Tue Oct 06 2026

Logo

દિલ્હી પોલીસે રૂપિયા 12.84 કરોડની ડિજિટલી ચોરી ઝડપી, પાંચ લોકોની ધરપકડ

2026-09-16 22:04:27
Author: Chandrakant Kanoja
દિલ્હી પોલીસે રૂપિયા 12.84 કરોડની ડિજિટલી ચોરી ઝડપી, પાંચ લોકોની ધરપકડ

Delhi Police


નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સાયબર છેતરપિંડી કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે એક કંપનીના ખાતામાંથી રૂપિયા 12.84 કરોડની  ડિજિટલી ચોરી ઝડપી છે. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. 

12.84 કરોડ ની ડિજિટલ ચોરી આચરી હતી

પોલીસના જણાવ્યા અનુસાર આ ઠગ ટોળકીએ એક કોર્પોરેટ બેંક ખાતાનો દૂર ઉપયોગ કરીને રૂપિયા 12.84 કરોડ ની ડિજિટલ ચોરી આચરી હતી. જેની બાદ 
દિલ્હી પોલીસે દેશના વિવિધ ભાગોમાં દરોડા પાડીને પાંચ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક ખાનગી બેંકના રિલેશનશિપ મેનેજરનો પણ સમાવેશ થાય છે.

1.70 કરોડની રકમ ફ્રીઝ 

આ કાર્યવાહી દરમિયાન, પોલીસ છેતરપિંડીથી પડાવવામાં આવેલી રકમમાંથી આશરે  રૂપિયા 1.70 કરોડની રકમને વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરાવવામાં સફળ રહી હતી.

34 મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયા 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ કંપનીના કોર્પોરેટ ખાતામાંથી 317  અનધિકૃત ડિજિટલ વ્યવહારો કર્યા હતા. આ રકમ 34  અલગ-અલગ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જેમાં જયપુરમાં સ્થિત ખાનગી બેંકના રિલેશનશિપ મેનેજર વિકાસે સહ-આરોપી નમન કુમારને  બે  ખાનગી બેંકમાં ખાતા ખોલવામાં મદદ કરી હતી. તેને મુખ્ય નેટવર્ક સાથે જોડ્યો અને હરમન સાથે તેનો પરિચય કરાવ્યો. નમન કુમારના એક  ખાતામાં આશરે  રૂપિયા 70 લાખ અને  બીજા ખાતામાં  રૂપિયા 40 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

છેતરપિંડી કરનારાઓએ નમનને દિલ્હી બોલાવ્યો હતો 

આ તપાસમાં જાણવા મળ્યું કે નમનનું  એક બેંક એકાઉન્ટ 'નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ' પર દેશભરમાં નોંધાયેલી 43 ફરિયાદો સાથે જોડાયેલું હતું. છેતરપિંડી કરનારાઓએ નમનને દિલ્હી બોલાવ્યો હતો. તેને કૃષ્ણ નગરની 'હોટેલ નિર્વાણ રેસિડેન્સી'માં ઉતારો આપ્યો અને APK ફાઇલનો ઉપયોગ કરીને તેનું ખાતું ઓપરેટ કર્યું હતું. 

હરમન ટેલિગ્રામ પર સક્રિય ચીની સાયબર ગુનેગારોના સંપર્કમાં 

આ ઉપરાંત હરમન ટેલિગ્રામ પર સક્રિય ચીની સાયબર ગુનેગારોના સંપર્કમાં હતો. કમિશનની લાલચમાં આવીને તેણે નમનના ખાતાઓનું સંચાલન કર્યું અને બદલામાં  રૂપિયા 1.5 લાખ મેળવ્યા હતા. 

80 લાખની રકમ લવલીના બેંક ખાતામાં જમા કરાવવામા આવી 

છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલી રૂપિયા 80 લાખની રકમ લવલીના બેંક ખાતામાં જમા કરાવવામા આવી હતી. તેણે સત્યા નામના ફરાર આરોપીના કહેવાથી આ ખાતું ખોલાવ્યું હતું. અભય કુમાર સોલંકીના ખાતામાં  રૂપિયા 60,000 જમા કરવામાં આવ્યા હતા. જે તેણે ATM દ્વારા ઉપાડી લીધા હતા. 

ચીન તથા દુબઈમાં સ્થિત સાયબર ગુનેગારોની સંડોવણી 

આ તપાસમાં ચીન તથા દુબઈમાં સ્થિત સાયબર ગુનેગારો વચ્ચેના જોડાણનો પર્દાફાશ થયો છે. તેમજ આરોપી હરમન ટેલિગ્રામ દ્વારા રાજસ્થાનના દેવેન્દ્ર સિંહ ચૌહાણના સંપર્કમાં હતો. દેવેન્દ્ર છેતરપિંડીથી મેળવેલી રકમ ને ક્રિપ્ટોકરન્સી  માં રૂપાંતરિત કરતો હતો અને તેને વિદેશમાં બેઠેલા મુખ્ય સૂત્રધારોને ટ્રાન્સફર કરતો હતો. 

આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન એક ચેકબુક મળી 

પોલીસે આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન, એક ચેકબુક અને 'પ્રોપર્ટી ગેલેરી'ના નામના રબર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ એક સંગઠિત સાયબર ક્રાઈમ સિન્ડિકેટ છે જે ભારતના અનેક રાજ્યો અને વિદેશી દેશોમાં ફેલાયેલું છે. દિલ્હી પોલીસ ભારત અને દુબઈમાં છુપાયેલા અન્ય ફરાર શંકાસ્પદોને પકડવા માટે દરોડા પાડી રહી છે.