Mon Oct 05 2026

Logo

ગુજરાત હાઇકોર્ટે 44 વર્ષ બાદ મંજૂર કરી પતિની છૂટાછેડાની અરજી, પત્ની વર્ષ 1992થી ઘરે પરત નહોતી ફરી

2026-09-15 18:18:29
Author: Chandrakant Kanoja
ગુજરાત હાઇકોર્ટે 44 વર્ષ બાદ મંજૂર કરી પતિની છૂટાછેડાની અરજી, પત્ની વર્ષ 1992થી ઘરે પરત નહોતી ફરી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાનો એક અનોખો આદેશ આપ્યો છે. જેમાં કોર્ટે 67 વર્ષના પતિ અને 65 વર્ષની પત્નીને છૂટાછેડાનો આદેશ આપ્યો છે.  જેમાં વર્ષ 1992માં પિયર ગયેલી પત્ની 44 વર્ષ સુધી પરત ફરી ન હતી.  

વર્ષ 1992 પછી ક્યારેય પાછી ફરી ન હતી. 

આ સમગ્ર કેસની વિગતો મુજબ 67 વર્ષના પતિ અને  તેમની 65 વર્ષીય પત્ની 1992થી અલગ રહેતા હતા. તેમજ પત્ની 44 વર્ષ પહેલાં પોતાના ભાઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ઘર છોડીને ગઈ હતી અને ક્યારેય પાછી ફરી ન હતી. 

પત્ની માટેની કાયમી ભરણપોષણની રકમ 20,000 પ્રતિ માસ કરી  

આ કેસમાં કોર્ટે ઠરાવ્યું કે પતિ એ સાબિત કરવામાં સફળ રહ્યા હતા કે તેમની પત્નીએ કોઈ પણ યોગ્ય કારણ વિના તેમને છોડી દીધા હતા. જોકે, કોર્ટે પત્ની માટેની કાયમી ભરણપોષણની રકમ  રૂપિયા 12,000 થી વધારીને 20,000 પ્રતિ માસ કરી હતી.કારણ કે તેમની પાસે આવકનું કોઈ સ્વતંત્ર સાધન નહોતું અને તેઓ તેમના ગુજરાન માટે આ રકમ પર નિર્ભર હતા.

દંપતીએ વર્ષ 1989માં લગ્ન કર્યા હતા અને  બે પુત્રો હતા

આ દંપતીએ વર્ષ  1989માં લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો હતા. ન્યાયમૂર્તિ ઈલેશ જે. વોરા અને આર. ટી. વાછનીએ નોંધ્યું હતું કે ફેમિલી કોર્ટે 2015માં પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. તેની બાદ  બંને દાયકાઓ સુધી અલગ-અલગ જીવન જીવતા રહ્યા છે.  જોકે, પતિ સંમત થયા હતા કે તેમની પત્ની જ તેમના પેન્શન અને નિવૃત્તિ-સંબંધિત અન્ય લાભો માટે એકમાત્ર નોમિની  રહેશે.

પત્નીનો અલગ રહેવાનો નિર્ણય કોઈ પણ વાજબી કારણ વગર 

ગુજરાત હાઈકોર્ટે 9 સપ્ટેમ્બરના રોજ છૂટાછેડા અંગેનો પોતાનો ચુકાદો આપ્યો હતો. આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે બંને પક્ષો દલીલ સાંભળવામાં આવી હતી. તેમજ  પત્નીનો અલગ રહેવાનો નિર્ણય કોઈ પણ વાજબી કારણ વગર લેવામાં આવ્યો હતો. જેના લીધે  પતિ-પત્ની તરીકે સાથે રહેવાનો વૈવાહિક સંબંધ લગભગ 44  વર્ષથી  પુનઃસ્થાપિત થયો નથી.