Mon Aug 31 2026

Logo

આઇન્સ્ટાઈનની આંખ પણ મહાન હતી...!

2026-08-30 09:20:00
Author: Vinod Bhatt
આઇન્સ્ટાઈનની આંખ પણ મહાન હતી...!

 

 

 

વિનોદ ભટ્ટ

 

આલ્બર્ટ આઇન્સ્ટાઈન જર્મનીમાં જન્મ્યા હતા, અમેરિકામાં સ્થાયી થયા હતા અને તેમની અનેક પ્રેમિકાઓમાંની એક રશિયન હતી અને 1921માં નૉબેલ-પ્રાઈઝ મેળવવાને કારણે તે આખાય વિશ્ર્વમાં વિસ્તરી ગયા. જે માણસ મહાન બને છે તેનું પછી બધું જ મહાન બની જાય છે. 1945-46માં તેમણે એક રશિયન મહિલા જાસૂસ માર્ગારિટા કોતેત્કોવોને કેટલાક પ્રેમપત્રો લખ્યા હતા, જે તાજેતરમાં હરાજી દ્વારા લાખો ડૉલરમાં વેચાયા. દિવાળી નજીક આવતાં ઘરની સાફસૂફી કરતાં પત્નીના હાથમાં અમારા લખેલ કેટલાક પત્રો આવ્યા. જે દિવસોમાં તે અમારી પત્ની બની નહોતી, તે પત્ની થશે એની અમારા બેમાંથી કોઈને કલ્પનાય નહોતી ત્યારે અમે તેને થોડાક લાગણીસભર સ્નેહપત્રો લખ્યા હતા. હશે, બાર-પંદર પત્રોનો એ થોકડો બતાવતાં તેણે અમને માહિતી આપતાં જણાવ્યું કે આનો હવે કોઈ ખપ નથી એટલે કાઢી નાખું છે. તેણે કાઢી પણ નાખ્યા. ન કાઢયા હોત તો પણ કશો ફરક ન પડત, કારણ એ કે કોઈના હાથમાં એ પત્રો આવી જાય તો વંચાવવા તો અમારી પાસે જ તેને આવવું પડે એટલા ખરાબ અમારા અક્ષરો છે.

ગાંધીજીની સાથે સત્ય, અહિંસા કે બ્રહ્મચર્ય-આ ત્રણેય વાનાંમાંથી એકેયમાં સ્પર્ધા કરી શકીએ તેમ નથી, પણ ખરાબ અક્ષરોની બાબતમાં નમ્ર થયા વગર કહીએ તો ગાંધીબાપુ કરતાં અમે ઘણા આગળ છીએ. બાપુના અક્ષરો ખરાબ હતા, પણ એટલા બધા ખરાબ નહોતા કે કોઈ ઉકેલી જ ના શકે. પણ અમારા અક્ષરો બાબત કહીએ તો એક વાર લખ્યા પછી એ અક્ષરો ઉકેલવાનું અમારા માટેય ક્યારેક કઠિન થઈ પડે છે.

એકવાર અમે ઝડપથી લખવા બેઠા હતા ત્યારે અમારે ત્યાં મિસ્ત્રીકામ કરતા ભાઈએ અક્ષરો જોઈને અમને પૂછ્યું હતું: ‘કાકા, તમે શૉર્ટહેન્ડમાં લખો છો?’ અને અમારા હિન્દી વ્યંગકારમિત્ર રવીન્દ્રનાથ ત્યાગીએ અમને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે કૃપા કરી તમે ટાઈપ કરેલ પત્ર મોકલશો, તમારા અક્ષરો ઉકેલવાનું મારું ગજું નથી. અમારો એક નિયમ છે કે મહાન માણસો વિશે લખતી વેળાએ ભેગાભેગી આપણીય થોડી વાતો કરવી. મોટા લોકો વિશે વાંચતાં વાચક આપણા વિશે થોડું જાણે તો એમાં તેને ખાસ કશું નુકસાન થવાનું નથી.

