Fri May 29 2026

Logo

બોક્સ ઓફિસ પર 'ધુરંધર-2'ની સુનામી: છઠ્ઠા દિવસે 900 કરોડનો આંકડો પાર

2026-03-24 16:33:00
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર-2’ અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ ફિલ્મની કમાણીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. રિલીઝના પહેલા દિવસથી જ પ્રેક્ષકોમાં જે ઉત્સાહ હતો, તે છઠ્ઠા દિવસે પણ અકબંધ રહ્યો છે.

19 માર્ચ 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે. સામાન્ય રીતે અઠવાડિયાના મધ્યમાં ફિલ્મોની કમાણઈ ઘટતી હોય છે, પરંતુ 'ધુરંધર-2' ના કિસ્સામાં ચિત્ર અલગ છે. તાજા આંકડાઓ મુજબ, છઠ્ઠા દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં જ ફિલ્મે 14.35 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 530.86 કરોડને પાર કરી ગયું છે, જે તેની લોકપ્રિયતાનો પુરાવો છે.

'ધુરંધર-2'નો જાદુ માત્ર ભારતીય બજારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક સ્તરે માત્ર 6 દિવસમાં ફિલ્મે 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ટ્રેડ એક્સપર્ટ્સને ચોંકાવી દીધા છે. ફિલ્મ જે ગતિએ આગળ વધી રહી છે તે જોતા ટૂંક સમયમાં જ તે 1000 કરોડના પ્રતિષ્ઠિત ક્લબમાં સામેલ થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય સિનેમાનો આ દબદબો ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રેક્ષકોને આ ફિલ્મ કેમ આટલી પસંદ આવી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ તેનું હાઈ-વોલ્ટેજ એક્શન અને સારી સ્ટોરી છે. કલાકારોના અભિનય અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીએ ફિલ્મને દરેક વર્ગના દર્શકો માટે મનોરંજક બનાવી છે. તહેવારના દિવસો હોવાથી પરિવારો પણ મોટી સંખ્યામાં આ ફિલ્મ નિહાળવા જઈ રહ્યા છે. મનોરંજનની સાથે સાથે ફિલ્મની ગતિશીલતા દર્શકોને છેક સુધી જકડી રાખવામાં સફળ રહી છે.

બોક્સ ઓફિસના વર્તમાન ટ્રેન્ડને જોતા ફિલ્મી જગતના વિશ્લેષકો માની રહ્યા છે કે 'ધુરંધર-2' વર્ષ 2026ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં ટોચનું સ્થાન મેળવી શકે છે. જે રીતે રેકોર્ડબ્રેક કમાણી થઈ રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પણ આ ફિલ્મ નવા કીર્તિમાન સ્થાપિત કરશે. હાલમાં તો આ ફિલ્મની રફ્તાર અટકવાનું નામ નથી લઈ રહી અને તે સતત નવા માઈલસ્ટોન સર કરી રહી છે.