અમદાવાદ: હોમગ્રાઉન્ડ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમના બોલરોએ 19.2 ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુનો ફક્ત 155 રનમાં વીંટો વાળી દીધા પછી કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલરની આક્રમક બેટિંગની મદદથી ગુજરાતે 15.5 ઓવરમાં છ વિકેટે વિજયી લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. હા, ભુવનેશ્વર કુમાર (28 રનમાં 3 વિકેટ) અને રોમારિયો શેફર્ડ (30 રનમાં બે વિકેટ)ની બોલિંગને લીધે ગુજરાત માટે થોડી મુશ્કેલી થઈ હતી પરંતુ ગિલ અને બટલરે એટલી ઝડપથી શરૂઆતમાં રન બનાવ્યા હતા કે રન રેટ કોઈ મુશ્કેલી નહોતો. અંતે ઇમ્પેક્ટ પ્લેયર રાહુલ તેવટિયા (17 બોલ, 27 રન)એ ગુજરાતની નૈયા પાર લગાવી હતી. ગિલ (18 બોલ, 43 રન) અને બટલર (19 બોલ, 39 રન)ને કારણે ગુજરાતનો સ્કોર આઠમી ઓવરમાં 92 રન હતો.
અગાઉ, ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ 19.2 ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શક્યું. તેમના તરફથી દેવદત્ત પડ્ડિકલે સૌથી વધુ 40 રન કર્યા હતા. ગુજરાત તરફથી અરશદ ખાને ત્રણ વિકેટ લીધી, જ્યારે જેસન હોલ્ડર અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડાએ પણ એક-એક વિકેટ લીધી હતી.ટોસ શુભમન ગિલે જીત્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુની શરૂઆત ખૂબ જ સારી રહી અને વિરાટ કોહલી પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. તેણે કગિસો રબાડાની પહેલી અને બીજી ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, ત્રીજી ઓવરમાં મોહમ્મદ સિરાજે જેકેબ બેથેલને રાશિદ ખાનના હાથે કેચ કરાવીને પહેલો ફટકો આપ્યો હતો. ત્યારબાદ રબાડાએ કોહલીને આઉટ કર્યો હતો. કોહલીએ 13 બોલમાં 28 રન કર્યા હતા.
રજત પાટીદાર 19 રને અર્શદ ખાનનો શિકાર બન્યો હતો. જિતેશ શર્મા (1) ખાસ કંઈ કરી શક્યો નહીં, હોલ્ડરની પહેલી ઓવરના પહેલા બોલ પર જોસ બટલરને કેચ આપી બેઠો હતો. ગુજરાત તરફથી અર્શદ ખાન સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ લીધી, જ્યારે જેસન હોલ્ડરે બે વિકેટ ઝડપી હતી.