Tue Aug 18 2026

Logo

પત્નીની કમાણીની ક્રેડિટ બધાની, તો પતિની કેમ નહીં?

2026-07-30 11:59:00
Author: Kaushik Mehta
Article Image

કૌશિક મહેતા

ડિયર હની,
જ્યારે સ્ત્રી સફળ થાય છે ત્યારે તેની સફળતા પાછળ તેના પતિ કે પરિવારનું સમર્થન કેટલું છે તે અચૂક પૂછવામાં આવે છે, પરંતુ પુરુષ સફળ થાય છે ત્યારે ભાગ્યે જ કોઈ તેની પત્ની કે પરિવારને એ સવાલ પૂછે છે કે `તમારી કઈ સપોર્ટ સિસ્ટમ કે બલિદાનને કારણે તમારા પતિ આ મુકામે પહોંચ્યા?' 

આ પ્રશ્ન  સમાજના દરેક વર્ગ અને પરિવારમાં પુછાવો જોઈએ. સમસ્યા એ છે કે સમાજ હજુ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે એક સ્ત્રી પોતાની સ્વતંત્ર બુદ્ધિ, મહેનત અને ક્ષમતાથી આગળ વધી શકે છે. પરંપરાગત રીતે સ્ત્રીને ઘર અને પરિવારની ધરી માનવામાં આવે છે, તેથી તેની સફળતામાં પણ પુરુષ (પિતા કે પતિ)ની હાજરી કે મંજૂરી શોધવામાં આવે છે.

હવે આ બીજું દૃશ્ય જુઓ કે જ્યારે કોઈ પુરુષ સફળ થાય છે ત્યારે સમાજ માની લે છે કે આ તેની પોતાની અંગત મેઘાવી શક્તિ અને સંઘર્ષનું પરિણામ છે. આ પાછળ પત્નીએ ઘર સંભાળ્યું હોય, બાળકો ઉછેર્યા હોય કે માનસિક ટેકો આપ્યો હોય, તેને હંમેશાં `ફરજ' તરીકે જોઈને નજરઅંદાજ કરવામાં આવે છે. 

કહેવાય તો છે કે `દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે,' પરંતુ આ વાક્ય માત્ર કાગળ પર કે ફિલ્મોમાં જ સારું લાગે છે. વાસ્તવિક જીવનમાં એ સ્ત્રીનો અદૃશ્ય શ્રમ ક્યારેય ગણાતો નથી. પતિ મોટો બિઝનેસમૅન કે અધિકારી બને ત્યારે પત્નીએ ઘરની ચિંતાઓમાંથી તેને મુક્ત રાખ્યો હોય છે છતાં ક્રેડિટ માત્ર પતિને જ મળે છે.

આ સવાલ એ વાતની યાદ અપાવે છે કે આપણે ભલે આધુનિક યુગમાં જીવતા હોઈએ, પરંતુ સફળતા અને ક્રેડિટ વહેંચવાની બાબતમાં આપણી સામાજિક દૃષ્ટિ હજુ પણ અસંતુલિત છે.

કેટલાંક ઉદાહરણો જોઈ જવા જેવાં છે. પૂજા ચેતેશ્વર પુજારાનું પુસ્તક `ધી ડાયરી ઑફ એ ક્રિકેટર્સ વાઇફ' વાંચજો. એક ક્રિકેટર જ્યારે મેદાન પર સફળતાનાં શિખરો સર કરતો હોય છે ત્યારે તેની પત્ની ઘર, બાળકો, એકલતા અને સતત પ્રવાસના તણાવને કેવી રીતે મૂગા મોઢે સહન કરે છે તે વાસ્તવિકતા બહુ ઓછી ચર્ચાય છે. સફળતા ક્રિકેટરની ગણાય છે, પણ એની પાછળ પત્નીની જે માનસિક મજબૂતી હોય છે તે ભાગ્યે જ કોઈ જુએ છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને મિલેવા મેરિક જાણીતાં નામ છે. આખી દુનિયા આઇન્સ્ટાઈનને સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે પૂજે છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમની પ્રથમ પત્ની મિલેવા મેરિક એક અત્યંત તેજસ્વી ભૌતિકશાસ્ત્રી હતાં. આઇન્સ્ટાઇનનાં શરૂઆતનાં ઘણાં સંશોધનો અને ગણિતની જટિલ ગણતરીઓમાં મિલેવાનો સિંહફાળો હતો છતાં ઘર અને બાળકોની જવાબદારીમાં મિલેવાનું કરિયર રોળાઈ ગયું અને ઇતિહાસે બધી જ ક્રેડિટ માત્ર આઇન્સ્ટાઇનને આપી. આજે કોઈ આઇન્સ્ટાઇનને નથી પૂછતું કે તેમની થિયરી પાછળ તેમની પત્નીનું કેટલું બલિદાન હતું.

