(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 17 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ આઠ રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે વેપારો પાંખાં રહેતાં ખાસ કરીને આયાતી તેલમાં ભાવ ટકેલા રહ્યા હતા.
જોકે, આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની નિરસ માગ રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 110નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 75નો ઘટાડો આવતાં સ્થાનિકમાં સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 60નો કડાકો બોલાઈ ગયો હતો. તેમ જ મથકો પાછળ સરસવમાં રૂ. 20 ઘટી આવ્યા હતા, જ્યારે કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા ભૂરાજકીય તણાવને કારણે સોયાતેલની પડતરો વધી આવતા ભારતે સોયાતેલના વધુ કાર્ગો રદ કર્યા હતા, જેમાં રશિયાથી 25,000 ટન અને દક્ષિણ અમેરિકાથી 6000થી 8000 ટન સોયાતેલનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે પણ અંદાજે 70,000 ટન દક્ષિણ અમેરિકાના સોયાતેલના કાર્ગો રદ કરવામાં આવ્યા હતા.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1285, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1310, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1335, સોયા રિફાઈન્ડના માર્ચ ડિલિવરી શરતે રૂ. 1370 અને સન રિફાઈન્ડના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1610, રિલાયન્સ ક્નઝ્યુમરનાં સોયા રિફાઈન્ડના રૂ. 1360થી 1375 અને સન રિફાઈન્ડના રૂ. 1610 તથા અલાનાના આરબીડી પામોલિનના રૂ. 1333 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો છૂટાછવાયા રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1320, સોયા રિફાઈન્ડના રૂ. 1380, સન રિફાઈન્ડના રૂ. 1610, સિંગતેલના રૂ. 1660, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1370 અને સરસવના રૂ. 1400ના મથાળે રહ્યાના અહેવાલ હતા.