Mon Aug 31 2026

Logo

હથિયારો અને ડ્રગ્સ સાથે પાપડથી માંડી અથાણાનું પણ ધ્યાન રાખે છે ગુજરાત પોલીસ

2026-08-12 19:06:00
Author: Pooja Shah
હથિયારો અને ડ્રગ્સ સાથે પાપડથી માંડી અથાણાનું પણ ધ્યાન રાખે છે ગુજરાત પોલીસ

AI Generated Images


અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો ઠલવાતો રહે છે. આ સાથે ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ અથવા ગેરકાયદે લાવવામાં આવેલી વસ્તુઓ પોલીસ જપ્ત કરે છે. આ જપ્ત કરેલી વસ્તુઓ જ્યાં સુધી જે તે કેસની કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી ન થાય ત્યાં સુધી નષ્ટ કરી શકાતી નથી. આના કારણે આ વસ્તુઓ સાથે આવતી તમામ સામગ્રી પણ પોલીસ સ્ટેશનોમાં સાચવવી પડે છે અને તેનું ધ્યાન પણ રાખવું પડે છે. આવી સ્થિતિમાં ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પાપડથી માંડીને રજાઈ અને તૂટેલા ફર્નિચરથી માંડીને અથાણાની બરણીઓ પડી રહે છે અને સ્ટેશનોમાં રાખવાની જગ્યા ઓછી પડે છે, તેમ એક અહેવાલ જણાવે છે. 

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચના જુગારધામ પરના દરોડામાં રૂ.3.55 લાખ રોકડા, 10 મોબાઇલ ફોન, બે ફોર-વ્હીલર અને એક ટુ-વ્હીલર સહિત કુલ રૂ.38.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે ચાર ગાદલા અને એક એલ્યુમિનિયમ ટબ પણ જપ્ત કરાયા હતા. જપ્તીના રેકોર્ડમાં ગાદલા અને ટબની કિંમત શૂન્ય દર્શાવવામાં આવી હોવા છતાં બંનેને પણ પુરાવા તરીકે સાચવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તો એસજી હાઈ વે પર સ્પામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કોન્ડમનું પેકેટ મળી આવ્યું હતું, જે પણ પુરાવાનો ભાગ હોય તેને પણ કાયદાકીય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યું હતું. નારોલ ખાતે અન્ય એક દારૂબંધીના કેસમાં 28 લાખના મુદ્દામાલ સાથે વીસ જેટલી જૂની ફર્નિચર આઈટમ્સ પણ જપ્ત કરવામાં આવી હતી, તેને પણ સાચવવામાં આવી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

મોટી સમસ્યા સુરતના પલસાણા સ્ટેશનમાં થતી હોવાનું અહેવાલ જણાવે છે. નેશનલ હાઈ વે અને નેશનલ એક્સપ્રેસ વે પાસે આવ્યું હોવાથી અહીં સતત આવા કેસ નોંધાય છે. તાજેતરમાં ચોખાના પાપડની આડમાં 2.5 ટન જેટલો ખસખસનો જથ્થો પકડાયો હતો. ખસખસના જથ્થાની સાથે પાપડ ભરેલો ટ્રક પણ પોલીસે કબ્જે કર્યો હતો. સ્ટેશનમાં પાપડ રાખવાની જગ્યા ન હોવાથી પાપડને થેલીઓ ભરી ટ્રકમાં રાખી ટ્રકને સીસીટીવી કેમેરાની દેખરેખ નીચે રાખવામાં આવ્યો હતો. વડોદરામાં રેલવે પોલીસે અમુક કિલોગ્રામ કેરીના અથાણાંની નીચે છુપાવેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ગાંજાની સાથે અથાણાંની બરણીઓને પણ પુરાવા તરીકે સાચવવાની ફરજ પડી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુનામાં જપ્ત થયેલી કોઈપણ વસ્તુ કોર્ટના નિર્દેશો ન મળે ત્યાં સુધી સુરક્ષિત રાખવી પડે છે. ખાસ કરીને જો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કાયદેસર માલિકીનો દાવો કરે તો પુરાવા તરીકે આ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે જરૂરી છે. જો કોઈ દાવેદાર આગળ ન આવે તો પણ પોલીસ પોતાની રીતે જપ્ત માલનો નિકાલ કરી શકતી નથી અને કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ જ નિકાલની કાર્યવાહી થઈ શકે છે.એક તરફ ડ્રગ્સ, હથિયારો અને દારૂનો જથ્થો અને બીજી બાજુ પાપડથી માંડી કોન્ડોમ સુધીની વસ્તુઓ સાચવવી પોલીસ વિભાગ માટે મોટો પડકાર બની ગઈ હોવાનું સૂત્રો જણાવે છે.