Fri May 01 2026

Logo

વિધાનસભામાં ચૂંટણી ખર્ચ મુદ્દે હોબાળો, 24 માર્ચે UCC બિલ રજૂ થવાની શક્યતા

2026-03-17 11:30:00
Author: Mumbaisamachar Team
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન આજે ચૂંટણી પંચના ખર્ચ અને સ્વાયત સંસ્થાઓની ટીકા કરવાના મુદ્દે શાસક અને વિરોધ પક્ષ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ખર્ચ પર ચર્ચા કરવાની માંગણી સાથે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવતા ગૃહનું વાતાવરણ તેજ બન્યું હતું. એકતરફ વિપક્ષ સરકાર પર પારદર્શિતાના અભાવના આક્ષેપો કરી રહ્યો છે, તો બીજી તરફ સરકાર બંધારણીય મર્યાદાઓનો હવાલો આપી રહી છે. આ ગતિરોધ વચ્ચે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો 8 માર્ચની પૂરક માંગણીઓમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો સામેલ હતો, તો અત્યારે તેના પર ચર્ચા કેમ ટાળવામાં આવી રહી છે? તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર આ ચર્ચામાં શું છુપાવવા માંગે છે. વિપક્ષે સરકારી વિભાગોની કાર્યશૈલીમાં રહેલી ખામીઓ પર પણ પ્રહાર કર્યા હતા અને કાપ દરખાસ્તો રદ કરવા પાછળના તર્ક અંગે સ્પષ્ટતા માંગી હતી. જોકે, સરકાર પક્ષે આ દલીલોનો મક્કમતાથી જવાબ આપ્યો હતો.

વિપક્ષના આક્ષેપોના જવાબમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચ એક સ્વાયત અને બંધારણીય સંસ્થા છે. બંધારણીય જોગવાઈઓ મુજબ, જે સંસ્થાઓ ગૃહમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરી શકતી નથી, તેમની ટીકા કે તેમના પર ચર્ચા ગૃહમાં થઈ શકે નહીં. અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મામલે મહત્વનો નિર્ણય આપતા જણાવ્યું કે, હાઈકોર્ટ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ સ્વાયત છે, તેથી તેમના અનુદાનની માંગણીઓ પર ચર્ચા માત્ર અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે છે. અધ્યક્ષના આ ચુકાદા બાદ આ મુદ્દે વધુ ચર્ચા પર વિરામ મૂકવામાં આવ્યો હતો.

24 માર્ચે UCC બિલ રજૂ થવાની પ્રબળ શક્યતા

વિધાનસભાની કાર્યવાહીના અંતિમ દિવસો હવે નિર્ણાયક સાબિત થશે. આજે સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાવાની છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સહિત કુલ 4 મહત્વના વિધેયકો પર ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ કરી શકે છે. 25 માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં આ બિલ સૌથી વધુ ચર્ચાસ્પદ બને તેવી સંભાવના છે, જેની અસર રાજ્યના સામાજિક અને રાજકીય માળખા પર જોવા મળી શકે છે.