 

આ આઇન્સ્ટાઈનની આંખો પણ મહાન હોવાથી કેટલાંક વર્ષો અગાઉ તેની હરાજી કરવામાં આવી હતી, જેના પચાસ લાખ ડૉલર પ્રાપ્ત થયા. આપણે ત્યાં કેટલીક વ્યક્તિઓનાં બેસણાંની જાહેરખબરમાં ‘ચક્ષુદાતા’ એવું કૌંસમાં છાપવામાં આવે છે. આવા લોકોએ દાનમાં આપેલ આંખો વડે ત્યાર પછી કોઈ અંધજન દેશમાં પ્રવર્તતી પારાવાર ગરીબી અને ભ્રષ્ટાચારને નજીકથી બરાબર નિહાળી શકે છે... લગભગ 45 વર્ષ અગાઉ 1955માં ગુજરી ગયેલ આ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનની આંખો ડૉક્ટર હૅરી અબ્રાહમે સેરવી લઈને બૅંકના એક વૉલ્ટમાં મૂકી દીધી હતી.

અલબત્ત, એ વખતે ડૉક્ટર હૅરીને ખબર નહીં હોય કે તે બૅંકમાં પચાસ લાખ ડૉલરની ડિપોઝિટ જમા કરાવી રહ્યો છે. આઇન્સ્ટાઈનની આંખો કાઢી લેવાનું કારણ આપતાં એ વખતે ડૉ. અબ્રાહમે જણાવ્યું હતું કે તેને એ આંખોમાં વિશ્ર્વનાં સૌંદર્ય અને ગૂઢ રહસ્યોનાં દર્શન થયાં હતાં. એ નેત્રો ઘેરાં હોવા છતાં પારદર્શક હતાં.

 

આપણી પ્રજાનું જનરલ નૉલેજ કહેતાં સામાન્ય જ્ઞાન કેટલું નબળું છે, એની ખબર ‘કૌન બનેગા કરોડપતિ’ જોનારને થઈ રહ્યું છે. જોકે આમ પણ સામાન્ય જ્ઞાન અસામાન્ય જ હોય છે એટલે આટલું વાંચ્યા પછી કોઈ એવું પૂછી બેસે કે આ આઇન્સ્ટાઈન શું પદાર્થ છે એટલે એમનો થોડો પરિચય. આગળ જણાવ્યું છે એ પ્રમાણે 1879માં તે જર્મનીમાં જન્મેલા. એ વખતે હિટલરનું સામ્રાજ્ય હતું. બન્ને એકબીજાના સમકાલીન હોવા છતાં એકબીજાને નડ્યા નહોતા. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો ત્યાર પછી જ પડી જનારાઓ જાણી શક્યા કે આપણા પડવા પાછળ બીજું કોઈ નહીં, પણ સૂક્ષ્મ રીતે ન્યૂટન જ છે. ન્યૂટનના એકલાના માથે આ દોષ નાખવો ન હોય તો બાગમાં બેઠેલા તેના માથે પડેલા સફરજનનેય આમાં સામેલ કરી શકાય. આ સફરજન તો આમ પણ ફ્રૂટ ઑફ નૉલેજ (જ્ઞાનનો ફળ) લેખે પહેલેથી જ વગોવાઈ ચૂક્યું છે. 

 

ન્યૂટને જે રીતે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો એ રીતે આઇન્સ્ટાઈને થિયરી ઑફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. પણ ન્યૂટન કરતાં આઇન્સ્ટાઈન વધારે નસીબદાર તે તેમને આ શોધ માટે નૉબેલ-પ્રાઈઝ મળ્યું, જો કે આની પાછળનું કારણ જરા જુદું છે. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટન વડે શોધાયો ત્યાર બાદ ઘણાં વર્ષે નૉબેલ-પ્રાઈઝ શોધાયેલું.

