Fri May 01 2026

Logo

ટીન અને નિકલ સહિતની ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો...

2026-03-21 19:16:57
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલ, ટીન, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. 28, રૂ. 27, રૂ. આઠ અને રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ.એકથી બેનો સુધારો આવ્યો હતો. જોકે, આજે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ચારનો અને કોપર વાયરબાર તથા ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે નિકલ, ટીન, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 28 વધીને રૂ. 1623, રૂ. 27 વધીને રૂ. 4458, રૂ. આઠ વધીને રૂ. 803 અને રૂ. પાંચ વધીને રૂ. 1028ના મથાળે રહ્યા હતા, જ્યારે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ લેવાલીને ટેકે કોપર કેબલ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 1122 અને રૂ. 192 અને કોપર સ્ક્રેપ હેવી તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 1116 અને રૂ. 1111ના મથાળે રહ્યા હતા. 

વધુમાં આજે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ચારના ઘટાડા સાથે રૂ. 336 અને નિરસ માગે કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1213 અને રૂ. 310ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ખપપૂરતા છૂટાછવાયા કામકાજે માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 715 અને રૂ. 270ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.