Thu Apr 30 2026

Logo

ગેસ લીકેજની ગરબડ...

2026-03-22 12:34:00
Author: Mumbai Samachar Team
Article Image

ઊડતી વાત - ભરત વૈષ્ણવ


કંઈ ગંધ આવે છે?

‘ગિધુગિધુ. એં ગિધુડા..’ રાધારાણીએ અવાજનું વોલ્યુમ ક્રમશ: વધારતા બૂમ પાડી.

‘શું છે? સવાર સવારમાં શેની બૂમ પાડે છે?’ છાપામાંથી માથું ઊંચું કર્યા સિવાય અમે સવાલ કર્યો.

‘સાતે કામ પડતા મૂકીને આવો.’ રાધારાણીએ લાકડિયા તાર જેવો આદેશ આપ્યો. રાધારાણી મારાથી સહેજે બીતી નથી, પરંતુ વંદા, ગરોળીથી બહુ બીવે છે. ક્યારેક મને થાય છે કે આનો ઘરવાળો બન્યો એના કરતાં વંદો કે ગરોળી થયો હોત તો રાધારાણી મારાથી ફફડતી તો હોત. અમે જવાબ ન આપ્યો.

‘તમે મારું કહ્યું કાને ન લેવાનો ફેંસલો કર્યો છે? જ્યારે હોય ત્યારે પોદળાની જેમ સોફામાં પડ્યા હો છો. ઘરમાં સળી ભાંગીને બે કરવાની નહીં. છાપા લઇને ચોંટ્યા રહેવાનું. હું તો ભૈસાબ તમારાથી તંગ આવી ગઇ છું.’ રાધારાણીની વાત ન સાંભળો એટલે રાધારાણી ધડમાથા વગરનો બડબડાટ ચાલુ કરી દે છે.

‘શું કામ છે?’ નાછૂટકે છાપાની ગડી વાળીને ટિપોઇ પર મૂકતા મેં પૂછયું.

‘તમે ઊભા થાવ. મારી પાછળ પાછળ ચાલો.’ 

‘હવે, આપણી ઉંમર થઇ છે. તારી પાછળ ચાલવાનો સમય જતો રહ્યો છે.’ 

‘હવે ટાયલાવેડા મૂકો.’ રાધારાણી કડક થયા. હું તેમની પાછળ પાછળ ગયો. રાધારાણી મને વાસણકપડાં કરવાની ચોકડીમાં લઇ ગઇ.

‘ગંધ કે બદબૂ આવે છે?’ રાધારાણીના સવાલથી હું હેબતાઈ ગયો. રાધારાણી મને મગજ વગરનો માને છે. મારા મગજનો ફયુઝ ઊડી ગયો છે તેવો તેનો દાવો છે. હવે હું નાક વગરનો હોઇશ એવું પણ માનવા લાગી કે શું?

‘અરે મસ્ત સોડમ આવે છે? કયા સાબુથી નાહી છે? નાહ્યા પછી કયું પરફયુમ લગાવ્યું છે?’ ખુશામત ખુદાને વ્હાલી હોય તો પત્નીને પણ પ્રશંસા પસંદ હોય કે નહીં?

‘ઓ અક્કલના ઓથમીર... હું મારી વાત કરતી નથી.’ 

‘તો? હું તો તારી જ સુગંધ સમજુ ને?’

‘મને તીવ્ર ગંધ આવે છે.’ રાધારાણીએ નાકના ફોયણા ઊંચા કરીને કહ્યું.

‘પેટ્રોલની વાસ નથી. પેટ્રોલની વાસ તો તીવ્ર હોય.’

‘કદાચ ગેસની ગંધ હોઇ શકે.’ રાધારાણીએ શક્યતા દર્શાવી.

‘લસણ, ડુંગળી, બટેટા, વાલનો વપરાશ કરે એટલે ગેસ થાય જ.’

‘હું એ ગેસની વાત કરતી નથી.’ કપાળ કૂટતા રાધારાણીએ ચોખવટ કરી.

‘કદાચ ગેસ લિકેજ હશે.’ મેં ખભા ઉલાળીને કહ્યું .

‘તમે વાંકા વળો તો’ રાધારાણીએ હુકમના ટોનમાં કહ્યું.

‘મને લગ્ન પછી આટલો બેન્ડ વાળ્યો તે ઓછું છે કે હજુ વાંકા વળવાનું કહે છે.’ 

‘આ ગટરની જાળી ખોલો. એમાં તમારું મોઢું નાખો અને કહો કે ગટરમાં ગેસ લિકેજ જેવું લાગે છે?.’ રાધારાણીએ સમસ્યાના મૂળ સુધી જવાની કોશિશ કરી.

‘ગટરમાં કશી વિચિત્ર વાસ આવે છે. ગેસ લિકેજ હોઇ શકે.’ મેં ગટરમાં સૂંધીને તારણ કાઢ્યું.

