ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે સતત વિરોધ નોંધાવતા રહેતા કોંગ્રેસ નેતા અનંત પટેલે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આ મુદ્દે પ્રશ્ન કર્યો હતો. તેમણે સરકાર પાસેથી છેલ્લા બે વર્ષના સમયગાળામાં સ્ક્રુટીની કમીટી દ્વારા કેટલા નકલી જાતિના પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે તે અંગે જવાબ માંગ્યો હતો.
જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવી સરકારી લાભો લેનારાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના છેલ્લા બે વર્ષના સમયગાળામાં સ્ક્રુટીની કમીટી દ્વારા કુલ ૧૭૨ જેટલા નકલી જાતિના પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા અને તેની ખરાઈ કરવા માટેના વર્ષ ૨૦૨૦ ના નિયમો હેઠળ કરવામાં આવી છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ ૨૦૨૪ દરમિયાન ૭૯ અને વર્ષ ૨૦૨૫ દરમિયાન ૯૩ જેટલા ખોટા પ્રમાણપત્રો પકડી પાડીને રદ કરવામાં આવ્યા છે.
આ રદ કરવામાં આવેલા પ્રમાણપત્રોમાં વિવિધ જ્ઞાતિઓના નામે ખોટી રીતે મેળવાયેલા દાખલાઓનો સમાવેશ થાય છે. દસ્તાવેજ મુજબ, સૌથી વધુ ૩૮ પ્રમાણપત્રો રબારી જ્ઞાતિના નામે લેવાયેલા રદ થયા છે. ત્યારબાદ ડુંગરી ગરાસિયા જ્ઞાતિના ૩૪ અને ભીલ જ્ઞાતિના ૩૨ પ્રમાણપત્રો સ્ક્રુટીની કમીટી દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બરોડીયા (૧૧), બાવચા (૦૮), અને ભરવાડ (૦૪) જેવી અનેક અન્ય જ્ઞાતિઓના નામે મેળવાયેલા ખોટા પુરાવાઓ પણ તપાસ દરમિયાન પકડાયા છે.
રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વિગતો રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં ગુજરાત બહારના વતનીઓ દ્વારા પણ ખોટા પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા હતા. આ યાદીમાં ગામિત, સીદી, કોળી રાઠવા, હિંદુ ચૌધરી અને હળપતિ જેવી કુલ ૩૨ જેટલી વિવિધ શ્રેણીઓ હેઠળ લેવાયેલા ખોટા દાખલાઓની વિગતવાર યાદી આપવામાં આવી છે, જે તમામની ખરાઈ કર્યા બાદ રદ કરવાની સત્તાવાર મંજૂરી અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1956ના જાહેરનામા અંતર્ગત ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારોમાં નેસમાં વસતા માલધારી સમુદાયના રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્ષ 1993મા સરકાર દ્વારા રચિત મલકાણ પંચ દ્વારા 17551 પરિવારની ઓળખ કરી અનુસૂચિત જનજાતિના દરજ્જાને પાત્ર આ પરિવારોને આદિજાતિ વિભાગ દ્વારા વિગત દર્શક કાર્ડ આપવામાં આવેલ હતા.
જો કે ત્યારબાદ વર્ષ 2021માં પોલીસ સહિત અન્ય સરકારી ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની નિમણુંક જાતિ પ્રમાણપત્રો ચકાસણીના કારણે અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માલધારી સમાજ દ્વારા સૌરાષ્ટ્રમાં રેલીઓ કાઢીને તંત્રને આવેદન પત્ર પણ આપ્યું હતું અને કુલ 118 દિવસનું ઉપવાસ આંદોલન કર્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે આ મામલે નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી.