Sat Oct 03 2026

Logo

દાહોદની સ્માર્ટ સિટી તરીકે પસંદગી બાદ છેલ્લા બે વર્ષમાં કેટલા વિકાસલક્ષી કામ મંજૂર થયા ? સરકારનો જવાબ સાંભળી ચોંકી જશો

2026-09-11 12:05:43
Author: Mayur Patel
દાહોદની સ્માર્ટ સિટી તરીકે પસંદગી બાદ છેલ્લા બે વર્ષમાં કેટલા વિકાસલક્ષી કામ મંજૂર થયા ? સરકારનો જવાબ સાંભળી ચોંકી જશો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના અંતિમ દિવસે ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેમના મત વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીને દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી બાદ થયેલા કામ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો.

શું પ્રશ્ન પૂછ્યો

મહેશ ભુરીયાએ પૂછ્યું કે, તા.૩૧/૦૭/૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કયા-કયા વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે તથા તે પૈકી કેટલા કામો પૂર્ણ, કેટલા પ્રગતિ હેઠળ અને કેટલા કામો બાકી છે, અને ઉક્ત કામો માટે કેટલી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તથા તે પૈકી કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે ?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એક પણ વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, દાહોદને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની સત્તાવાર જાહેરાત ૨૩ જૂન, ૨૦૧૭ ના રોજ કરવામાં આવી હતી. ભારત સરકારના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનના ત્રીજા રાઉન્ડ અંતર્ગત દેશના ૩૦ નવા શહેરોની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ગુજરાતમાંથી દાહોદ ઉપરાંત રાજકોટ અને ગાંધીનગરની પણ પસંદગી થઈ હતી.