 

મહાન ભેજાબાજ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન માટે કહેવાય છે કે જીવનભર પોતાના મગજનો તેમણે ઉપયોગ કરેલો તે મગજનો માત્ર અઢી ટકા જેટલો જ હતો, બાકીના સાડા સત્તાણું ટકા મગજ વણવપરાયેલું રહ્યું હતું. નાનપણમાં તે મગજનો સહેજ પણ ઉપયોગ નહોતા કરતા એવું તેમના શિક્ષકોએ પણ જાહેર કરેલું છે, તે બોલતાં પણ ઘણી મોટી ઉંમરે શીખ્યા હોવાનું નોંધાયું છે.

મા-બાપની એ ખાસિયત હોય છે કે જ્યારે બાળક બોલતું ન હોય ત્યારે કાલી કાલી ભાષામાં બોલીને તેની જીભ ખોલાવવા મથે છે અને પછી બાળક બોલતું થાય ત્યારે તેને ચૂપ કરવા પોતે મોટેથી ઘાંટાઘાંટ કરે છે. આ બાળ-આલ્બર્ટ સાંજે તેનાં મા-બાપ સાથે વાળુ કરતો હતો ત્યારે તેણે જોરથી ચીસ પાડી કે આ સૂપ તો ખૂબ જ ગરમ છે. આ સાંભળી મા-બાપે આનંદની ચિચિયારી પાડતાં તેને આશ્ર્ચર્યથી પૂછયું કે તો પછી આજ સુધી તું કેમ અક્ષરેય બોલતો નહોતો? ‘એટલા માટે કે સૂપ આટલો બધો ગરમ ક્યારેય નહોતો, બધું બરાબર હતું...’ આઇન્સ્ટાઈને ઉત્તર આપ્યો.

 

આઇન્સ્ટાઈને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શોધ્યો, ત્યારે આ ગૂઢ સિદ્ધાંતની આખાય જગતમાં માત્ર બે જ જણાને ખબર હતી. એક તો નો ડાઉટ આઇન્સ્ટાઈન અને ત્યાર બાદ ઈશ્ર્વર. પછી ઈશ્ર્વરે પણ તેમને કહી દીધું હશે કે તારી આ અટપટી થિયરી તું જ સંભાળ, મારે માથે તો બીજાં કરોડો કામ છે.

 

પણ સાચું પૂછો તો આઇન્સ્ટાઈને પોતાનું મહત્ત્વ વધારવા સાપેક્ષતાવાદના આ સિદ્ધાંતને ઘણો અઘરો બનાવી દીધો હતો. બાકી આમ તો તે અતિ સહેલો છે. અમારા ગિધુકાકાએ તે તદ્દન સરળ બનાવીને આ રીતે સમજાવ્યો છે. તમે રેલવે પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોતા ઊભા હો, ત્યાં માઈક પરથી એવી જાહેરાત કરવામાં આવે કે ટ્રેન બે કલાક મોડી છે.

તમે જે બાંકડા પાસે ઊભા છો એ બાંકડા પર એક દમિયલ વૃદ્ધ સતત ખાંસતો બેઠો છે. તેની પાસે પાંચ મિનિટ ઊભા રહેતાંય તમને જાણે પાંચ કલાક ઊભા હોય એવું લાગે છે. આ કમબખ્ત ટ્રેન જલદી આવી જાય તો સારું એવું તમે મનમાં બબડશો. પણ એ ખાંસતા દમિયલ વૃદ્ધને બદલે કોઈ અત્યંત સ્વરૂપવાન લલના તમારી નજીક ઊભી હોય, તિરછી નજરે તમને નીરખતી હોય ત્યારે તમને થશે કે ટ્રેન બેને બદલે ત્રણ કલાક મોડી આવે તો કેટલું સારું! બસ, આ જ છે થિયરી ઑફ રિલેટિવિટી યાને સાપેક્ષતાનો સિદ્ધાંત.