‘અંદર સળગતી દીવાસળી નાંખીને ચેક કરીએ તો કેવું?’ રાધારાણીની નિર્દોષ દરખાસ્ત.

‘તો પછી ભડકો અને આપણો ખેલ ખત્મ.’ મેં કહ્યું. રાધારાણી પંદર દિવસ ફરિયાદ કરતી રહી. મેં સરકારની જેમ આંખ આડા કાન કર્યા. જો કે, ઘરમાં સાબુવાળા પાણીથી ગેસ લિકેજ છે કે કેમ તે ચેક કરેલ. ગટરમાં જ ગેસ લિકેજની વાસ આવતી હતી.અમારી સોસાયટીમાં નવી ગટર યોજનાના નામે નવી મુસીબત આવી છે. નવી ગટર યોજનામાં અમને નવું કનેકશન આપ્યું ત્યારથી અમારે ત્યાં ગેસ લિકેજની ફરિયાદ ઊભી થઇ છે.

‘અમારા ઘરના કંમ્પાઉન્ડમાં ગેસ લિકેજ થાય છે.’ અમે ગેસ કંપનીના કસ્ટમર સેન્ટર પર ફોનથી ફરિયાદ કરી.

‘એટલે કે સ્મેલિંગની કમ્પ્લેઇન્ટ છે. કરેકટ?’ કાઉન્ટર ગર્લે ટેક્નિકલ સવાલ કર્યો.

‘એ જે હોય તે. જલ્દી માણસો મોકલજો.’ અમે વિનંતી કરી.

મેં ગેસ કંપનીને ફરિયાદ કરવાની મહાભૂલ એટલે બ્લંડર કર્યું. ખલાસ.

સાંજે પાંચ વાગ્યે ફોન કર્યો કે કલાકમાં બાઇક પર બે માણસ ચેક કરવા આવ્યા. તેણે અમારી વિગતો લીધી.ગટરના પાઇપમાં ઇલેકટ્રિક હીટર જેવો લબડતો એક છેડો નાખ્યો. એ ચોરસ ડબલાંના સ્ક્રીન પર ઇકો જેવા તરંગો ચાલવા માંડ્યા. ગેસ લિકેજ શોધવા માટે પેલિસ્ટર બીડ ઇન્ડસ્ટ્રિયલ ગેસ ડિટેકટર વગેરે ડિવાઇસ વપરાય છે તેવું અમને કહ્યું.

પછી તો કહેવું જ શું? ધડાધડ ગેસ કંપનીની ત્રણ ચાર ગાડી આવી. પીળી છાલિયા હેલ્મેટ પહેરેલા દસબાર મજૂરિયા ત્રિકમ,પાવડા, કોદાળી સાથે ઊતરી પડયા. આ મજૂરિયા રસ્તા ખોદવા માંડ્યા.

‘અમે કમ્પ્લેઇન્ટ સોલ્વ કર્યા વગર સાઇટ પરથી જતા નથી.’ એક મૂચ્છડે અમને હૈયાધારણ આપી.

રાત્રે અમારા ઘરના પ્લગમાં હેલોઝન લાઇટનો વાયર નાખ્યો. રાત્રે પણ ખોદકામ ચાલુ રાખ્યું. સવારે ચાર વાગ્યે જોયું તો મજૂરો ગાડીની બારીની બહાર પગ લબડાવીને ઊંઘતા હતા. સવારે તો બધા ઊપડી ગયેલ. એ લોકો પાછા બપોરે આવ્યા. ગેસ લિકેજ શોધવાની લ્હાયમાં લાઇટનો વાયર કાપી નાખ્યો. લાઇટ કંપનીએ અલગથી ખોદાણ ચાલુ કર્યું. લાઇટ કંપનીએ પાણીની પાઇપલાઇનમાં પંકચર પાડ્યું. સવારે બધા ખાડા સરોવરની જેમ ઊભરાઈ ગયા..

પાંચ દિવસ ખોદાણ કર્યા પછી ગેસ લિકેજનું પગેરું ન મળ્યું તે ન જ મળ્યું. ગેસ કંપનીએ એક ખાડો મ્યુઝિયમની જેમ ખુલ્લો રાખેલ છે. આ ખુલ્લા ખાડામાં પડવા માટે અમારું હાર્દિક છે.

 એક દિવસ કયાંકથી સુંસું સું સું અવાજ આવતો હતો. અમે તે અવાજ તરફ ગતિ કરી. ગેસની પાઇપલાઇનને એક જોઇન્ટ મારેલો. એ જોઇન્ટ બરાબર ટાઇટ કરેલ નહીં. એટલે ગેસ લિકેજની વાસ ગટરમાં આવતી હતી. અમે વાંદરી પાનું લઇને જોઇન્ટને બરાબર ટાઇટ કર્યો.
 ચમત્કાર થઇ ગયો. ગેસ લિકેજ બંધ થઇ ગયું!