નવી દિલ્હીઃ ઈંધણનાં ભાવમાં થયેલા વધારા અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે કૉમૉડિટીનાં ભાવમાં વધારો થવાથી અગ્રણી એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ) ઉત્પાદકો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ભાવમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે. સાથે સાથે તેઓ વપરાશી વલણ તથા પ્રીમિયમાઈઝેશનને ધ્યાનમાં રાખીને માગ તથા આવક વૃદ્ધિ અંગે પણ આશાવાદી છે.
એફએમસીજી ક્ષેત્રએ જૂન અંતનાં ત્રિમાસિકગાળામાં માર્જિનને સુરક્ષિત રાખવા માટે વજનના ગ્રામેજમાં ઘટાડો (શ્રિન્કફ્લેશન) કરીને અથવા તો પસંદગીયુક્ત ભાવવધારો કર્યો હતો અને બેથી પાંચ ટકાનો વધારો કર્યો હતો. જોકે, હજુ તેઓ ફુગાવાલક્ષી દબાણ, ક્રૂડતેલના ભાવની ચંચળતા અને અલ નિનોની અસર હેઠળ ચોમાસાની પ્રગતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
અગ્રણી બેકરી ઉત્પાદક કંપની બ્રિટાનિયાએ જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિકગાળામાં ખાંડ અને પામતેલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રૂ. પાંચથી 10નાં ભાવનાં બિસ્કિટનાં પેકમાં શ્રિન્કફ્લેશન મારફતે 1.5થી બે ટકાનો ભાવવધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. બ્રિટાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા ત્રિમાસિકગાળામાં ભાવવધારો મુખ્યત્વે શ્રીન્કફ્લેશન મારફતે કરવામાં આવ્યો હતો અને વર્તમાન ત્રિમાસિકગાળામાં પણ એવા જ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.
વધુમાં ગોદરેજ ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.(જીસીપીએલ)એ જૂન અંતના ત્રિમાસિકગાળામાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો હતો અને વર્તમાન ત્રિમાસિકગાળામાં પણ ભાવવધારો લાગુ કરી શકે છે. જોકે, ઈનપૂટ ખર્ચનાં વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ભાવવધારો અટકાવવામાં આવ્યો છે. કંપનીએ ક્રૂડતેલના ભાવમાં અસ્થિરતાને કારણે મોટો ભાવવધારો કરવાનું ટાળ્યું હોવાનું કંપનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર એમ સુધીર સીતાપતિએ અર્નિંગ કોલનાં સર્વેક્ષણના પ્રતિસાદમાં જણાવ્યું હતું.
ત્રિમાસિકગાળાના અંતે કોઈ વધુ ભાવવધારો કર્યો છે કે કેમ એવાં પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે અમે કોઈ વધુ ભાવવધારો નથી કર્યો, પણ બીજા ત્રિમાસિકગાળામાં આ જ પ્રકારનો ભાવવધારો જોવા મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણાં ઈનપૂટ ખર્ચ ક્રૂડતેલના ભાવ સાથે સંકળાયેલા છે અને સામાન્ય રીતે ત્રણથી ચાર અઠવાડિયાનાં વિલંબ સાથે ક્રૂડતેલના ભાવમાં ફેરફાર આવ્યા છે અને હાલ બે્રન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 80થી 85 ડૉલર આસપાસની સપાટીએ છે. તે જોતા હાલની કિંમત વ્યાપકપણે પર્યાપ્ત છે અને નોંધપાત્ર ભાવવૃદ્ધિની આવશ્યકતા નથી જણાતી.અમારી મૂળ અપેક્ષાઓ કરતાં આવક વૃદ્ધિ સારી વધી રહી છે અને ઈનપૂટ ખર્ચ હળવો થવા લાગ્યો હોવાથી અમે શેષ નાણાકીય વર્ષ 2027માં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
ડાબર ઈન્ડિયાએ નજીકના સમયગાળામાં ઈનપૂટ ખર્ચમાં થનારા વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા ઉત્પાદકતા અને ખર્ચની કાર્યક્ષમતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને માર્જિનની સલામતી જાળવી રાખવામાં આવશે. ખાસ કરીને કંપનીની મજબૂત બ્રાન્ડ્સ, પાઈપલાઈનમાં રહેલી નાવિન્યતા અને શિસ્તબદ્ધ અમલીકરણને ટેકે નાણાકીય વર્ષ 2027માં આવક વૃદ્ધિ દર દ્વિઅંકી સંખ્યા સુધી પહોંચાડવાનો અમે વિશ્વાસ ધરાવીએ છીએ.ડાબર ઈન્ડિયાના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસિર મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ મુખ્યત્વે ફુગાવાને કારણે આવક અને ભાવ મારફતે થશે જે અમારે ભાવવધારો ગ્રાહકો પર પસાર કરવો પડશે. આમ ભાવ વૃદ્ધિ અને મૂલ્ય વૃદ્ધિ વૉલ્યૂમ વૃદ્ધિ કરતાં વધુ મહત્ત્વની બની છે. એકંદરે ફુગાવો વધુ હોવાથી વૉલ્યૂમ દબાણ હેઠળ રહેશે, એમ તેમણે અર્નિંગ કૉલ અંગેનાં પશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
વધુમાં એફએમસીજી ક્ષેત્રની અગ્રણી હિન્દુસ્તાન યુનીલિવરે પણ ફુગાવાને ધ્યાનમાં લેતા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ઉત્પાદનોની વિવિધ કેટેગરીમાં ભાવ વધારાની શક્યતા વ્યક્ત કરી હતી. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયરે જણાવ્યું હતું કે કંપનીએ પહેલા ત્રિમાસિકગાળામાં ભાવમાં બેથી પાંચ ટકાનો વધારો કર્યો હતો અને વર્તમાન ત્રિમાસિકગાળામાં પણ ફુગાવામાં બેથી પાંચ ટકા જેટલી વૃદ્ધિની શક્યતાને ધ્યાનમાં લેતા ફુગાવાના વધારા મુજબ પહેલા ત્રિમાસિકગાળાની જેમ ભાવ વધી શકે છે.
તે જ પ્રમાણે ટાટા ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર સુનીલ ડિસોઝાએ પણ માર્જિન પરનાં ફુગાવાલક્ષી દબાણને ધ્યાનમાં લેતાં જો જરૂર પડે તો આગામી સમયગાળામાં ભાવમાં હસ્તક્ષેપ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં નેસ્લે ઈન્ડિયાએ પણ ભૂરાજકીય તણાવની ચિંતા વ્યક્ત કરવાની સાથે ફુગાવાલક્ષી દબાણ વધ્યું હોવાથી એકંદરે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વપરાશી માગ મંદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાના વિવાદ અને અલ નિનોની ચોમાસા પરની અસર આ ક્ષેત્રની વૃદ્ધિ પર જોવા મળશે.