Mon Aug 17 2026

Logo

શું ફિલ્મ જોતાં તમે રડો છો?

2026-08-02 10:34:00
Author: Jui Parth
Article Image

 

 

 

જૂઈ પાર્થ

 

ટીના લગભગ પાંચ-સાત વર્ષની હતી ત્યારે એક ટીવી સિરિયલ જોતાં જોતાં એણે એની મમ્મીને રડતાં જોઈ. પછી પરિવારનાં બીજા સભ્યો સામે જોયું, લગભગ બધાંની આંખમાં ઝળઝળિયાં હતાં. નાની ટીનાને બધાંની ભીની આંખ જોઈને ખૂબ નવાઈ લાગી. એણે નિર્દોષ ભાવે બધાંને પૂછ્યું: ‘તમે બધા કેમ રડો છો?’

 

જવાબ મળ્યો, કંઈ નઈ. ટીનાએ બધાંને ના રડો કહી અલગ અલગ રીતે તેમનું મનોરંજન કરી હસાવવાનાં પ્રયત્નો શરૂ કર્યાં. થોડી વારે બધાં બધું રાબેતા મુજબ. ટીનાને પહેલી વાર એવું લાગ્યું થયું કે મનોરંજનનું સાધન રડાવી પણ શકે છે! આ પ્રકારનું એ બાળમનનું અવલોકન ટીવીથી માંડીને પુસ્તક તો કોઈ વાર ગીત તો વળી કોઈ વાર ફિલ્મો સુધી વિસ્તરતું ગયું. એવું લાગ્યું કે કોઈ તો એવું અનુસંધાન છે જે કોઈ વાર રડાવી જવા, હસાવી જવા કે કોઈ પણ પ્રકારની લાગણીનો અનુભવ કરાવવા માટે સક્ષમ છે.

 

સામાન્ય રીતે પુસ્તક વાંચતા, ફિલ્મો કે ટેલિવિઝન જોઈને, ગીત સાંભળીને લોકોને હસું, રડું, ગુસ્સો આવતો હોય છે, એટલે કે કોઈ એક પ્રકારની લાગણી તીવ્રપણે અનુભવાય છે. આપણે પોતે નથી એ પુસ્તકની વાર્તામાં, નથી એ ફિલ્મ કે સિરિયલમાં, કે નથી ગીતનાં શબ્દોમાં, છતાંય વ્યક્ત થયેલો ભાવ કળી આપણે પણ એ જ અનુભવીએ છીએ. જાહેરમાં હસવા કે ગુસ્સાની પ્રતિક્રિયા આપવામાં લોકોને એટલો સંકોચ નથી થતો જેટલો આંસુ બતાવવામાં થાય છે. જોવાની ખૂબી એ છે કે જ્યાં સંકોચ થતો હોય ત્યાં પણ લોકો આંખમાં આવતા પાણીને રોકી નથી શકતાં, તો આવું કેમ થાય?

 

આ વિશે વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે ફિલ્મ જોતાં રડવું એ હકારાત્મક નિશાની છે. તેનાથી સાબિત થાય છે કે તે રડનાર વ્યક્તિની લાગણીઓ હજી જીવંત છે. 

 

 અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે ‘એમ્પથી’ એટલે કે સહાનુભૂતિ. કહે છે કે ફિલ્મો જોતી વખતે રડતાં લોકોમાં સહાનુભૂતિનું તત્ત્વ હજી જળવાયું છે તેમ કહી શકાય. દર્શક પડદા પર દેખાતાં પાત્રોની પરિસ્થિતિમાં એટલા પરોવાઈ જાય છે કે આ પાત્રોને દર્શકો પોતાનાં માની પાત્રોનાં સુખે સુખી અને દુ:ખે દુ:ખી થાય છે.

 

બીજું છે ઈફવિંફતિશત - કથારસિસ મનોવિજ્ઞાનમાં વપરાતો એક શબ્દ જેનો અર્થ છે, કે વર્ષોથી મનમાં રહેલી અવ્યક્ત લાગણી, નકારાત્મક અનુભવ મનની બહાર નીકળવા તે. આપણી પોતાની દબાયેલી, અવ્યક્ત, દુભાયેલી, અકથિત લાગણીઓ જ્યારે આપણે ફિલ્મ, પુસ્તક કે ગીતનાં પત્રોમાં જોઈએ છીએ ત્યારે તેમનાં થકી આપણને આપણી પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા જેટલો સંતોષ થાય છે તેમ જ રડી લેવાથી મન પરનો બોજ ઊતર્યો હોય તેવું થાય છે. ઘણી ફિલ્મો જોઈને રડ્યા પછી સારું લાગતું હોય છે તેનું કારણ આ જ છે કે આપણી મનોવ્યથા કે મૂંઝવણો ફિલ્મનાં પાત્રો થકી કહેવાતી હોવાથી આપણે જે લાંબા સમયથી મનમાં ભરી રાખ્યું હોય તે સામાજિક રીતે સ્વીકૃત પાત્રો કહે તો આપણા પણ વિચારોને સ્વીકૃતિ મળી હોય તેવું લાગે છે.

 

આમ મનોરંજનનું માધ્યમ ઈન્ફોર્મલ થેરાપી - અનૌપચારિક સારવારનું માધ્યમ પણ બની જતું હોય છે. કથા, પાત્રો કે શબ્દો હૃદયનાં એ તાર ઝણઝણાવી જાય છે. 

 

તો, તમે છેલ્લી ફિલ્મ જોઈ તો રડ્યાં કે નહીં? 

આ વિશે બોલો, તમે શું કહો છો?