ઍટલાન્ટા/સૅન ફ્રાન્સિસ્કો: ફિફા વર્લ્ડ કપમાં બુધવારે ઇંગ્લૅન્ડને કેપ્ટન હૅરી કેન (Harry Kane)એ છેલ્લી 15 મિનિટમાં ઉપરાઉપરી બે ગોલ કરીને ડીઆર કૉન્ગો સામે 2-1થી રોમાંચક અને યાદગાર વિજય અપાવ્યો હતો. ત્યાર બાદ ગુરુવારે બેલ્જિયમે છેલ્લી મિનિટોના લાગલગાટ બે ગોલની મદદથી સેનેગલને હરાવ્યું હતું અને ત્રીજું યજમાન અમેરિકા એની નૉકઆઉટ મૅચમાં બોસ્નીયાને 2-0થી હરાવીને આસાનીથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું.
ઇંગ્લેન્ડ (England) સામેની નૉકઆઉટ મૅચ શરૂ થઈ ત્યાં સાતમી જ મિનિટમાં સિપેંગાએ ડીઆર કૉન્ગોને પહેલો ગોલ અપાવી દીધો હતો. ત્યાર બાદ કૉન્ગોના ડિફેન્ડરોએ ઇંગ્લૅન્ડના ખેલાડીઓને સતત અંકુશમાં રાખ્યા હતા. કોન્ગોની મજબૂત સંરક્ષણ દીવાલને લીધે ઇંગ્લૅન્ડને સેકન્ડ હાફમાં પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. કોન્ગો આ મૅચ 1-0થી જીતીને અપસેટ કરવાની તૈયારીમાં જ હતું ત્યાં 75મી મિનિટમાં ઇંગ્લૅન્ડને કેપ્ટન હૅરી કેને ગોલ અપાવીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. હૅરી કેને એક વાર કૉન્ગોનું ડિફેન્સ તોડ્યું એટલે ગોલપોસ્ટ સુધીનો માર્ગ તેના માટે જાણે મોકળો થઈ ગયો હતો.

હૅરી કેનના ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ગોલ
હૅરી કેને 11 મિનિટ પછી (86મી મિનિટમાં) વધુ એક ગોલ કર્યો હતો જે મૅચ-વિનિંગ સાબિત થયો હતો. ઇંગ્લૅન્ડ 2-1થી જીતી ગયા બાદ હવે પ્રી-કવૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ કપના સહ યજમાન મેક્સિકો સામે રમશે. આ વખતના વર્લ્ડ કપમાં હૅરી કેનના કુલ પાંચ ગોલ થયા છે. નોર્વેના હાલૅન્ડના નામે પણ પાંચ ગોલ છે. આ બંને ખેલાડી સૌથી વધુ 6-6 ગોલ કરનાર મેસી અને ઍમ્બપ્પેની ખૂબ નજીક આવી ગયા છે.
બેલ્જિયમ (Belgium) અને સેનેગલની મૅચ વધુ રોમાંચક અને વિવાદાસ્પદ રહી હતી. સેનેગલને હબીબ ડિઆરાએ અને ઈસ્માઈલ સારે અનુક્રમે 24મી અને 51મી મિનિટમાં ગોલ અપાવીને 2-0થી સરસાઈ અપાવી હતી. ત્યાં સુધી રોમેલુ લુકાકુ જેવા વિશ્વવિખ્યાત ખેલાડી સહિતની બેલ્જિયમની ટીમ પાસે કોઈ જવાબ નહોતો.
જોકે સેનેગલ 2-0થી જીતવાની તૈયારીમાં જ હતું ત્યાં 86મી મિનિટમાં લુકાકુએ ગોલ કરીને મૅચનો સિનારિયો બદલી નાખ્યો હતો અને બેલ્જિયમ માટે
મૅચ જીવંત કરી મૂકી હતી. ફક્ત ત્રણ મિનિટ પછી કેપ્ટન ટીલમાન્સે ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરીમાં લાવી દીધો હતો. હવે આ તબક્કે મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં જવાની સંભાવના પાક્કી હતી. જોકે હરીફ ખેલાડીઓને પુશ કરવાના અને નીચે પાડવાના વારંવાર બનાવો બનતાં મૅચ ખૂબ લંબાઇ હતી અને મુખ્ય મૅચની 90 મિનિટ બાદ ઇન્જરી ટાઈમમાં છેલ્લી ક્ષણે (કુલ 125મી મિનિટમાં) પેનલ્ટી એરિયામાં સેનેગલના ખેલાડીના ગંભીર ફાઉલને પગલે બેલ્જિયમને પેનલ્ટી કિક મળી હતી જેમાં કેપ્ટન ટીલમાન્સે આસાનીથી ગોલ કર્યો હતો અને મુખ્ય મૅચનો બેલ્જિયમના 3-2ના વિજય સાથે અંત આવ્યો હતો.
અમેરિકા પણ પ્રી-ક્વૉર્ટરમાં:
23મા વર્લ્ડ કપનું મુખ્ય યજમાન અમેરિકા ગુરુવારે બોસ્નીયા ઍન્ડ હરઝેગોવિનાને 2-0થી હરાવીને પ્રી-કવૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું જેમાં એનો મુકાબલો સોમવારે બેલ્જિયમ સામે થશે. બોસ્નીયા સામે પહેલો ગોલ બલોગને 45મી મિનિટમાં અને બીજો ગોલ ટિલમૅને 82મી મિનિટમાં કર્યો હતો. બલોગને 45મી મિનિટમાં જે ગોલ કર્યો હતો ત્યાર પછી સેકન્ડ હાફમાં તેને એક ફાઉલ બદલ રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. જોકે ટીલમેનના ગોલથી અમેરિકા છેવટે જીતી ગયું હતું.