નવી દિલ્લીઃ દિલ્લીમાં 17 વર્ષની છોકરી પર ગેંગ રેપ પછી હત્યા કરવામાં આવી હતી. લાશના ટુકડા કરી જંગલમાં ફેંકી દીધી હતી. આ ઘટના દિલ્લીના સ્વરૂપનગર વિસ્તારમાં બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.
શરૂઆતમાં મૃતદેહની ઓળખ યુવતી તરીકે થઈ હતી પરંતુ બાદમાં 17 વર્ષની છોકરી તરીકે થઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા ટેમ્પોમાં આરોપીઓ સાથે ગઈ હતી. ટેમ્પોની અંદર દારૂ પીધા બાદ તેની સાથે ગેંગ રેપ કરાયો હતો અને ત્યારબાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પછી લાશના ટુકડા કરી ખુલ્લા ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે 13 સપ્ટેમ્બરના રોજ કુશક રોડ પર આવેલા જયપાલ રાણાના ખેતર પાસેથી સગીરાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હતો. પોલીસના જણાવ્યા મુજબ, મૃતદેહના કેટલાક ભાગોને રખડતા કૂતરાઓએ ખાઈ લીધા હતા અને તેનો એક હાથ શરીરથી અલગ મળ્યો હતો. હાલત એટલી હદે ખરાબ હતી કે તાત્કાલિક એ પણ જાણી શકાયું નહોતું કે મૃતદેહ પુરુષનો છે કે સ્ત્રીનો. પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા અને આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. તેઓએ કથિત રીતે એક ટેમ્પોમાં સાથે દારૂ પીધો હતો, જે બાદ સગીરા પર ગેંગ રેપ અને પછી છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી.
પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી
પોલીસે જણાવ્યું કે સગીરાના પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી નહોતી. પરિવારનું કહેવું હતું કે સગીરા અવારનવાર ઘરેથી જતી રહેતી હતી અને થોડા દિવસો પછી પાછી આવી જતી હતી. આ કારણે શરૂઆતમાં તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ, કોઈ પ્રત્યક્ષદર્શી ન હોવાથી અને શરૂઆતમાં આરોપીઓની ઓળખ ન થઈ હોવાથી પોલીસે વિસ્તાર અને આસપાસના રસ્તાઓના 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ ટેમ્પો વિશે માહિતી મળી હતી. 15 અને 16 સપ્ટેમ્બરની રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ટેમ્પો સ્વરૂપ નગર વિસ્તારની ખડ્ડા કોલોનીમાંથી મળી આવ્યો. તેના ચાલકની ઓળખ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
ત્રણ સગીરો ઝડપાયા
તપાસ આગળ વધતાં પોલીસે ગુનામાં સામેલ હોવાના આરોપસર ત્રણ સગીરો સહિત ચાર લોકોની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પુખ્ત વયના આરોપીની ઓળખ ખડ્ડા કોલોનીના રહેવાસી શિવમ ઉર્ફે સુદામા તરીકે થઈ છે. ત્રણેય સગીરોની ઉંમર આશરે 16 અને 17 વર્ષ હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે ગુનામાં વપરાયેલી બે છરી, આરોપીઓએ પહેરેલા કપડાં અને ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યા છે.