અમદાવાદ: ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં મેઘમહેર નોંધાઈ છે. આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત પર તેનું હેત વરસાવ્યું છે, જ્યાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે,આ જે વલસાડના વાપીમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 3.58 ઇંચ વરસાદ પડ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સવારના 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં મેઘમહેર નોંધાઈ છે. આજે વાપીમાં 3.58 ઇંચ, નાનાપોંઢામાં 2.99 ઇંચ, પારડીમાં 2.76 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ, કપરાડામાં 2.44 ઇંચ અને વલસાડમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગમાં 1.85 ઇંચ, ધરમપુરમાં 1.81 ઇંચ, ચિખલીમાં 1.38 ઇંચ, પોશીનામાં 1.3 ઇંચ, કામરેજ અને ખેરગામમાં 1.18 ઇંચ, નવસારીમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો છે.
વરસાદ બાદ પોપટપરા બ્રિજ નીચે પાણી ભરાયા | દર વર્ષની સમસ્યાથી લોકો પરેશાન
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 6, 2026
રાજકોટમાં વરસાદ પડતાં જ પોપટપરા બ્રિજ નીચે ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ નીચે… pic.twitter.com/VOkg7o5rJn
તો બીજી તરફ હજુ પણ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં વરસાદનું આગમન થોડું મોડું થયું છે. ત્યારે આજની તારીખ સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે 6 ઇંચથી વધુ એટલે કે સરેરાશ 17 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 23 ટકાથી વધારે, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં રેડ અલર્ટ | જાણો કયા વિસ્તારમાં મેઘ રાજા ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ | Gujarat Monsoon Update
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 6, 2026
હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ, ભારે પવન અને ગાજવીજની આગાહી વચ્ચે લોકોને સાવચેત… pic.twitter.com/Wr31lO6TZo
હાલ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે આશરે 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 2.09 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 2 ડેમ સંપૂર્ણ 100 % ભરાયા છે, 18 ડેમ 70%થી વધુ, 20 ડેમ 50%થી વધુ, 49 ડેમ 25%થી વધુ અને 117 ડેમ 25% કરતા ઓછા ભરાયેલા છે. વર્તમાન જળસપાટીને જોતાં 6 ડેમ 'હાઇ એલર્ટ' પર, 7 ડેમ 'એલર્ટ' પર અને 7 ડેમ 'વોર્નિંગ લેવલ' પર રાખવામાં આવ્યા છે.