 

શક્ય છે કે આવું કોઈ દૃશ્ય જોઈને જ તેમને આ સાપેક્ષવાદનો સિદ્ધાંત સૂઝ્યો હશે. જો કે આ સિદ્ધાંતે આઇન્સ્ટાઈનની બન્ને પત્નીઓનું ઘણું લોહી (સ્ટ્રૉની મદદ વગર) પીધું હતું. તેમની પ્રથમ પત્ની મિલેવાને બધા પૂછ્યા કરતા કે મૅડમ, તમારા વરે શોધેલ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત તમે સમજો છો? ત્યારે આ ભોળી સ્ત્રી એક જ જવાબ આપતી કે ના, હું એ સિદ્ધાંતને સહેજ પણ સમજતી નથી, પરંતુ હું મારા વરને સમજી શકું છું અને એ પણ જાણું છું કે તે ભરોસાપાત્ર છે, તે જે કંઈ કહે તેના પર વિશ્ર્વાસ મૂકી શકાય.

 

માત્ર 17 વર્ષની કિશોર વયે તે તેમનાથી ચાર વર્ષ મોટી મિલેવા માટે ઝૂરતા. કહેતા કે આ જગતમાં તારા વગર ક્ષણભર પણ જીવવાની મારી ઇચ્છા નથી. તારે ખાતર હું વિશ્ર્વ ત્યજવા તૈયાર છું. (એક આદત લેખે, આવું તો તેમણે પોતાની રશિયન પ્રેયસીને પણ લખ્યું હતું. ઉમેર્યું હતું કે તને હું મરતે દમ તક ચાહ્યાં કરીશ.) કદાચ આના અનુસંધાને જ મિલેવા બોલી હશે કે તે જે કંઈ કહે તેના પર વિશ્ર્વાસ મૂકી શકાય અને આ સ્ત્રીને એક દિવસ વૈજ્ઞાનિકે કહી દીધું કે તારી સાથે હવે હું પળભર પણ રહી શકું તેમ નથી. (સાપેક્ષતાવાદનો સિદ્ધાંત!) મને છોડવાનું તું શું લઈશ? જો તું મને છોડી દે તો હું નૉબેલ-પ્રાઈઝની આખેઆખી રકમ તને આપી દઈશ.

 

મિલેવાને પરણ્યા બાદ આઇન્સ્ટાઈન તેમની જ પિતરાઈ બહેન એલ્સાના પ્રેમમાં પડ્યા હતા ને તેને પરણવા ઈચ્છતા હતા. આ કારણે મિલેવા સાથે એટલી ક્રૂરતાથી વર્તતા કે આ સ્ત્રી માનસિક રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી, જેમાંથી તે ક્યારેય બહાર આવી શકી નહીં. આની ખરાબ અસર તેમના બે પુત્રો પર પડી. મોટા પુત્ર હાન્સ આલ્બર્ટે પંદર વરસની ઉંમરે જ ગૃહત્યાગ કર્યો હતો. નાનો પુત્ર તો આ બધું સહન કરી શકે તેમ જ નહોતો. તે તેની માતાની જેમ માનસિક બીમારીને લીધે સ્વિટ્ઝરલૅન્ડની મેન્ટલ હૉસ્પિટલમાં લાંબા સમય સુધી રહ્યો. એક જિનિયસનો પુત્ર માનસિક રીતે અત્યંત ગરીબ થઈ ગયો હતો!

 

આઇન્સ્ટાઈનની જોહુકમી જોતાં લાગે કે આટલો મહાન વૈજ્ઞાનિક પણ અતિ સામાન્ય માણસની જેમ જ વર્તે? જેના ગળાડૂબ પ્રેમમાં તે હતા એ પોતાની પિતરાઈ બહેનને એક પત્રમાં તેમણે લખ્યું હતું કે, મિલેવાને હું નોકરડીની માફક રાખું છું, મારો બેડરૂમ તેનાથી અલગ રાખ્યો છે. પત્ની મિલેવા સાથેના પ્રેમ-ધિક્કારની ચિકાર લાગણીઓથી ભરેલા તેમના પત્રોની પણ હરાજી થઈ હતી - આ પરથી કહી શકાય કે પત્રોમાં આઇન્સ્ટાઈનનો પ્રેમ હોય કે તિરસ્કાર, લોકો હોંશે હોંશે મોં માગ્યા દામ આપી ખરીદતાં.

