મહેસાણાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ આજથી પ્રચારનો માહોલ જામશે. ગઈકાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે વિકાસની રાજનીતિને આગળ ધપાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે સૌ કાર્યકર્તાઓને કમર કસવા આહ્વાન કર્યું હતું.
મહેસાણામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભામાં મુખ્ય પ્રધાને ભાજપના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કર્યું હતું. આ તકે તેમણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ વખતે એવી રીતે વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે.
વિકાસનો સંકલ્પ, જન-જનનો સાથ..!
— BJP Gujarat (@BJP4Gujarat) April 15, 2026
આજે મહેસાણા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ નાગરિકો અને પાયાના કાર્યકર્તાઓને સંબોધિત કરી વિકાસની રાજનીતિને આગળ ધપાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે સૌ કાર્યકર્તાઓને કમર કસવા આહ્વાન… pic.twitter.com/eDt6d2SMCR
ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, 313 ઉમેદવારો બિનહરીફ થયા હતા. 313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં સૌથી વધુ નગરપાલિકામાં 276 બેઠકો પર કોઈ જંગ ખેલાશે નહીં. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી.
ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો બાદ હવે રાજ્યમાં કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતાધિકારનો ઉપયોગ થશે.