વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આજે રાત્રે 11 જૂને ઈરાન પર એક મોટો હુમલો કરવામાં આવશે. તેમણે આ ધમકી ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આપી છે.
વેનેઝુએલા સાથે કર્યું તેવું કરીશું
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે. તેની નૌકાદળ, વાયુસેના, રડાર, એર ડિફેન્સ સિસ્ટમ અને મોટાભાગની આક્રમક ક્ષમતાઓ પહેલા જ નાશ પામી છે. તેમજ નજીકના ભવિષ્યમાં કોઈક સમયે, અમે ખાર્ગ ટાપુ અને અન્ય ક્રૂડ સંબંધિત માળખાગત સુવિધાઓ પર કબજો કરીશું. તેમના ક્રૂડ અને ગેસ બજારો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવીશું. જેમ આપણે વેનેઝુએલા સાથે કર્યું હતું. જે વેનેઝુએલા અને અમેરિકા બંને માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત
જ્યારે ઈરાનની સેનાએ યુએસ હવાઈ હુમલાના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કુવૈત અને બહેરીનમાં મુખ્ય યુએસ-સંકળાયેલ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. તેમજ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે અને તમામ જહાજોને આ વિસ્તારથી દૂર રહેવા ચેતવણી આપી છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કાર્યવાહી
તેના નિવેદનમાં ઈરાનની સેનાએ જણાવ્યું હતું કે તેની બદલો લેવાની લશ્કરી કાર્યવાહીના ભાગ રૂપે કુલ 18 મુખ્ય યુએસ લશ્કરી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં કુવૈતમાં અલી અલ-સાલેમ અને અહમદ અલ-જાબેર એરબેઝ અને બહેરીનમાં શેખ ઇસા એરબેઝનો સમાવેશ થાય છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ઈરાનની અંદર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી.