Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ; 224 તાલુકામાં વરસાદ

2026-09-19 08:40:00
Author: Mayur Patel
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ; 224 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થવાના કારણે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ દરમિયાન અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, દાદરા અને નગર હવેલી તેમજ તાપી, નર્મદા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ પડ્યો હતો. બે તાલુકામાં 3 ઇંચથી વધારે, આઠ તાલુકામાં 2 ઇંચથી વધારે, 56 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 158 તાલુકામાં કાચા સોના સમાન એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 3.03 ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ 3.07 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 2.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં 2.52 ઇંચ, ડેડિયાપાડામાં 2.40 ઇંચ, મોડાસામાં 2.36 ઇંચ, કડાણામાં 2.24 ઇંચ, સંતરામપુરમાં 2.17 ઇંચ, માણસામાં 2.13 ઇંચ, ખાનપુરમાં 2.09 ઇંચ, ખેરાલુમાં 2.01 ઇંચ, વાંકાનેરમાં 1.97 ઇંચ, કલોલમાં 1.85 ઇંચ, મહેસાણામાં 1.85 ઇંચ, દહેગામમાં 1.81 ઇંચ, ગાંધીનગરમાં 1.81 ઇંચ, દસ્ક્રોઈમાં 1.77 ઇંચ, બાયડમાં 1.77 ઇંચ, વડાલીમાં 1.65 ઇંચ, વિજાપુરમાં 1.65 ઇંચ, ટંકારામાં 1.65 ઇંચ, ઉમરપાડામાં 1.57 ઇંચ, કડીમાં 1.57 ઇંચ, માતરમાં 1.54 ઇંચ, દાંતામાં 1.50 ઇંચ, ઉનામાં 1.46 ઇંચ, જાંબુઘોડામાં 1.46 ઇંચ, જોટાણામાં 1.42 ઇંચ, નડીયાદમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે રાજ્યમાં 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રથી ઉત્તર પ્રદેશ સુધી સક્રિય સિસ્ટમના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ત્યાં સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અંબાલાલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ,  26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહી શકે છે. નવરાત્રિના પ્રારંભથી લઈને દશેરા સુધીના સમયગાળામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિની શરૂઆતમાં, મધ્યમાં અને દશેરા સુધી ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત, 5 ઓક્ટોબરની આસપાસ પવન ફૂંકાવાની શક્યતા છે, અને 17 ઓક્ટોબરની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. 

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજથી વિદાય લેવાની શરૂઆત કરશે

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજથી વિદાય લેવાની શરૂઆત કરશે. જેના માટે હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ બની છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વર્ષે દેશમાંથી ચોમાસુ આગામી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લઈ લેશે.