Fri May 01 2026

Logo

ફુગાવો વધવાની ચિંતા દૂર થતાં વૈશ્વિક સોના-ચાંદીમાં બે ટકાનો ઉછાળો

2026-03-25 19:50:26
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 10,269 ઉછળી, સોનું રૂ. 5785 ઝળક્યું 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો વિવાદ શાંત થવાના આશાવાદ વચ્ચે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પાંચ ટકા સુધીનો ઘટાડો આવ્યાના નિર્દેશો સાથે ફુગાવામાં વધારાની ચિંતા હળવી થવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.9 ટકાનો અને ચાંદીના ભાવમાં 2.2 ટકાનો ઉછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 10,269ની તેજી આવી હતી, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 5762થી 5785નો ઉછાળો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 10,269 વધીને રૂ. 2,34,814ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 5762 વધીને રૂ. 1,45,620 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 5785 વધીને રૂ. 1,46,205ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 3.5 ટકાની તેજી સાથે આૈંસદીઠ 4556.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.9 ટકા વધીને આૈંસદીઠ 4558.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ચાર મહિનાની નીચી આૈંસદીઠ 4097.99 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.2 ટકા વધીને આૈંસદીઠ 72.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકા-ઈઝરાયલના ઈરાન સાથે અંદાજે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ બાબતે વાટાઘાટો મારફતે શાંતિ કરાર થવાનો આશાવાદ અમેરિકાએ વ્યક્ત કર્યો હતો. જોકે, ઈરાનના લશ્કરે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વાટાઘાટ અંગેની વાતને નકારી કાઢી હતી. તેમ છતાં ક્રૂડતેલના ભાવમાં પાંચ ટકા જેટલો ઘટાડો આવતા ફુગાવો શાંત થવાની શક્યતા અને અમેરિકા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવી ધારણા મુકાઈ રહી હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળ્યો હોવાનું ક્વૉન્ટિટિવ કૉમૉડિટીનાં રિસર્ચ એનાલિસ્ટ પીટર ફર્ટિગે જણાવ્યું હતું. 

તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે ફુગાવો વધવાની શક્યતા પ્રબળ બનતાં  સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો જે અગાઉ ડિસેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે તેવી 25 ટકા શક્યતા મૂકી રહ્યા હતા તે હવે 16 ટકા શક્યતા જોઈ રહ્યા છે. સામાન્યપણે ભૂરાજકીય તણાવની સ્થિતિમાં કાયમી ધોરણે સોનામાં સુધારો જોવા નથી મળતો, પરંતુ કેન્દ્રવર્તી બૅન્ક કડક નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી રહી હોવાનું યુબીએસએ એક નોટ્સમાં જણાવ્યું હતું.