મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના મૉલમાં પ્રાઈમ મિનિસ્ટર ઑફિસ (પીએમઓ)ના નકલી આઈ કાર્ડ અને રિવોલ્વર સાથે કથિત રીતે પ્રવેશ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા ખારના ગુજરાતી સહિત બન્ને આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ડી. એસ. ખેડેકરે મુખ્ય આરોપી રોહન પરીખ (24) અને તેના સાથી દિલીપ કુંદે (49)ને પ્રત્યેકી 50 હજાર રૂપિયાના કૅશ બૉન્ડ પર જામીન આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ બીકેસીના જિયો વર્લ્ડ પ્લાઝામાં સાતમી સપ્ટેમ્બરે બન્ને આરોપી તેમના વરલીમાં રહેતા મિત્ર સાથે ગયા હતા. કુંદે પાસે રિવોલ્વર હોવાની જાણ થતાં મૉલના સિક્યોરિટી ગાર્ડે ત્રણેયને રોક્યા હતા. તે સમયે સિક્યોરિટી ગાર્ડ સાથે વિવાદ કર્યા પછી એક આરોપીએ તેમની પાસેનું આઈ કાર્ડ બતાવ્યું હતું, જે વડા પ્રધાન કાર્યાલયના અધિકારી હોવાનો દાવો કરતું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૉલ નજીકના નીતા મૂકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવા આવવાના હતા તેના એક દિવસ અગાઉ આ ઘટના બનતાં પોલીસ સતર્ક થઈ ગઈ હતી. આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની શોધ હાથ ધરી હતી. પરીખને ખારમાંથી તાબામાં લેતાં તેની પાસેથી પીએમઓનું નકલી આઈ કાર્ડ મળી આવ્યું હતું. તેણે આપેલી માહિતી પરથી કુંદેને નાશિક ગ્રામીણથી તાબામાં લેવાયો હતો. તેની પાસેથી રિવોલ્વર મળી આવી હતી, જેનું લાઈસન્સ પણ તેની પાસે હતું. (પીટીઆઈ)