1914માં પત્ની મિલેવા સામે આઇન્સ્ટાઈને શરતનામું મૂક્યું હતું કે જો તારે મારી સાથે, મારા ઘરમાં રહેવું હોય તો નીચે જણાવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે:

 

(1) મારાં કપડાંલત્તાં વ્યવસ્થિત રાખવાં પડશે.

 

(2) મારા ઓરડામાં દરરોજ નિયમિતપણે ત્રણ ટંક ભોજન મને પહોંચાડવાનું રહેશે.

 

(3) મારા અભ્યાસનો અને સૂવાનો ઓરડો સાફસૂથરો રાખવાનો છે.

 

(4) મારા ટેબલને મારા સિવાય કોઈએ અડકવાનું નથી.

 

(5) મારી સાથેના અંગત સંબંધો તારે કાપી નાખવા પડશે. હા, પણ સમાજમાં જરૂરી જણાય તો અને ત્યારે બહાર સાથે જઈશું - આવીશું, પણ એ વખતે મારા વર્તન પરથી કોઈને એવો વહેમ ન આવવો જોઈએ કે આપણી વચ્ચે પતિ-પત્નીના સંબંધો નથી. આવા પ્રસંગો સિવાય મારી પાસે બેસવાની મરજી તારે બતાવવાની નથી.

 

(6) મારી સાથે બહાર કે પ્રવાસમાં ફરવા જવા તારે જીદ કરવાની નથી.

 

(7) મારી પાસેથી કોઈ પણ પ્રકારની લાગણીની અપેક્ષા તારે રાખવાની નથી અને એ માટે મારી પાસે આવવાનું નથી.

 

(8) હું તને કંઈ પણ પૂછું એનો ઉત્તર તારે તરત જ વાળવાનો રહેશે, અને મારા અભ્યાસખંડ કે શયનખંડમાંથી તને બહાર ચાલ્યા જવાનું કહું એ જ ક્ષણે તારે કોઈ પણ જાતની દલીલ કે વિરોધ વગર ચૂપચાપ બહાર નીકળી જવાનું છે.

 

(9) વાણી યા વર્તન દ્વારા તારે મને બાળકો આગળ અપમાનિત કરવાનો નથી!

 

પછી પત્નીને કદાચ લાગ્યું હશે કે આ શરતો પાળવા કરતાં છૂટાછેડા લેવામાં વધારે સુખ મળશે એટલે મિલેવાએ આઇન્સ્ટાઈનને ડાયવૉર્સ આપી દીધા. જો કે આઇન્સ્ટાઈને પોતાનું વચન પાળ્યું હતું. ડાયવૉર્સનાં ત્રણ વરસ બાદ નૉબેલ પ્રાઈઝની જે રકમ મળી એ તેમણે મિલેવાને આપી દીધી. ઇનામનું ગૌરવ તેમણે રાખ્યું, પૈસા પત્નીને ધરી દીધા.

 

આઇન્સ્ટાઈનની શરતો વાંચતાં અમને કવિ નર્મદ યાદ આવી ગયો. નર્મદે પણ પોતાની પત્ની ડાહીગૌરીને સામે બેસાડીને તેની સામે ત્રણ શરતો મૂકી હતી. એ બન્ને વચ્ચે ઘર્ષણ થયા બાદ નર્મદે ડાહીગૌરીને કહ્યું હતું, વિકલ્પો સૂચવ્યા હતા, એમાંય આઇન્સ્ટાઈન જેવી જ દાદાગીરી હતી. ઉ.ત. (1) સ્વતંત્ર રહેવું, આપણા ઘરમાં નહીં. જુદા ભાડાના ઘરમાં કોટડીઓ રાખીને, મુંબઈ, સુરત કે ઇચ્છામાં આવે ત્યાં ને હાલમાં મારી સ્થિતિ સારી થાય ત્યાં સુધી હું મહિને પાંચ કે સાત રૂપિયા મોકલ્યા કરીશ. પછી વધારે. (2) કોઈના આશ્રયમાં રહેવું ને રૂ. 5 કે 7 મહિને મોકલ્યા કરીશ. (3) મારાં ખુંદ્યાં ખમવાં ને દુ:ખ પામતાં પણ મારી સાથે જ રહેવાનું છે.

