Mon May 11 2026

Logo

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: CCE ભરતીમાં નવી 914 જગ્યાઓ ઉમેરાઈ

2026-02-28 12:04:00
Author: Tejas Rajpara
Article Image

 

ગાંધીનગર: ગુજરાત સરકારના વિવિધ વહીવટી વિભાગોમાં ક્લાર્ક બનવાનું સપનું જોતા હજારો યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની ચાલુ ભરતી પ્રક્રિયામાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અગાઉ જાહેર કરવામાં આવેલી ખાલી જગ્યાઓમાં નવી બેઠકોનો ઉમેરો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ઉમેદવારો માટે સફળતાના દ્વાર વધુ મોકળા કરશે.

ગૌણ સેવા પસંદગી મંડળની સત્તવાર જાહેરાત મુજબ, અગાઉ જે મર્યાદિત સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી હતી તેમાં હવે નવી 914 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે જ હવે સીસીઈ (CCE) ભરતીનો કુલ આંકડો વધીને 7,338 પર પહોંચી ગયો છે. બેઠકોમાં થયેલા આ નોંધપાત્ર વધારાને કારણે મેરિટ લિસ્ટમાં આવવાની તકો વધશે, જે લાંબા સમયથી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડશે.

ગ્રુપ-A અને ગ્રુપ-B મુજબ નવું વિભાજન

નવી ઉમેરાયેલી જગ્યાઓને મંડળ દ્વારા બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-A (સિનિયર ક્લાર્ક અને સમકક્ષ પદ) માટે નવી 252 જગ્યાઓ વધારવામાં આવી છે. જ્યારે ગ્રુપ-B (જુનિયર ક્લાર્ક અને તેની સમકક્ષ જગ્યાઓ) માં સૌથી વધુ 662 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. આ વિભાજનને કારણે બંને કેટેગરીમાં પસંદગી પામનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થશે, જે વહીવટી કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના ક્ષેત્રોમાં કર્મચારીઓની ઘટ પૂરી કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. પરીક્ષાના આયોજનથી લઈને પરિણામ જાહેર કરવા સુધીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. આ નવી નિમણૂકો દ્વારા સરકારી કચેરીઓમાં કામનું ભારણ ઘટશે અને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ આવશે.