દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયાકિનારા નજીક આવેલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવક અચાનક ઊંચી પાણીની ટાંકી પર ચડી ગયો હતો અને તેની રેલિંગ પર જોખમી રીતે લટકવા લાગ્યો હતો. યુવકની આ ખતરનાક હરકત જોઈને આસપાસના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને જોતજોતામાં સ્થળ પર સહેલાણીઓ અને સ્થાનિકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
યુવક અચાનક ઊંચી પાણીની ટાંકી પર ચડી ગયો
સ્થાનિક લોકોએ યુવકને નીચે આવવા માટે ઘણી સમજાવટ કરી હતી, પરંતુ નશામાં ધૂત યુવક ટાંકી પર જ અડીંગો જમાવીને બેસી રહ્યો હતો. બનાવની જાણ થતાં જ દમણ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવકને સહીસલામત નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ટીમે કવાયત હાથ ધરી હતી. ટાંકીની ઊંચાઈ અને યુવકની બેદરકારીના કારણે બચાવ કામગીરી ખૂબ જ જોખમી બની હતી.
ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો
આશરે 3 કલાક સુધી ચાલેલા આ ભારે હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ ફાયર ફાઈટરો અને પોલીસે યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો હતો. યુવક નીચે આવતા જ ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીદો હતો. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું હતું કે તે દારૂના ભારે નશામાં હતો. આ ઘટનાએ લોકોને બોલિવૂડ ફિલ્મ 'શોલે'ના પ્રખ્યાત દ્રશ્યની યાદ અપાવી દીધી હતી. હાલ પોલીસે યુવક સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.