ભુજઃ પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં તસ્કરોએ કાયદાના રક્ષકોને જ ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. તસ્કરોએ ખુદ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરી બહાર પાર્ક કરેલું પોલીસ કર્મચારીનું સરકારી મોટરસાઇકલ હંકારી જતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજ્ય ગુપ્તચર સંસ્થામાં ફરજ બજાવતા રુદ્રસિંહ ઝાલાની તાજેતરમાં ભુજ ખાતે બદલી થઈ હતી. ગત તા. 10 જુલાઈના રોજ તેઓ મેડિકલ ચેકઅપ અર્થે ગાંધીધામ આવ્યા હતા.
તે વેળાએ તેમણે સરકારી મોટરસાઇકલ (નં. GJ-18-gb-5900) ગાંધીધામ સ્થિત આઇ.બી. કચેરી બહાર પાર્ક કરી હતી. ત્યારબાદ તા. 15 જુલાઈના રોજ સાથી કર્મચારી ભરતભાઈ ગોસ્વામીએ ફોન કરીને જાણ કરી હતી કે, કચેરી બહાર મુકેલું વાહન ત્યાં નથી. આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ કરવા છતાં સરકારી વાહનનો કોઈ પત્તો મળ્યો ન હતો.
પોલીસ પરિવારોની રહેણાંક વસાહત અને મહત્વપૂર્ણ સુરક્ષા એજન્સીની કચેરીની તદ્દન નજીકથી સરકારી વાહનની ઉઠાંતરી થતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે ગાંધીધામ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસ આદરી છે.
ઉત્સવ વૈદ્ય