Fri May 01 2026

Logo

'ધુરંધર-2'ના પાત્ર આતિફ અહેમદને લાગ્યો 'રાજકીય રંગ': કોંગ્રેસ-સપા અને AIMIMએ વખોડી ફિલ્મ

2026-03-20 16:02:00
Author: mumbai Samachar Team
Article Image

લખનઉઃ આદિત્ય ધર નિર્મિત અને એક્ટર રણવીરસિંહની સક્સેસફૂલ ફિલ્મ 'ધુરંધર-2' રિલીઝ થવાની સાથે બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. ઓપનિંગ ક્લેક્શન 145 કરોડ થતા ફિલ્મની સમગ્ર ટીમ ખુશખુશાલ થઈ ચૂકી છે, જોકે ફિલ્મે એક રાજકીય વિવાદને જન્મ આપ્યો છે, ફિલ્મમાં સમાજવાદી પાર્ટી (સપા)ના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતિક અહેમદને મળતું પાત્ર આતિફ અહેમદ ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મ અનુસાર આતિફ અહેમદના તાર પાકિસ્તાનના ISI તથા લશ્કર એ તૈયબા સાથે લિંક હતી. 

નકલી નોટની સપ્લાયમાં નામ
ફિલ્મમાં દર્શાવ્યાનુસાર પાકિસ્તાન સાથે જોડાયેલા તારથી તે ભારતમાં બનાવટી ચલણી નોટના સપ્લાયમાં સામેલ હતો. ફિલ્મમાં એમનું પાકિસ્તાન સમર્થનની સાથે તે પાકિસ્તાન સમર્થિત સરકાર બનાવવાના પણ પ્રયાસમાં હતો એવું દર્શાવાયું છે. 'ધુરંધર-2'માં અતિક અહેમદના પાત્રને લઈને હવે રાજકીય વિવાદ શરૂ થયો છે.
 
સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને આ મામલે દાવો કરતા જણાવ્યું હતું કે ફિલ્મની કમાણી વધારવા માટે ઈરાદાપૂર્વક નિર્માતાએ આવું કર્યું છે. આવા લોકો ગમે તેને બદનામ કરી શકે છે. આ ફિલ્મના માધ્યમથી સમાજમાં નરફત ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે જ્યારે એમની સામે સવાલ ઊઠાવીશું તો તેઓ એમને કાલ્પનિક દર્શાવીને જવાબ આપશે. 

કોંગ્રેસ અને AIMIMએ પણ સવાલ કર્યાં
AIMIMના નેતા વારિસ પઠાણે જણાવ્યું હતું કે મુસ્લિમોને બદનામ કરવા માટે 'ધુરંધર-2' બનાવી છે. આ પ્રકારની ફિલ્મ માત્ર એક પ્રોપગન્ડા છે, જેથી દેશમાં આ પ્રકારની નફરત ફેલાવી શકાય. આ પહેલા ઘણી એજન્ડા આધારિત ફિલ્મ બની ચૂકી છે. આવી ફિલ્મ બનાવીને તેઓ માત્ર પૈસા કમાવા માગે છે. 

ફિલ્મનિર્માતાને એ વાતની ખબર નથી કે, આનાથી દર્શકો પર કેવો અને શું પ્રભાવ પડશે? કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મની જેટલી ટીકા કરો એટલી ઓછી છે.આવી ફિલ્મ રસ્તા પર લોકોને ગોળી મારવા માટે વેગ આપે છે. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી ફિલ્મ મેકર્સમાંથી કોઈનું નિવેદન સામે આવ્યું નથી.