મુંબઈ: વર્ષ 2025 ના અંતમાં આવેલી 'ધુરંધર' ની ભવ્ય સફળતા બાદ, હવે તેનો બીજો ભાગ 'ધુરંધર 2' સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. 19 માર્ચના રોજ મોટા પડદા પર દસ્તક દેનાર આ ફિલ્મે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મનું બિરુદ હાંસલ કરી લીધું છે. રણવીર સિંહના પાવર-પેક્ડ પરફોર્મન્સને કારણે આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે અને ભારતની ટોપ-5 ઓપનિંગ ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
મીડિયા અહેવાલ મુજબ, 'ધુરંધર 2' એ પ્રથમ દિવસે 103 કરોડની જંગી ઓપનિંગ સાથે બોલીવુડમાં ઇતિહાસ રચ્યો છે. જો પ્રી-રિલીઝ કલેક્શનને પણ ઉમેરવામાં આવે તો ભારતમાં માત્ર બે જ દિવસમાં ફિલ્મની કમાણી 220.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ અત્યાર સુધીમાં 331 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. હિન્દી બેલ્ટમાં ફિલ્મે બીજા દિવસે જ 78.94 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પોતાની પકડ મજબૂત બનાવી છે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોમાં હવે 'ધુરંધર 2' ચોથા ક્રમે આવી ગઈ છે. પ્રથમ સ્થાને 'પુષ્પા: ધ રૂલ' (164 કરોડ) છે, બીજા ક્રમે 'RRR' (133 કરોડ) અને ત્રીજા સ્થાને 'KGF 2' (116 કરોડ) છે. ત્યારબાદ 'ધુરંધર 2' એ 103 કરોડ સાથે 'કલ્કિ 2898 AD' (95 કરોડ) ને પાછળ છોડીને પાંચમા સ્થાનેથી ચોથા સ્થાને છલાંગ લગાવી છે. અંદાજે 250 થી 450 કરોડના વિશાળ બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી સાબિત થઈ રહી છે.
જો કે, હિન્દી માર્કેટમાં અસાધારણ દેખાવ કરનાર આ ફિલ્મ દક્ષિણ ભારતની ભાષાઓમાં ધાર્યા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. કન્નડ ભાષામાં ફિલ્મ બે દિવસમાં માત્ર 11 લાખ રૂપિયા જ કમાઈ શકી છે. તમિલમાં પ્રથમ દિવસે 1.16 કરોડ અને બીજા દિવસે 44 લાખની કમાણી નોંધાઈ છે, જ્યારે તેલુગુમાં ફિલ્મનું બે દિવસનું કુલ કલેક્શન આશરે 3.42 કરોડ રૂપિયાની આસપાસ રહ્યું છે. જોકે, હિન્દી દર્શકોના ભરપૂર પ્રતિસાદને કારણે ફિલ્મના એકંદર આંકડાઓ અત્યંત મજબૂત દેખાઈ રહ્યા છે.