Mon Oct 05 2026

Logo

9 વર્ષ પછી ગણેશોત્સવમાં રચાશે દુર્લભ મહાસંયોગ! આ વખતે 10 નહીં પૂરા આટલા દિવસ બિરાજશે ગણપતિ બાપ્પા

2026-09-12 22:52:10
Author: Darshana Visaria
9 વર્ષ પછી ગણેશોત્સવમાં રચાશે દુર્લભ મહાસંયોગ! આ વખતે 10 નહીં પૂરા આટલા દિવસ બિરાજશે ગણપતિ બાપ્પા

પ્રતીકાત્મક તસવીર


વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનો મહાપર્વ ગણેશોત્સવ 2026 આ વર્ષે ભક્તો માટે અત્યંત વિશેષ અને મંગલકારી બની રહેશે. પંચાંગ ગણતરી અનુસાર, પૂરા 9 વર્ષ પછી ગણેશોત્સવમાં 12 દિવસનો અતિ દુર્લભ મહાસંયોગ સર્જાઈ રહ્યો છે. સામાન્ય રીતે ગણેશોત્સવ 10 દિવસનો હોય છે અને 11મા દિવસે અનંત ચતુર્દશીએ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે તિથિ વૃદ્ધિના કારણે ગણેશોત્સવ પૂરા 12 દિવસ સુધી ધામધૂમથી ઉજવાશે.

આ પાવન સંયોગને કારણે ભક્તોને રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિ બાપ્પાની સેવા અને સાધના કરવા માટે બે દિવસનો વધારાનો સમય મળશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ અને અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવે છે.

9 વર્ષ પછી કેમ બન્યો 12 દિવસનો મહાસંયોગ?
હિન્દુ પંચાંગમાં સૂર્યોદય વ્યાપિની તિથિની ગણતરી મુજબ, ભાદ્રપદ સુદ પક્ષ દરમિયાન એક તિથિની વૃદ્ધિ થઈ રહી છે. તિથિ લંબાવાના કારણે ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન વચ્ચેના દિવસોની સંખ્યા વધીને 12 દિવસ થઈ ગઈ છે. અહીંયા તમારી જાણકારી માટે આ પ્રકારનો દુર્લભ 12 દિવસીય ગણેશોત્સવ અગાઉ વર્ષ 2017માં જોવા મળ્યો હતો. હવે નવ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ભાદ્રપદ માસમાં આ પવિત્ર સંયોગ રચાયો છે.

12 દિવસીય ગણેશોત્સવનું આધ્યાત્મિક મહત્વ:
શાસ્ત્રો મુજબ ગણેશોત્સવ દરમિયાન બાપ્પાના પાર્થિવ સ્વરૂપની પૂજા કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ, નકારાત્મકતા અને વિઘ્નો દૂર થાય છે. આ વર્ષે વધારાના દિવસો મળવાથી વિશેષ મંત્રોચ્ચાર, અથર્વશીર્ષ પાઠ અને સંકટનાશન સ્તોત્રના 108 પાઠનું અનુષ્ઠાન અત્યંત ફળદાયી નીવડશે. ભાદ્રપદ સુદ ચતુર્થીના શુભ ચોઘડિયે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 12મા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે અનંત ચતુર્દશીએ બાપ્પાને વિદાય અપાશે.