Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં વસ્તી કરતાં ફોનની સંખ્યા વધી: 5 વર્ષ પછી ટેલી-ડેન્સિટી 100 ટકાને પાર

2026-07-11 09:09:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદ: સ્માર્ટ ફોન આજે લોકોના જીવનનો જરૂરી હિસ્સો બની ગયો છે. ઘણા લોકો વિવિધ કારણોસર એકથી વધારે ફોન રાખે છે. અમુક લોકો એક જ ફોનમાં બે સિમ પણ રાખે છે. આ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યમાં હવે લોકોની વસ્તી કરતાં ફોન કનેકશનની સંખ્યામાં વધી ગઈ છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાજેતરના સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, ટેલિકોમ ઓપરેટરોએ મે મહિનામાં 4.06 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, જેના કારણે રાજ્યની ટેલી-ડેન્સિટી લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત 100 ટકાના આંકડાને પાર કરી ગઈ હતી. આ નવા ઉમેરા સાથે ગુજરાતનો કુલ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર બેઝ 7.2 કરોડે પહોંચી ગયો છે, જેનાથી જુલાઈ 2021 પછી પ્રથમ વખત ટેલી-ડેન્સિટી 100 થી ઉપર ગઈ હતી.

ટેલી-ડેન્સિટી એટલે શું?

ટેલી-ડેન્સિટી એટલે કે દર 100 લોકો દીઠ ટેલિફોન કનેક્શનની સંખ્યા. 100 થી ઉપરનો આંકડો રાજ્યમાં સક્રિય ફોન કનેક્શન્સ રાજ્યની અંદાજિત વસ્તી કરતાં વધુ હોવાનું દર્શાવે છે. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકો હવે કામ, વ્યવસાય, ડેટા અથવા વ્યક્તિગત ઉપયોગ માટે એક કરતાં વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં ગ્રાહકોની સંખ્યામાં થયેલો આ વધારો ગુજરાતના સૌથી મજબૂત માસિક વધારામાંનો એક છે અને તે વાયરલેસ સેવાઓમાં સતત થઈ રહેલી વૃદ્ધિ દર્શાવે છે.

કેમ નવા ગ્રાહકો વધ્યા

આ વધારા પાછળના કારણો જણાવતા ટેલિકોમ ક્ષેત્રના એક સૂત્રએ કહ્યું કે, પરપ્રાંતિય શ્રમિકોના કારણે નવા ગ્રાહકો ઉમેરાયા છે. તેમજ ઓપરેટરોએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેમના નેટવર્કનો વિસ્તાર કર્યો છે, જ્યારે પોર્ટેબિલિટીની વિનંતીઓએ પણ એકંદર વધારામાં ફાળો આપ્યો છે. ઓપરેટરો વચ્ચેની સ્પર્ધા પણ આ માટે એક મોટું પરિબળ છે.

5G સેવાઓની શરૂઆતે સબ્સ્ક્રાઇબર્સની વૃદ્ધિને વધુ વેગ આપ્યો છે. સૂત્રોએ  જણાવ્યું હતું કે ઘણા વપરાશકર્તાઓ તેમનો હાલનો નંબર બદલ્યા વિના વધુ સારા નેટવર્ક કવરેજ અથવા સ્પેશિયલ 5G સેવાઓનો લાભ લેવા માટે વધારાનું સિમ કાર્ડ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

રાજ્યમાં કઈ કંપનીના છે સૌથી વધારે ગ્રાહકો

કંપની  વાઈઝ જોઈએ તો, રિલાયન્સ જિયો આશરે 3.33 કરોડ ગ્રાહકો સાથે રાજ્યની સૌથી મોટી ટેલિકોમ પ્રદાતા કંપની રહી છે, ત્યારબાદ વોડાફોન આઈડિયા  1.98 કરોડ, ભારતી એરટેલ 1.57 કરોડ અને BSNL આશરે 32 લાખ ગ્રાહકો ધરાવે છે.

TRAIના રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં 5G ફિક્સ્ડ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા એપ્રિલમાં 6.75 લાખ હતી જે વધીને મે મહિનામાં 6.84 લાખ થઈ ગઈ છે, જે હાઈ-સ્પીડ વાયરલેસ બ્રોડબેન્ડ સેવાઓનો સતત વધી રહેલો ક્રેઝ દર્શાવે છે.