મુંબઈ: અનંતચતુર્દશીએ વિસર્જન માટે ગિરગામ ચોપાટી વહેલા પહોંચ્યા છતાં દરિયામાં ઓટને કારણે ઊંચી મૂર્તિઓનું વિસર્જન મોડું શરૂ થયું હતું.
શુક્રવારની બપોરે દોઢેક વાગ્યાથી જ ઊંચી મૂર્તિઓ ગિરગામ ચોપાટી પહોંચવા લાગી હતી. કાલાચોકીના પ્રખ્યાત મહાગણપતિ પણ બે વાગ્યાની આસપાસ ચોપાટી પહોંચી હતા. એ સિવાય કરી રોડ ચા રાજા પણ વહેલાં પહોંચી ગયા હતા. એ સિવાય ખેતવાડીની પણ ઊંચી મૂર્તિઓ ચોપાટી તરફ પહોંચી ગઈ હતી. મુંબઈની સૌથી ઊંચી 47 ફૂટની મૂર્તિ ખેતવાડીની 11મી ગલીમાં હતી, જે બપોરે ત્રણ વાગ્યે ચોપાટીના બ્રિજ સુધી પહોંચી ગઈ હતી.
બપોરે દરિયામાં લૉ ટાઈડને કારણે દરિયાનું પાણી કિનારેથી ખૂબ જ દૂર હતું. આવા સમયે ઊંચી મૂર્તિઓ વિસર્જન માટે દરિયામાં લઈ જવી એટલે એક પ્રકારે જોખમ ગણાય. પાણી દૂર હોવાથી કિનારાનો ભાગ લપસણો અને ચીકણો બની જાય છે. એવામાં ગણપતિની ટ્રૉલીનાં ટાયર માટીમાં ખૂંપી જતાં હોવાથી વિસર્જન અટકી ગયું હતું.
ખાસ્સી રાહ જોયા પછી દરિયામાં પાણીનું સ્તર વધતાં વિસર્જન શરૂ કરાયું હતું. ઊંચી મૂર્તિઓમાં સૌપ્રથમ કાલાચોકીના મહાગણપતિને તરાપા દરિયામાં ઊંડે સુધી વિસર્જન માટે લઈ જવાયા હતા. ચોપાટી પર વારંવાર દરિયામાં જતાં પહેલાં સાવચેત રહેવાની સૂચના સંબંધી એનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી.