Sat Apr 25 2026

Logo

પશ્ચિમ બંગાળ પીડીએસ કૌભાંડ: EDની મોટી કાર્યવાહી, કોલકાતા અને બર્ધમાનમાં અનેક ઠેકાણે દરોડા

2026-04-25 14:56:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કથિત પીડીએસ (Public Distribution System) કૌભાંડને લઈને તપાસ એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આજે ED ની ટીમે પશ્ચિમ બંગાળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગના આ કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે કોલકાતા અને બર્ધમાનમાં અનેક ઠેકાણે શોધખોળ કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યભારમાં રાજકીય માહોલ ગરમાયો છે. 

ક્યાં અને કોના પર દરોડા?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ED ના અધિકારીઓએ કોલકાતા, બર્ધમાન અને હાબરામાં એકસાથે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશન મુખ્યત્વે સપ્લાયર્સ અને એક્સપોર્ટર્સને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યું છે. તેમાં  નિરાંજન ચંદ્ર સાહા સહિતના અનેક વેપારીઓના લગભગ ૯ જેટલા પરિસરો પર તલાશી અભિયાન ચાલી રહ્યું છે. આ કાર્યવાહી 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) ના કાયદા હેઠળ કરવામાં આવી રહી છે.

આ આખો મામલો ઓક્ટોબર 2020માં નોંધાયેલી એક FIR સાથે જોડાયેલો છે પોલીસ દ્વારા તત્કાલીન કસ્ટમ્સ ડેપ્યુટી કમિશનરની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કલ્યાણકારી યોજનાઓ માટે બનાવાયેલા ઘઉંનો મોટા પાયે ગેરઉપયોગ કરવામાં આવ્યો છે. સપ્લાયર્સ, લાઇસન્સ પ્રાપ્ત વિતરકો, ડીલરો અને વચેટિયાઓ સાથે મળીને, ઓછા દરે ગેરકાયદેસર રીતે ઘઉં ખરીદવામાં આવ્યા હતા. જેમાં હવે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ચૂંટણી ટાણે કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો

આ કેસમાં અગાઉ પણ ED મોટી કાર્યવાહી કરી ચૂકી છે. હાલમાં એજન્સી વધુ પુરાવા એકત્રિત કરવા માટે આ તપાસ આગળ વધારી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પશ્ચિમ બંગાળમાં હાલમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે.  પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે પૂર્ણ થઈ ગયું છે.  હવે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાવાનું છે. આ ચૂંટણી વચ્ચે ED ના આ દરોડા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યા છે.