 

આઇન્સ્ટાઈન અને નર્મદ બન્નેની શરતો વાંચતાં થાય કે પુરુષો શું બધે જ સરખા હશે? પણ મિલેવા કરતાં ડાહીગૌરીને એક વાતે સુખ હતું, મિલેવાને દલીલો કરવાની છૂટ નહોતી, ડાહીગૌરીને હતી. શક્ય છે મિલેવા કરતાં ડાહીગૌરી પાંચ-સાત ટકા વધારે માથાભારે હશે. આપણે તો બેમાંથી એકેયને જોઈ નથી, પણ નર્મદે જ્યારે ડાહીગૌરી પાસે શરતો મૂકી ત્યારે તેની સામે પત્નીએ કવિને દલીલો સાથે પ્રશ્નો પણ પૂછ્યા હતા. લંબાણને લીધે એ દલીલો અહીં મૂકી નથી. પણ એક વાત છે: આઇન્સ્ટાઈને પોતાની પહેલી સ્ત્રીને છૂટકો આપ્યા બાદ એલ્સા સાથે લગ્ન કર્યાં હતાં, જ્યારે નર્મદે તો ડાહીગૌરીની સાક્ષીએ, તેને છૂટાછેડા આપ્યા વગર નર્મદાગૌરી સાથે બીજાં લગ્ન કરેલાં.

 

પછી આઇન્સ્ટાઈનનાં લગ્નજીવનની બીજી ઈનિંગ્સ એલ્સા સાથે શરૂ થઈ. આઇન્સ્ટાઈનની થિયરી ઑફ રિલેટિવિટી તેમની પ્રથમ પત્ની મિલેવા નહોતી સમજી શકી, પણ તેનો દાવો એવો હતો કે તે આઇન્સ્ટાઈનને બરાબર સમજી શકી છે, પણ આ દાવામાં તે ધરાર ખોટી પડી. બીજી સ્ત્રી એલ્સાને કદાચ એવું લાગ્યું હશે કે પત્નીને સમજવા કરતાં તેનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત સમજવો વધારે સહેલો છે, પણ તેય ગોથું ખાઈ ગઈ. આ સિદ્ધાંત તેના પલ્લે ના પડ્યો. એકવાર તેણે મૂંઝાતા અવાજે પતિને ફરિયાદ કરી કે તમે મને તમારી આ થિયરી વિશે કંઈક તો કહો, થોડી માહિતી તો આપો. લોકો એના વિશે વાત કરતાં થાકતાં નથી. હું એ બધાંને એમ કહું કે આમાં મારી જરાય ચાંચ ડૂબતી નથી! તેમની સાથે વાત કરતી વખતે મને પોતાને હું બેવકૂફ લાગું છું, મને કંઈક તો સમજાવો! આ સાંભળી એકાદ મિનિટ માટે તે વિચારમાં પડી ગયા. પછી પત્નીને તેમણે સમજાવી દીધું કે લોકો તને આ અંગે પૂછે ત્યારે તારે તેમને જણાવી દેવાનું કે આ એક મોટું રહસ્ય હોવાથી તમને હું તે કહી શકું તેમ નથી. વાત પૂરી.

 

અત્યારની ખબર નથી, પણ આઇન્સ્ટાઈનના સમયમાં અમેરિકામાં માત્ર એક જ પ્રકારની સ્ત્રીઓ વસતી, આઇન્સ્ટાઈનની ભાર્યાઓ જેવી, જ્ઞાનની બાબતમાં નિર્દોષ. આવી એક નિર્દોષ યુવાન છોકરીએ એક ભોજન સમારંભમાં પાકટ વયે પહોંચેલા આઇન્સ્ટાઈનને પૂછયું હતું કે તમે કયા ધંધામાં પડ્યા છો? પોતાના ધોળા વાળ પર હાથ ફેરવી તે સરખા કરતાં આઇન્સ્ટાઈને જણાવ્યું: ‘હું ફિઝિક્સ (પદાર્થ વિજ્ઞાન)ના અભ્યાસમાં મારો બધો સમય ગાળું છું.’ આ સાંભળી એ છોકરીએ આશ્ર્ચર્યથી ચકિત થતાં તેમને પૂછયું કે શું તમે આ ઉંમરે ફિઝિક્સનો અભ્યાસ કરો છો? મેં તો ગયા વર્ષે જ ફિઝિક્સનો વિષય પતાવી દીધો. આઇન્સ્ટાઈન માટે આ પ્રસંગ રમૂજપ્રેરક હતો.

