Fri May 01 2026

Logo

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10ની નરમાઈ 1થી 10 એપ્રિલ દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસમાં 38 ટકાનો ઘટાડો

2026-04-10 19:57:54
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગુજરાતના મથકો પર આજે સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની અને સ્ટોકિસ્ટોની માગ નિરસ રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 40નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 15નો ઘટાડો આવ્યો હતો. તેમ જ કપાસિયા રિફાઈન્ડમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે દેશી તેલમાં 10 કિલોદીઠ સિંગતેલમાં રૂ. 10નો અને સરસવમાં રૂ. 15નો ઘટાડો આવ્યો હતો, જ્યારે કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 15 વધી આવ્યા હતા. 

આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 108 રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 28 સેન્ટ વધી આવ્યા હોવાથી વૈશ્વિક મિશ્ર વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિકમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ બુંગેના આરબીડી પામોલિનના રૂ. 1450 અને સોયા રિફાઈન્ડના રૂ. 1540, ગોકુલ એગ્રોના મે ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1510, એડબ્લ્યુએલના એપ્રિલ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1450, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1500 અને સન રિફાઈન્ડના રૂ. 1680, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1540 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1435 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. 

આજે ગુજરાતમાં મગફ્ળીની ગોંડલ મથકે 7000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1570માં અને રાજકોટ મથકે 3500 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1580માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2690માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1700માં થયા હતા. 

આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1480, સોયા રિફાઈન્ડના રૂ. 1560, સન રિફાઈન્ડના રૂ. 1700, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1530 અને સરસવના રૂ. 1495ના મથાળે રહ્યાના અહેવાલ હતા.