ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે કહ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ-વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ સ્નેહી બનાવવા માટે ‘ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 ’ પસાર કરવામાં આવ્યું છે.
રાજ્ય મંત્રી ડૉ.ગામીતે બિલ અંગે ગૃહમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં વ્યવસાય અને રોકાણકારી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગસ્નેહી બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ વિધેયક લાવવામાં આવ્યું છે.
ઉદ્યોગો અને નાગરિકોને સારી સેવા પૂરી પાડવાનો
તેમણે કહ્યું કે,આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી નિયમનકારી બોજ ઘટાડવાનો, પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવાનો તેમજ જોખમ આધારિત અને ટેક્નોલોજી આધારિત વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં ફરજિયાત પૂર્વ મંજૂરી તથા ભૌતિક સંપર્કની જરૂરિયાત ઘટાડીને વિશ્વાસ આધારિત શાસન તરફ આગળ વધવાની દિશા આ બિલમાં દર્શાવવામાં આવી છે.
કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવીને સદનનો સમય બચાવવામાં આવ્યો
ગૃહમાં વિધેયકના હાર્દ અને હેતુ સ્પષ્ટ કરતાં રાજય મંત્રી ડૉ જયરામ ગામીતે જણાવ્યું હતું કે, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નિયંત્રણ આધારિત શાસનમાંથી 'વિશ્વાસ અને જોખમ આધારિત શાસન' તરફ આગળ વધવાનો છે. આ વિધેયક દ્વારા જુદા જુદા પાંચ રાજ્ય કાયદાઓની 12 સુધારાત્મક કલમોને એક જ છત્ર હેઠળ લાવીને કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવીને સદનનો સમય બચાવવામાં આવ્યો છે.
આ સુધારાઓ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે
મંત્રીએ ઉમેર્યું હતું કે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047 ના સંકલ્પ, ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 અને આગામી 11 મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 ના પૃષ્ઠભૂમિમાં આ સુધારાઓ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે.
બિલ હેઠળ પ્રસ્તાવિત મુખ્ય કાયદાકીય સુધારાઓ આ મુજબ છે.
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013
અગ્નિ સલામતીના ધોરણોને જોખમ અને કામગીરી આધારિત બનાવવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ અને બિલ્ડિંગના પ્રકાર મુજબ નિયમોને સુસંગત કરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડાશે.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ-2019
સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણ દ્વારા રજિસ્ટ્રેશન સરળ બનશે. 24*7 ઓપરેશન્સની સુવિધા સાથે જ કામદારોના હક્કો અને સુરક્ષા યથાવત રખાશે.દુકાનો અને સંસ્થાઓને અઠવાડિયાના કોઈપણ દિવસે 24*7 કામગીરી કરવાની સુવિધા મળશે, જે કામના કલાકો, આરામના અંતરાલ તથા રોજગારની શરતો સંબંધિત લાગુ કાયદાઓને આધીન રહેશે.
ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ-2019
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત કરાશે. સહકારી, વીજળી, જીઆઈડીસી અને સિંચાઈ જેવા વધારાના 8 રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરાયા છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967
અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં નોંધણી મેળવવી સરળ બનશે, જેથી તબીબી સેવાઓ અને પ્રોફેશનલ મોબિલિટી ઝડપી બનશે.
ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013
જેમાં સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ જતો રહે તે માટે ટેકનોલોજી આધારિત 'ઑટો-અપીલ' અને 'ઑટો-એસ્કેલેશન' મિકેનિઝમ અમલી બનશે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047 ’ના સંકલ્પ સાથે જાહેર કરાયેલી ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬, તાજેતરમાં ચારેય રીજીયન (પ્રાદેશિક) યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ્સ અને આગામી જાન્યુઆરીમાં યોજાનાર ૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 (વિકસિત ગુજરાત–શેપિંગ ગ્લોબલ ફ્યુચર) માટે આ કાયદાકીય સુધારા અગત્યનું માઈલસ્ટોન સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં પગલું
તેમણે કહ્યું કે,જાહેર સલામતી, કામદારોના અધિકારો અને જાહેર આરોગ્ય સાથે કોઈ સમજૂતી કર્યા વિના, બિનજરૂરી પ્રક્રિયાત્મક જટિલતાઓ દૂર કરીને ગુજરાતને સમગ્ર દેશ અને વિશ્વ માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં આ વિધેયક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.
રાજ્યના વિકાસને વધુ ગતિ આપનારું મહત્વપૂર્ણ પગલું
ગુજરાત રોકાણ,ઔદ્યોગિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને Ease of Doing Business ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે આ બિલ રાજ્યના વિકાસને વધુ ગતિ આપનારું મહત્વપૂર્ણ પગલું બનશે. 'ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 ' વિધાનસભા ગૃહમાં આજે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.