કિશન દેસાઈ
ભારતીય અર્થતંત્ર હાલમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ અનુભવી રહ્યું છે, જેના કેન્દ્રમાં ‘જનરેશન-ઝેડ’ (જેન-ઝી) પેઢી છે. યુએનના ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ -2024’ પ્રમાણે ભારતમાં અંદાજે 407 મિલિયન(40.7 કરોડ)થી વધારે યુવાનો (14 વર્ષથી 29 વર્ષ)ની વસતિ છે, જે દેશની કુલ વસતિના લગભગ 28 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતા દેશ ભારતમાં આ પેઢી હવે માત્ર ડિજિટલ વપરાશકર્તા રહી નથી, પરંતુ દેશના આર્થિક ગતિચક્રને ચલાવતી સૌથી મહત્ત્વની તાકાત બની ગઈ છે. ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે ત્યારે તેમાં જેન-ઝી પેઢીની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
કોઈપણ અર્થતંત્રમાં વપરાશ, રોકાણ, સરકાર દ્વારા કરાયેલો ખર્ચ અને આયાત-નિકાસ પાયારૂપ ઘટક હોય છે, જેમાં વપરાશ એ ખૂબ અગત્યનો ભાગ છે. ભારતના પરંપરાગત અર્થતંત્રમાં ખરીદી મુખ્યત્વે જરૂરિયાત પર આધારિત હતી, પરંતુ જેન-ઝી પેઢીએ તેને બદલીને ‘ઈન્સ્પિરેશન ઈકોનોમી’માં ફેરવી નાખી છે.
‘ઈન્સ્પિરેશન ઈકોનોમી’ એટલે જેમાં લોકો કેટલાક અન્ય લોકો કે સંજોગોથી પ્રેરાઈને પોતાની લાઈફસ્ટાઈલને ઉપર લાવવા પ્રયત્ન કરે, જેમ કે ક્ધટેન્ટ ક્રિએટરથી પ્રેરાઈને જાણીતી બ્રાન્ડના કપડા ખરીદવા. મિલેનિયલ અથવા એની પહેલાંની પેઢી માત્ર જરૂરિયાત પૂરતી ખરીદીને પ્રોત્સાહન આપતી આવી છે અને બચતને પ્રાધાન્ય આપી સંપત્તિ અને મિલકત બનાવવામાં રસ રાખતી આવી છે, જયારે જેન-ઝી પેઢી માત્ર સંપત્તિ કે મિલકત બનાવવામાં રસ દાખવવાને બદલે પ્રવાસ, કેફે, ફિટનેસ અને પર્સનલ કેર જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં ‘અનુભવ’ ખરીદવા પાછળ વધુ ખર્ચ કરે છે, જેણે દેશમાં નવી D2C (Direct-to-Consumer) બ્રાન્ડ્સ અને ક્રિએટર ઇકોનોમીને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપ્યું છે.
અમેરિકન અર્થતંત્રની સરખામણીએ જોઈએ તો, યુ.એસ.નો મોટો આધાર ક્ધઝ્યુમર-ડ્રિવન મોડેલ (જેમાં મોટા પ્રમાણમાં વપરાશ-ક્ધઝમ્પશન પર આધારિત અર્થતંત્ર હોય) પર રહ્યો છે, જ્યાં જીડીપીનો આશરે 68-70 ટકા હિસ્સો સ્થાનિક વપરાશમાંથી આવે છે. 20મી સદીમાં અમેરિકન યુવાનોના વિપુલ ખર્ચે ત્યાંના અર્થતંત્રને વિશ્વની સૌથી મોટી તાકાત બનાવ્યું હતું. ભારતમાં પણ હવે આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં અર્થતંત્રનું ચક્ર ‘કન્ઝમ્પ્શન-લેડ ગ્રોથ’ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. ભારત માટે વિશેષ ફાયદો એ છે કે આપણી પાસે અમેરિકા કરતાં પણ વિશાળ યુવા વસતિ છે. આ વિશાળ વસતિ સ્થાનિક ઉત્પાદકો, ઈ-કોમર્સ અને MSME ક્ષેત્ર માટે સતત માંગ ઊભી કરે છે, જે વૈશ્વિક મંદી સામે ભારતીય અર્થતંત્રને એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે.
ભારતના અર્થતંત્રમાં 7.8 ટકા ના દરે થતા વિકાસમાં આ વપરાશ આધારિત અર્થતંત્ર મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશ્યલ મીડિયાના માધ્યમો જેવા કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને સ્નેપચેટ આ પેઢી માટે આધુનિક શોપિંગ મોલ બની ગયા છે, જે નવી કંપનીઓ તેમજ ઓન્ટ્રેપ્રેન્યોરશિપને વેગ આપી રહ્યું છે. જેન-ઝી પેઢીએ કમાણી અને ખર્ચ કરવાની આધુનિક શૈલીએ ભારતના ક્ધઝમ્પ્શન ગ્રોથને એક નવી દિશા આપી છે. આ પેઢીએ કમાણીના નવાં નવાં અનેક આયામ શોધી આપ્યા છે. માત્ર એક ફોન દ્વારા પણ લાખો રૂપિયા કમાઈ શકવાની ક્ષમતા ધરાવે છે.
નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે ભારતની જેન-ઝી માત્ર એક ઉંમરનું જૂથ નથી, પરંતુ દેશની આર્થિક ક્રાંતિનું મુખ્ય એન્જિન બની શકે છે. પ્રેરણાથી પ્રેરાઈને ખરીદી કરવાની તેમની ટેવ, નવી બ્રાન્ડ્સને સ્વીકારવાની વૃત્તિ અને સતત વધતી કમાણી ક્ષમતા ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય નક્કી કરી રહી છે.
આવનારા દાયકામાં જે પણ ઉદ્યોગો અને બ્રાન્ડ્સ આ યુવા પેઢીની માનસિકતાને અનુકૂળ થઈ શકશે, તે જ ભારતીય બજારમાં સફળતા મેળવશે. સાથે જ, વપરાશ આધારિત અર્થતંત્ર વિદેશી રોકાણકારો માટે પ્રોત્સાહનરૂપ હોય છે. આથી ભવિષ્યમાં પણ અનેક વિદેશી કંપનીઓ અને રોકાણકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતીય બજારમાં ઝંપલાવશે.
જોકે આ સાથે, મોંઘવારી અર્થતંત્ર માટે એક ચિંતાનો વિષય બનશે. અમેરિકા દેશ હાલમાં જે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે એવી હાલત ભારતના અર્થતંત્ર માટે પણ શક્ય છે, પરંતુ ભારતની બચત અને રોકાણની પરંપરાગત ટેવ ભારતીય અર્થતંત્ર માટે ઘણી લાભદાયી નીવડી શકે એમ છે. જેન-ઝી પેઢીને આ બાજુ વાળવી એ આવનારા સમયમાં ખૂબ જરૂરી છે. આમ, જેન-ઝી પેઢી ભવિષ્યના ભારતીય અર્થતંત્રની દિશા નક્કી કરશે અને પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવશે.