Wed Aug 19 2026

Logo

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર પર મૂક્યો પ્રતિબંધ

2026-08-05 21:11:12
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકાયાની અમુક કલાકો બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. આજથી એટલે કે 6 ઑગસ્ટથી જ સમગ્ર રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ તેમજ વિતરણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ અને ઉત્પાદન, પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે થતાં કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે નહીં. 

એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ થાય છે, તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

આ પ્રતિબંધ બાદ હવે રાજ્યમાં ડેરી પ્રોડક્ટ્સના નામે એનાલોગ સામગ્રી વેચતા કે બનાવતા એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. 

આ પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.