અત્યંત અપમાનજનક નિયમો કાઢી નાખવામાં આવ્યા છે.
મુસ્લિમોમાં પત્ની, દીકરી, માતા વગેરે સ્ત્રીઓને પિતાની સંપત્તિમાં ભાગ નથી મળતો, પણ ગુજરાતના યુસીસીમાં સ્ત્રી અને પુરુષ બંનેને વારસાઈમાં સમાન હકદાર ગણાવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ વસિયત બનાવ્યા વિના ગુજરી જાય તો તેની સંપત્તિ પર કોનો અધિકાર હશે એ માટે ત્રણ કેટેગરી છે. તેમાં પત્ની, પુત્ર-પુત્રી, માતા-પિતા પહેલી કેટેગરીમાં છે તેથી દીકરી પણ સંપત્તિમાં દીકરા જેટલી જ ભાગીદાર હશે.
અહીં એક મહત્ત્વની જોગવાઈ લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડા નહીં થઈ શકે એ પણ છે. આમ છતાં ગુજરાતના યુસીસીની જોગવાઈઓ ઉત્તરાખંડના જેવી જ છે પણ તેને સાચા અર્થમાં યુસીસી કહી શકાય તેમ નથી. યુસીસીનો મતલબ રાજ્યના તમામ નાગરિકો માટે એકસરખા કાયદા કે નિયમો એવો થાય પણ નથી ઉત્તરાખંડનો યુસીસી તમામ નાગરિકોને લાગુ પડતો કે ગુજરાતનો યુસીસી પણ તમામ નાગરિકોને લાગુ નથી પડવાનો.
ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ આદિવાસીઓને યુસીસીના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. ઉત્તરાખંડની વસતિમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમુદાયની વસતિ માત્ર ચાર ટકા જ છે તેથી તેના તરફ બહુ લોકોનું ધ્યાન નહોતું ખેંચાયું, પણ ગુજરાતમાં આદિવાસીઓની વસતિ 15 ટકાથી વધારે છે. રાજ્યના 15 ટકાથી વધારે લોકોને લાગુ નહીં પડતો કાયદો યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે કહેવાય ?
ગુજરાતના યુસીસીએ શાસક પક્ષના બેવડાં ધોરણોને ફરી છતાં કર્યાં છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370નો ભાજપ એમ કહીને વિરોધ કરતો કે એક દેશમાં બે કાયદા ના ચાલે જ્યારે અહીં તો એક રાજ્યમાં જ બે કાયદા હશે. 85 ટકા વસતિ માટે અલગ કાયદો ને 15 ટકા વસતિ માટે અલગ કાયદો એ કઈ રીતે ચાલે?
પહેલાં ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતો ત્યારે સૌને આ વાત ન્યાયસંગત લાગતી કેમ કે એક દેશમાં ધર્મના આધારે નાગરિકો માટે અલગ અલગ કાયદા ભારતના બંધારણે આપેલા સમાનતાના અધિકારનો ભંગ કરનારા છે. હવે ભાજપ પોતે યુસીસી બનાવી રહ્યો છે ત્યારે સમુદાયના આધારે અલગ અલગ કાયદા બનાવી રહ્યો છે. પહેલાં ઉત્તરાખંડ ને હવે ગુજરાત....ધર્મના આધારે સમાન કાયદા બનાવાયા પણ સમુદાયના આધારે ભેદભાવ કરી દેવામાં આવ્યો છે તો ભાજપ કઈ રીતે કૉંગ્રેસથી અલગ થયો?
ભાજપ આક્ષેપ કરતો કે, કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ માટે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો અને મુસ્લિમ તુષ્ટિકરણ માટે જ યુસીસી નથી લાવતો. બીજી તરફ, ભાજપ રાજ્યોમાં યુસીસી બનાવી રહ્યો છે તેમાં આદિવાસીઓને બાકાત રાખી રહ્યો છે તો આ આદિવાસી તુષ્ટિકરણ ના થયું? આદિવાસીઓની પરંપરા અને નિયમોને સન્માન આપવાના બહાને કૉંગ્રેસે કર્યો એ જ ધંધો અત્યારે શાસક પક્ષ કરી રહ્યો છે.
ભાજપ કહેતો કે, યુસીસી નહીં લાવીને કૉંગ્રેસ મુસ્લિમ મહિલાઓના અધિકારો છિનવી રહી છે તો પોતે આદિવાસીઓને યુસીસીના દાયરાથી બહાર રાખીને આદિવાસી મહિલાઓના અધિકારો નથી છિનવી રહ્યો? આદિવાસીઓમાં પણ બહુપત્નિત્વની પ્રથા છે અને આદિવાસી પુરુષો એક કરતાં વધારે પત્નીઓ રાખી શકે છે કેમ કે હિંદુ મેરેજ એક્ટ તેમને લાગુ નથી પડતો. આદિવાસીઓને હિંદુ સક્સેશન એક્ટ એટલે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 પણ લાગુ પડતો નથી. મતલબ કે, સ્ત્રીઓને પૈતૃક સંપત્તિ કે વારસામાં અધિકારનો સીધો અધિકાર નથી... આદિવાસીઓની પરંપરાઓના આધારે આ નિર્ણય થાય છે માટે ગુજરાતમાં પણ એ અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટે જુલાઈ, 2025માં આપેલા એક ચુકાદામાં આદિવાસી મહિલાઓને પણ પૈતૃક સંપત્તિમાં અધિકાર હોવાનું ઠરાવ્યું પણ હિંદુ સક્શન એક્ટમાં આ ચુકાદાના આધારે સુધારો કરાયો નથી. ગુજરાતમાં તો યુસીસીના દાયરાથી જ આદિવાસીઓ બહાર છે તેથી મહિલાઓને આ અધિકાર મળવાનો સવાલ જ નથી.
શાસક પક્ષ સાચા અર્થમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બનાવીને તેનો અમલ કરશે એવી અપેક્ષા હતી, પણ .....
કૉંગ્રેસે દેશની 13-14 ટકા મુસ્લિમ વસતિ ને રાજી રાખવા તુષ્ટીકરણ કરેલું ને ભાજપ 7 ટકા આદિવાસી વસતિને રાજી રાખવા એ જ નીતિ રીતિ અપનાવી રહ્યો છે પણ આ તુષ્ટીકરણ સામે સૌ ચૂપ છે. આમ મતબેંકના રાજકારણે યુનિફોર્મ સિવિલ કોડની સારી ભાવનાને હાસ્યાસ્પદ બનાવી દીધી છે અને બધા પક્ષ મૌન રહીને આ ખેલ જોઈ રહ્યા છે.