Tue Aug 18 2026

Logo

પુણે-સતારા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: 4 લોકોના મોત, 2 ગંભીર

2026-08-11 15:15:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ/સાતારા: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પુણે-સતારા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હતા, જયારે અન્ય બે વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

હાઇવે પર શિરવલ પાસે  પુરપાટ ઝડપે આવી રહેલી નેકસોન કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઓળંગીને સામે આવી રહેલા આઇસર ટ્રક સામે ધડાકાભેર અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.

મળતી વિગતો અનુસાર આ કાર સતારા તરફ જઈ રહી હતી ત્યારે શિરવલમાં આ દુર્ઘટના આજે બપોરે 1.15 વાગ્યે બની હતી. મૃતકોની ઓળખાણ વેદાંત વારિંગે, સોનલિંગ ઠાકુર, આદિત્ય ગરુડ અને નિખિલ રાઉત તરીકે કરવામાં આવી હતી. મૃતકો માવલ અને તળેગાંવ દાભાડે વિસ્તારના રહેવાસીઓ હતા. દુર્ઘટનામાં ગંભીરરૂપે ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ દુર્ઘટના બાદ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. દુર્ઘટના બાદ હાઇ-વે પર કલાકો સુધી લોકોને ભારે ટ્રાફિકના લીધે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાસ્થળ પર મૃતકોની ઓળખ કરી તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.