મહાત્મા ગાંધીની વાત  તો આપણે જાણીએ જ છીએ. આપણે `રાષ્ટ્રપિતા' કહીએ છીએ, પણ તેમના `મહાત્મા' બનવાની સફરમાં કસ્તુરબાનો ફાળો ક્યારેય એટલા જ વજનથી નથી મૂલવાયો. ગાંધીજીના આશ્રમો ચલાવવા, તેમના કઠિન નિયમોને અપનાવવા, જેલવાસ ભોગવવો અને પરિવારને સાચવવો-આ બધું કસ્તુરબાએ કર્યું. સમાજે તેને પત્નીની ફરજ માની લીધી, પણ જો કસ્તુરબાએ એ મજબૂત ટેકો ન આપ્યો હોત, તો કદાચ ગાંધીજી માટે આટલાં મોટાં આંદોલનો કરવાં શક્ય ન હોત.

આજના દાખલો જોઈએ. કૉર્પોરેટ જગતનું આ મોટું ઉદાહરણ છે. જેફ બેઝોસે જ્યારે એમેઝોન શરૂ કર્યું ત્યારે તેમની પત્ની મેકેન્ઝી સ્કોટે જ કંપનીનું શરૂઆતનું અકાઉન્ટિંગ સંભાળ્યું હતું અને કંપનીનાં પાયાનાં કામ કર્ર્યાં હતાં, પરંતુ વર્ષો સુધી દુનિયા જેફ બેઝોસને `સેલ્ફ-મેડ બિલિયોનેર' માનતી રહી. મેકેન્ઝી માત્ર `અબજોપતિની પત્ની' તરીકે જ ઓળખાતી રહી, જ્યાં સુધી છૂટાછેડા પછી તેમની પોતાની દાનવીર તરીકેની સ્વતંત્ર ઓળખ ઊભી થઈ. 

વળી જો કોઈ સ્ત્રી કરિયરમાં ખૂબ આગળ વધી જાય અને જો તેના પારિવારિક જીવનમાં કોઈ અસંતુલન ઊભું થાય તો સમાજ તુરંત જ તેની સફળતાને જવાબદાર ઠેરવવા લાગે છે. એવું ચિત્ર ઊભું કરવામાં આવે છે કે વધુ પડતી હોશિયારી કે સફળતા સ્ત્રીના પારિવારિક જીવનને બગાડી નાખે છે. એમાંય પતિ કરતાં પત્ની  વધુ કમાય કે વધુ લોકપ્રિય બને ત્યારે હજુ પણ અહમ ટકરાવના કિસ્સાઓ જોવા મળે છે.

આ બધા વચ્ચે કેટલાક પ્રેરણાદાયી કિસ્સા પણ છે. જ્યારે નારાયણ મૂર્તિએ `ઇન્ફોસિસ'ની શરૂઆત કરવાનું નક્કી કર્યું ત્યારે તેમની પાસે મૂડી નહોતી. ત્યારે પત્ની સુધા મૂર્તિએ પોતાની બચતના 10,000 રૂપિયા આપીને પતિને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, સુધાજી પોતે એક તેજસ્વી એન્જિનિયર અને લેખિકા છે. નારાયણ મૂર્તિ હંમેશાં જાહેરમાં સ્વીકારે છે કે સુધાના ટેકા અને તેની પોતાની સ્વતંત્ર કારકિર્દી વગર  `ઇન્ફોસિસ'નું સર્જન શક્ય નહોતું.

મેરી કોમ અને ઓન્લર કોમનો દાખલો તો સૌથી જાણીતો છે. વિશ્વમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન અને ઑલમ્પિક મેડલ વિજેતા બૉક્સર મેરી કોમ જ્યારે લગ્ન અને બાળકો પછી પણ રમતગમતમાં પરત ફર્યાં, ત્યારે તેમના પતિ ઓન્લર કોમે ઘર અને બાળકોની જવાબદારી પોતાના માથે લઈ લીધી. મેરી કોમ હંમેશાં ગર્વથી કહે છે કે જો ઓન્લરનો સાથ ન હોત, તો તે ક્યારેય દેશ માટે મેડલ ન જીતી શકી હોત.

આવા કિસ્સાઓ સાબિત કરે છે કે જ્યારે પુરુષ પોતાની પરંપરાગત માનસિકતામાંથી બહાર આવીને પત્નીની ક્ષમતાને પૂરા સન્માન સાથે સ્વીકારે છે ત્યારે સફળતા માત્ર વ્યક્તિગત નથી રહેતી, પણ સમાન ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની જાય છે. તું પણ આ વાતમાં જરૂર સહમત થશે જ.
તારો બન્ની