Tue Jun 23 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં 92 વર્ષ પહેલાં ડેબ્યૂ, છેક હવે મળ્યો પ્રથમ વિજય: જાણો કયા દેશે આટલી રાહ જોવી પડી

vancouver   2026-06-22 12:25:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit: AP


વૅનકુવર (કૅનેડા): ઇઝરાયલ અને પેલિસ્ટીનની પાડોશમાં આવેલા તેમ જ આરબ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ઇજિપ્ત દેશે સોમવારે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો નવો ઇતિહાસ રચ્યો હતો. ઇજિપ્તે 1934માં (92 વર્ષ પહેલાં) ફિફા વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી એની કોઈ પણ ટીમ વર્લ્ડ કપમાં એક પણ મૅચ નહોતી જીતી શકી. જોકે સોમવારે ઇજિપ્તે વર્લ્ડ કપમાં પહેલી વખત વિજય માણ્યો હતો.

ઈજિપ્તે ન્યૂ ઝીલૅન્ડને 3-1થી હરાવીને ગ્રૂપ-જીમાં ચાર પોઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આ ગ્રૂપમાં ઈરાન અને બેલ્જિયમ બે-બે પોઇન્ટ સાથે અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે ન્યૂ ઝીલૅન્ડનો ચોથો ક્રમ છે. મૅચની ચોથી જ મિનિટમાં ન્યૂ ઝીલૅન્ડના સરમૅને ગોલ કરીને ન્યૂ ઝીલૅન્ડને 1-0થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ ફર્સ્ટ હાફમાં બીજો એક પણ ગોલ નહોતો થયો. જો કે સેકન્ડ હાફમાં ઇજિપ્ત (Egypt)એ જોરદાર કમબેક કરીને ત્રણ ગોલ કર્યા હતા. 58મી મિનિટમાં મોસ્તફા ઝિકોએ સ્કોર બરાબરીમાં લાવતો પ્રથમ ગોલ કર્યો હતો, જ્યારે 67મી મિનિટમાં મોહમ્મદ સાલાહ (Salah)એ ગોલ કરીને ઇજિપ્તને 2-1થી સરસાઈ અપાવી હતી. 82મી મિનિટમાં ટ્રિઝેગ્વેટે ગોલ કર્યો હતો અને ઇજિપ્તના ખેલાડીઓ 3-1ના વિજયી સ્કોર સાથે પાછા આવ્યા હતા.
 

ઇજિપ્તે 1934માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના 92 વર્ષમાં આ દેશના બેથી ત્રણ પેઢીના ખેલાડીઓ રમી ચૂક્યા, પણ તેઓ કેટલીક મૅચો ડ્રોમાં લઈ જઈ શક્યા હતા, પરંતુ દેશને વિજય નહોતા અપાવી શક્યા.

ઇજિપ્તના ખેલાડીઓએ જાણે ફાઇનલ જીતી ગયા હોય એવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ ઐતિહાસિક વિજય માણ્યો હતો. આખા ઇજિપ્તમાં અને ખાસ કરીને પાટનગર કૅરોમાં સેલિબ્રેશન થયું હતું.