મુંબઈ: બોલીવુડમાં વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. 'ધ સાબરમતી રિપોર્ટ' ની ભવ્ય સફળતા અને ચર્ચાઓ બાદ હવે ફિલ્મ બનાવનાર એકતા કપૂર વધુ એક સનસનાટીભર્યા વિષય સાથે મોટા પરદે ફરી આવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આગામી ફિલ્મ 'ધ ટેરર રિપોર્ટ' (The Terror Report) ની જાહેરાત કરી છે. આ ફિલ્મ અગાઉની ફિલ્મની સિક્વલ હોવાનું મનાઈ રહ્યું છે, જે ફરી એકવાર ઇતિહાસના વણસ્પર્શ્યા પાનાઓને દુનિયા સમક્ષ લાવશે.
એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ટીઝર વીડિયોની શરૂઆત 'ધ સાબરમતી રિપોર્ટ' ના કેટલાક મહત્વના દ્રશ્યોથી થાય છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિનેમાઘરમાં ફિલ્મ નિહાળતા જોવા મળે છે, સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ નજરે પડે છે, જેમણે અગાઉની ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી હતી. ટીઝરમાં એક શક્તિશાળી વાક્ય પણ લખવામાં આવ્યું છે કે, "એક રિપોર્ટે દેશને હેરાન કર્યો હતો, હવે પછીનો રિપોર્ટ આખી દુનિયાને હચમચાવી દેશે."
આ ફિલ્મનો મુખ્ય વિષય પાક અધિકૃત કાશ્મીર (POK) અને ત્યાં વર્ષ 1998 થી 2025 સુધી ચાલેલા આતંકવાદના મુદ્દા પર આધારિત હશે. ટીઝર મુજબ, આ ફિલ્મમાં માસૂમોના બલિદાન અને ભારતીય સેનાના પરાક્રમની વાત હશે. એકતા કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, "POK થી લઈને ઓપરેશન સિંદૂર સુધી, સત્ય તમારી કલ્પના કરતા ઘણું મોટું છે." આ ફિલ્મ દ્વારા કાશ્મીર ખીણમાં આતંકવાદના મૂળ અને તેની સામેના સંઘર્ષને બેબાક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
'ધ ટેરર રિપોર્ટ' નું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન કરી રહ્યા છે, જેઓ પોતાની અદભૂત સ્ટોરીટેલિંગ માટે જાણીતા છે. આ ફિલ્મના નિર્માણમાં એકતા કપૂર અને શોભા કપૂરની સાથે તનુજ ગર્ગ અને અતુલ કસબેકર પણ જોડાયેલા છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે આ વિષયને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે, તે જોતા આ ફિલ્મ વર્ષ 2026 ની સૌથી મોટી ફિલ્મોમાં સ્થાન મેળવી શકે છે.