 

આપણા આ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન એક વાર ગ્રેટ કૉમેડિયન ચાર્લી ચૅપ્લિન સાથે રસ્તા પરથી વાહનમાં જતા હતા ત્યારે રસ્તા પર ઊભેલા લોકો બન્ને સામે હાથ હલાવી તેમનું અભિવાદન કરતાં હતાં. આ જોઈ ચાર્લી ચૅપ્લિને આઇન્સ્ટાઈન સામે જોઈ હળવાશથી કહ્યું હતું : ‘આમાંનો એક પણ માણસ તમને સમજતો નથી એટલે તમને ચાહે છે ને આમાંનો એકેએક માણસ મને સમજે છે માટે મને ચાહે છે.’

 

ચાર્લીની જેમ આઇન્સ્ટાઈનને પણ સ્ત્રીઓ ખૂબ ચાહતી. તે હૃદયશીલ હતા, અત્યંત કૂણું-ઋજુ હૃદય ધરાવતા હતા. સ્ત્રીને જોતાં, મળતાં જ આઇન્સ્ટાઈનનું હૃદય બરફની જેમ ઓગળી જતું. એટલે જ થાય છે કે પેલા ડૉક્ટર અબ્રાહમે આઇન્સ્ટાઈનની આંખોને બદલે તેમનું હૃદય કાઢી લઈ પછી તેની હરાજી કરી હોત તો આઇન્સ્ટાઈનની કોઈ પ્રેમિકાએ જ તે બેથી ત્રણ કરોડ ડૉલરમાં ખરીદી લીધું હોત. વચ્ચે એક વિદેશી સામયિકમાં આઇન્સ્ટાઈન વિશે યદ્વાતદ્વા છપાયું હતું. આ વૈજ્ઞાનિક પોતાની એક નહીં, પણ બબ્બે પત્નીઓને વફાદાર નહોતા. બન્નેને તેમણે છેતરી હતી. પેલી રિલેટિવિટીની થિયરીનો અર્થ કેટલીક સ્ત્રીઓએ રિલેશન કરેલો અને આ કારણે આઇન્સ્ટાઈને વનપ્રવેશ કર્યો ત્યાં સુધીમાં તો ઘણીબધી સ્ત્રીઓ સાથે તેમનું નામ જોડાઈ ગયું હતું.

 

અને આ બધી સ્ત્રીઓ સાથે રાસ રમતાં તેમને તેમની બીજી પત્ની એલ્સા લાચારીથી એક મૂક દર્શક બનીને જોઈ રહેતી - કહાન, તમે ક્યાં રમી આવ્યા રાસ રે! એવું પૂછવાની હિંમત પણ તે ખોઈ બેઠી હતી. તે સમસમી રહેતી - બસ, એટલી જ તેને છૂટ હતી. એટલે પછી આ સ્ત્રીએ ભોજ્યેષુ જ નહીં, દરેક ક્ષેત્રે માતાની જ ભૂમિકા ભજવી. તે એવું વિચારતી હશે કે જે પુરુષે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શોધ્યો હોય તે સ્વાભાવિકપણે સ્ત્રીઓમાં પણ કશુંક અગમ્ય શોધવા મથતો હશે. શક્ય છે કે આમાંથી કોઈ નવા સિદ્ધાંતનું પ્રતિપાદન પણ થાય. પુરુષના મનને કોણ કળી શક્યું છે.